પત્રકાર છત્રપતિ હત્યાકાંડમાં ગુરમીત રામ રહિમ દોષિત, 17 જાન્યુઆરીએ સજા સંભળાવાશે
નવી દિલ્હીઃ પંચકૂલાની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે પત્રકાર રામ ચંદ્ર છત્રપતિ હત્યાકાંડ મામલામાં ગુરમીત રામ રહીમ સહિત તમામ 4 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે, આ મામલામાં 17 જાન્યુઆરીએ સુનાવણી થશે. રોહતકની જેલમાં બંધ રામ રહીમની વીડિયો કોન્ફ્રન્સ દ્વારા સુનાવણી કરવામાં આવશે. સાથે જ તમામ સુરક્ષાની વ્યવસ્થા કરી રાખી હતી. જેને ધ્યાનમાં રાખી હરિયાણામાં હાઈ અલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે પંજાબમાં પણ અલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

હવે સજા સંભળાવાશે
અગાઉ રામ રહીમની સુનાવણીને લઈ પ્રશાસન પણ પરેશાન હતું. બે મહિલાઓના રેપ કેસમાં ફેસલો આવ્યા બાદ જેવી રીતે હિંસક ઘટના થઈ, તેને જોતા રામ રહીમને વીડિયો કોન્ફ્રેન્સ કરી સુનાવણીના આદેશ જાહેર કરવામાં આવ્યા હતા. ડેરા સમર્થકો બેકાબૂ થયા હોવાની આશંકાને કારણે હરિયાણા સરકારે પંચકુલાની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં અપીલ કરી હતી.

17 જાન્યુઆરીએ સુનાવણી થશે
સાધ્વી દુષ્કર્મ મામલામાં ગુરમી રામ રહીમને સજા સંભળાવનાર જજ જગદીપ સિંહે આ હત્યાકાંડમાં 17 જાન્યુઆરીએ તમામ દોષિતોને સજા સંભળાવશે. આ કેસની સુનાવણી ગત અઠવાડિયે પૂર્ણ થઈ ગઈ હતી. 16 વર્ષ જૂના કેસમાં ફેસલા પહેલા ભટિંડા અને માણસા જિલ્લામાં લગભગ 15 કંપનીના 1200 જવાન તહેનાત કરવામાં આવ્યા હતા. ફિરોજપુર, ફરીદકોટ, મોગા અને ફાજિલ્કામાં 700 જવાન તહેનાત કરવામાં આવ્યા હતા. બરનાલાના બાજાખાના રોડ અને ધનૌલા રોડ સ્થિત ડેરા સાથે જોડાયેલ નામ ચર્ચાના ઘેરાની બહાર 50-50 સુરક્ષાકર્મી તહેનાત કરવામાં આવ્યા હતા.

પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
વર્ષ 2002માં પત્રકાર રામચંદ્ર છત્રપતિની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. તેઓ સતત ડેરમાં થનાર ખોટા કામોના સમાચાર છાપતા હતા. છત્રપતિના પરિવારે આ સંબંધમાં કેસ દાખલ કરાવ્યો હતો. જે બાદ 2003માં આ કેસ સીબીઆઈને સોંપી દેવામાં આવ્યો જેમાં વર્ષ 2007માં સીબીઆઈએ ડેરા મુખ્યા ગુરમીત સિંહ રામ રહીમને હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપી માનતાં ચાર્જશીટ ફાઈલ કરી હતી.