
રાજસ્થાન ગેહલોત સરકારના તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા, કાલે બપોરે 2 વાગે PCC ઓફિસમાં બેઠક યોજાશે!
જયપુર, 20 નવેમ્બર : રાજસ્થાનની અશોક ગેહલોત સરકારના કેબિનેટમાં ફેરબદલ પહેલા શનિવારે સાંજે તમામ મંત્રીઓએ રાજીનામું આપી દીધા છે. આના એક દિવસ પહેલા શિક્ષણ રાજ્યમંત્રી ગોવિંદ સિંહ દોતાસરા, મહેસૂલ મંત્રી હરીશ ચૌધરી અને મેડિકલ મિનિસ્ટર ડૉ.રઘુ શર્માનું રાજીનામું આવ્યું હતું. તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને રવિવારે બપોરે 2 વાગે પાર્ટી હેડક્વાર્ટર બોલાવવામાં આવ્યા છે. જ્યાં બેઠક યોજાશે. તેમાં કેબિનેટ ફેરબદલ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ પછી નવા મંત્રી સાંજે ચાર વાગ્યે રાજભવનમાં પદના શપથ લેશે.
જણાવી દઈએ કે શનિવારે સાંજે મુખ્યમંત્રી અશોક ગેહલોતના નિવાસસ્થાને મળેલી મંત્રી પરિષદની બેઠકમાં તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે. પ્રતાપસિંહ ખાચરીયાવાસે તમામ મંત્રીઓના રાજીનામાની પુષ્ટિ કરી છે. તમામ મંત્રીઓએ નિર્ણય હાઈકમાન્ડ પર છોડીને રાજીનામા આપી દીધા છે. તમને જણાવી દઈએ કે, રાજસ્થાન કેબિનેટ વિસ્તરણ 2021ને લઈને તમામ કામગીરી પુરી થઈ ગઈ છે. સવારે સીએમ અશોક ગેહલોત અને પ્રભારી અજય માકને કેબિનેટના પુનર્ગઠનમાં સામેલ થવાના સંભવિત નામો અને કેબિનેટમાંથી કાઢી નાખવામાં આવેલા નામો વિશે ચર્ચા કરી હતી.
ઉલ્લેખનિય છે કે, આ પહેલા સતત કેબિનેટમાં ફેરબદલની અટકળો ચાલી રહી હતી. હવે રાજીનામા સાથે આ અટકળોનો અંત આવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે આવતીકાલે રાજસ્થાન સરકારમાં ક્યાં ક્યાં ચહેરાને સ્થાન મળે છે. આ તમામ બાબતો પરથી કાલે સંપુર્ણ પરદો ઉઠી જશે.