અમરિંદર સિંહ આજે અમિત શાહ અને નડ્ડાને મળશે! ભાજપમાં જોડશે?
ચંદીગઢ : તાજેતરમાં પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપનારા કોંગ્રેસ નેતા કેપ્ટન અમરિંદર સિંહ આજે (28 સપ્ટેમ્બર) દિલ્હીની મુલાકાતે છે. માહિતી અનુસાર જ્યાં તેઓ આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળશે. મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ કોંગ્રેસ પર સતત પ્રહારો કરનારા અમરિંદર સિંહ વિશે અટકળો ચાલી રહી છે કે, આ બેઠક બાદ તેઓ ભાજપમાં જોડાવાની અથવા નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી શકે છે.
કેપ્ટન અમરિંદર સિંહ મંગળવારના રોજ બપોરે પંજાબથી દિલ્હી પહોંચશે. જે બાદ તેઓ સાંજે અમિત શાહ અને જેપી નડ્ડા સાથે બેઠક કરશે. જો કે, આ બેઠક અંગે કેપ્ટન કે ભાજપે કશું કહ્યું નથી. કેપ્ટન અમરિંદર સિંહે નવ દિવસ પહેલા 19 સપ્ટેમ્બરના રોજ પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ તેમણે વારંવાર પાર્ટી હાઈકમાન્ડ અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સિદ્ધુને નિશાન બનાવ્યા છે. તેમણે પાર્ટી હાઈકમાન્ડ પર પોતાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. સિદ્ધુને પાકિસ્તાનની નજીક ગણાવતા તેમણે દેશની સુરક્ષા માટે પણ ખતરો ગણાવ્યો છે.
અમરિંદર દ્વારા 2022ની પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં સિદ્ધુને હરાવવા માટે તેમના ઉમેદવારને મેદાનમાં ઉતારવાની જાહેરાત પણ કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે, તેઓ નવજોત સિંહ સિદ્ધુને પંજાબના મુખ્યમંત્રી બનતા રોકવા માટે સંપૂર્ણ લડત આપશે અને આવા ખતરનાક માણસથી દેશને બચાવવા માટે કોઈપણ બલિદાન આપવા તૈયાર છે. સિદ્ધુને રાજ્યનો મુખ્યમંત્રી ચહેરો બનતા અટકાવવા માટે, તેઓ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તેમની સામે મજબૂત ઉમેદવાર ઉભા કરશે. કેપ્ટનના આ નિવેદનો માટે અલગ પક્ષ બનાવવા અથવા ભાજપની નજીક જવા માટે ચર્ચાઓ ચાલી રહી છે.