અડવાણી-જોશીની ટિકિટ કપાવા પર અમિત શાહે તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ?
લોકસભા ચૂંટણી 2019 પહેલા ભારતીય જનતા પાર્ટીએ ઘણા વરિષ્ઠ નેતાઓને ટિકિટ નથી આપી. આમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીનું નામ મુખ્ય છે. અડવાણીની ટિકિટ કપાવા અંગે ભાજપ અને પીએમ મોદીને વિપક્ષી દળોની ટીકા પણ સહન કરવી પડી છે. આ દરમિયાન ઘણા વરિષ્ઠ નેતાઓની ટિકિટ કપાવા મામલે પાર્ટીના અધ્યક્ષ અમિત શાહનું નિવેદન આવ્યુ છે.

પોતે લોકસભા ચૂંટણી લડવાના સવાલ પર શું બોલ્યા શાહ
અમિત શાહે કહ્યુ કે 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ નહિ આપવાનો પાર્ટીનો નિર્ણય છે. આ કારણે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા નેતાઓને આ વખતે ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી નથી. અમિત શાહે પોતાના ચૂંટણી લડવાના સવાલ પર પણ જવાબ આપ્યો. શાહે કહ્યુ કે તે સીધો જનાદેશ ઈચ્છતા હતા એટલા માટે તેમણે લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો.

સરકારમાં શામેલ થવાની અટકળોને ફગાવી
શાહે કહ્યુ કે તે 25 વર્ષ સુધી ધારાસભ્યરહ્યા. તે એક રાજકીય કાર્યકર્તા છે જે લોકો વચ્ચે રહે છે. વિધાનસભા કાર્યકાળ સમાપ્ત થયા બાદ લોકસભા ચૂંટણીમાં હજુ સમય હતો એટલા માટે તે રાજ્યસભા દ્વારા સંસદમાં ગયા. તેમણે કહ્યુ કે તે સીધો જનાદેશ ઈચ્છતા હતા અને પાર્ટીમાં આ અંગે સામાન્ય સંમતિ બની ગઈ. શાહે એ અટકળોને ફગાવી દીધી કે તે સરકારમાં શામેલ થઈ શકે છે. તેમણે કહ્યુ કે એક રાજ્યસભા સભ્ય પણ મંત્રી બની શકે છે.

આતંકવાદને સહન નહિ કરે મોદી સરકારઃ શાહ
આતંકવાદ મુદ્દે ભાજપ અધ્યક્ષે કહ્યુ કે મોદી સરકાર આતંકવાદને સહન નહિ કરે. શાહે કહ્યુ કે સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક બાદ દુનિયાને એક સંદેશ ગયો છે કે ભારત પોતાના સશસ્ત્ર બળોના સભ્યોની શહીદીનો બદલો લઈ શકે છે. બાલાકોટ એર સ્ટ્રાઈક પર અમિત શાહે કહ્યુ કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી અને ત્યાંની સેનાએ માન્યુ કે તેમને ઘણુ નુકશાન થયુ. તે આનો બદલો લેવાની તૈયારીમાં હતા અને તે સમયે પણ વિપક્ષ પુરાવા માંગી રહ્યુ હતુ. આનાથી મોટુ સેનાનું અપમાન બીજુ શું હોઈ શકે છે.

રામ મંદિર મુદ્દા પર શાહે કહ્યુ કે કોર્ટના ચુકાદાની રાહ જોઈશુ
વિપક્ષ પર નિશાન સાધતા શાહે કહ્યુ કે મત બેંકની રાજનીતિ માટે એટલી હદે ન જવુ જોઈએ. જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 અને રામ મંદિર મુદ્દે શાહે કહ્યુ કે આના માટે લોકસભા અને રાજ્યસભા બંનેમાં પૂર્ણ બહુમતની જરૂર છે. શાહે કહ્યુ કે રામ મંદિરનો મુદ્દો કોર્ટમાં છે અને તે આની રાહ જોશે. શાહે કહ્યુ કે તેમનો સ્પષ્ટ મત છે કે તે જ સ્થળ પર એક ભવ્ય રામ મંદિર વહેલી તકે બનવુ જોઈએ.
આ પણ વાંચોઃ મહેબૂબા મુફ્તીઃ કલમ 370 ખતમ કરવાનો અર્થ જમ્મુ કાશ્મીર પર ભારતનો બળજબરી કબ્જો હશે