ડ્રગ્સનો તમામ જથ્થો ગુજરાતના રસ્તે આવે છે, કિરીટસિંહ-ગોસાઈ સહિત તમામ સંડોવાયેલા: નવાબ મલિક
NCPના નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના જમાઈ જ્યારથી ડ્રગ્સ કેસમાં ફસાયા છે ત્યારથી તેઓ રોજ રોજ પ્રેસ-કોન્ફરન્સ કરી નવા નવા આરોપ લગાવી રહ્યા છે. અત્યારસુધી નવાબ મલિક મહારાષ્ટ્રના મંત્રીઓ પર આરોપ લગાવતા આવ્યા છે, પરંતુ આજે તેમણે ગુજરાતના ભાજપના મંત્રીઓ પર પણ આકરા પ્રહારો કર્યા છે. નવાબ મલિકે આજે ગુજરાતના મંત્રીને સાણસામાં લાવવાનો પ્રયાસ કર્યો છે. આજે પ્રેસ-કોન્ફરન્સ કરી નવાબ મલિકે કહ્યું હતું કે 'મુંદ્રા પોર્ટ પછી 350 કરોડ રૂપિયાનું ડ્રગ્સ દ્વારકાથી પકડાયું છે. શું આ કોઈ સંજોગ છે? મનીષ ભાનુશાળી, ધવન ભાનુશાળી, કિરણ ગોસાવી, સુનીલ પાટીલ સહિતના લોકો અમદાવાદની એક ફાઈવસ્ટાર હોટલમાં રોકાયા હતા. તેમને ગુજરાતના મંત્રી કિરીટસિંહ રાણા સાથે ઘનિષ્ઠ સંબંધ છે. આ તે લોકો છે, જેઓ ડ્રગ્સ કેસમાં સંડોવાયેલા છે. ત્યારે મારો પ્રશ્ન એ છે કે શું આ ડ્રગ્સ ગેમમાં ગુજરાતની ભૂમિકા છે કે નહીં?'
ભાવનગરના પ્રભારી કિરીટસિંહ રાણાએ BJP કાર્યાલયની મુલાકાત લીધી હતી એ દરમિયાન તેમણે પ્રતિક્રિયા આપતાં NCPના નેતા મલિક દ્વારા કરાયેલા આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું. તો જિતુ વાઘાણીએ પણ પ્રતિક્રિયા આપી કિરીટસિંહ રાણા કે અન્ય કોઈ આગેવાનો ડ્રગ્સ કેસમાં કોઈ કનેક્શન નહીં હોવાનું જણાવ્યું હતું અને કોંગ્રેસ-એનસીપીને ખોટા આક્ષેપો કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બદનામ કરે છે એવા આક્ષેપો કર્યા હતા.

નવાબ મલિકે ગુજરાતનું નામ લઈ ભાજપ પર નિશાન સાધ્યું
નવાબ મલિકે આ સાથે જ દેશને નશામુક્ત બનાવવા માટે 1985ના કાયદાનો હવાલો આપ્યો. મલિકે NCBના DGને વિનંતી કરતાં કહ્યું હતું કે 1985માં કાયદો એટલા માટે બન્યો હતો કે દેશને નશામુક્તિ બનાવવામાં આવે. તેમણે એવું કહ્યું હતું કે ગુજરાતથી ડ્રગ્સ આવે છે અને અમે ગુજરાતના ડ્રગ કનેક્શનને દેશની સામે લાવીશું. NCBના DG મામલાને ગંભીરતાથી લઈશું, આ અમારી વિનંતી છે અને એ અંગે સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ. ભાજપ એવો પ્રચાર કરી રહી હતી કે નવાબ મલિક લડાઈમાં એકલા પડી રહ્યાં છે, પરંતુ એવું નથી, મારી સાથે પવાર સાહેબ અને CM બંને છે.

ગુજરાત ભાજપના નેતાઓએ આપ્યો વળતો જવાબ
ભાવનગરની મુલાકાતે આવેલા પ્રભારી કિરીટસિંહ રાણાએ એનસીપી નેતા મલિકના આક્ષેપો સામે આપી આકરી પ્રતિક્રિયા હતી. શપથવિધિ કે અન્ય પ્રસંગે લોકોને મળવાનું થાય એનાથી કંઈ ડ્રગ્સ કેસમાં કનેકશન હોવાનું સાબિત થતું નથી. દ્વારકામાં પકડાયેલાં ડ્રગ્સથી રાજકીય નિવેદનોથી રાજકારણ ગરમાયું છે. ભાવનગરની મુલાકાતે આવેલા પ્રભારી કિરીટસિંહ રાણાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે એનસીપીના મંત્રી નવાબ મલિકે જે આક્ષેપો લગાવ્યા છે એ તદ્દન ખોટા છે. મારા જાહેર જીવનમાં અનેક લોકો સાથે મુલાકાત થતી હોય છે ત્યારે ત્યારે કોણે ફોટા પાડ્યા હોય એ મને ખબર નથી, પરંતુ જે ડ્રગ્સ કેસમાં આરોપી પકડાયો છે તેની સાથે મારે કોઈ ઓળખાણ નથી, માટે આ આક્ષેપો તદ્દન ખોટા છે.
શિક્ષણમંત્રી જિતુભાઇ વાઘાણીએ નવાબ મલિક દ્વારા જે ભાજપના કિરીટસિંહ રાણા પર ગંભીર ડ્રગ્સ કેસ મામલે નિવેદનો કરવામાં આવ્યાં છે એ નકારી કાઢ્યા છે અને કોંગ્રેસ અને NCPના નેતાઓ તેમના સંસ્કારો જોઈ લે, અમારા પૂર્વ મુખ્યમંત્રી દેવન્દ્ર ફડવીસ બરોબર રીતે આવાં તત્ત્વો, દેશદ્રોહી સાથે કોને કબાબ અને બિરયાની પીરસ્તા હતા, દેશદ્રોહી સાથે રહેનાર કૉંગ્રેસ અને એનસીપી લોકો, અમારા રાજ્યના સિનિયર આગેવાન, મંત્રી કિરીટસિંહ રાણા ભાજપના વિચારો અને સંસ્કારો સાથે જોડાયેલા છે, હાલ ડ્રગ્સ કેસમાં મંત્રીઓને જે રીતે જોડવામાં આવે છે એને સખત શબ્દોમાં વખોડવામાં આવ્યા હતા, સાથે જણાવ્યું હતું કે વિરોધપક્ષને પણ અનેક લોકો મળતા હોય છે, પરંતુ એનાથી કોઈ આક્ષેપ ફલિત થતા નથી. રાજ્યના જિતુભાઈએ ચેલેન્જ કરી હતી કે કિરીટસિંહ સાથેનું આવું કનેક્શન પુરાવા સાથે શોધીને લાવે તો અમારું નેતૃત્વ, અમારી સરકાર, અમારી ભારતીય જનતા પાર્ટી એના માટે તૈયાર છે, ખોટા આક્ષેપો કરવા ખોટી ભ્રમણાઓ ફેલાવી એ કોંગ્રેસ અને NCPનું કામ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી પર હંમેશાં લોકોના આશીર્વાદ રહ્યા છે, એ વિરોધીઓ શાખી શકતી નથી, માટે આવા આક્ષેપો કરે છે.

ફડણવીસને 5 કરોડની માનહાનિની નોટિસ મોકલી
NCPના નેતા અને લઘુમતી કલ્યાણમંત્રી નવાબ મલિકની પુત્રી અને જમાઈ સમીર ખાને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ સામે 5 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ મોકલી છે. મલિકે ગુરુવારે આ માહિતી આપી હતી. મલિકે કહ્યું હતું કે ફડણવીસે તેમના પરિવારને બદનામ કરવાનો પ્રયાસ કર્યો. જો પૂર્વ સીએમ માફી નહીં માગે તો તેમનો પરિવાર સિવિલ અને ક્રિમિનલ કોર્ટમાં ફડણવીસ સામે માનહાનિનો કેસ દાખલ કરશે.