3 રાજ્યોમાં PM મોદીના વિકાસના એજન્ડાને લોકોએ વોટ આપ્યો છે: અમિત શાહ
પૂર્વોત્તર રાજ્યોના પરિણામમાં ત્રિપુરામાં ભાજપને સ્પષ્ટ બહુમત મળ્યો છે. જો કે જીત પછી જ્યાં અમિત શાહની રણનીતિના વખાણ થઇ રહ્યા છે ત્યાં જ એક પ્રેસવાર્તા કરીને અમિત શાહે આ અંગે જીતનો યશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને જીત પછી કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ ટ્વિટમાં જણાવ્યું કે ત્રિપુરામાં શૂન્યથી શરૂઆત કરીને અમે સફળતા મેળવી છે. અને ત્રિપુરાને આગળ વધારવા માટે અમે સંપૂર્ણ પ્રયત્ન કરીશું.
તો બીજી તરફ અમિત શાહે પ્રેસવાર્તામાં જણાવ્યું કે કરોડો કાર્યકર્તાઓ માટે આજે હર્ષો ઉલ્લાસનો દિવસ છે કારણ કે પીએમ મોદીના વિકાસના મંત્રની આમાં જીત થઇ છે. સાથે જ તેમણે આ માટે કાર્યકર્તાઓને પણ શુભેચ્છા પાઠવી હતી. અમિત શાહે જણાવ્યું કે ચૂંટણી જીત્યા પછી વડાપ્રધાને પૂર્વોત્તર રાજ્યોના વિકાસની વાત કરી હતી. અને જનતાએ આ મામલે પીએમ પર વિશ્વાસ બતાવ્યો છે. ઉલ્લેખનીય છે કે જીત પછી દિલ્હી હેડક્વાર્ટર ખાતે અમિત શાહે હાજરી આપી હતી. અને કાર્યકરોએ અહીં ત્રિપુરાની જીતને ભારે હર્ષો ઉલ્લાસ સાથે આવકારી હતી. નોંધનીય છે કે ત્રણ રાજ્યોની આ ચૂંટણીમાં ભાજપને ત્રિપુરા અને નાગાલેન્ડમાં જોરદાર ફાયદો થયો છે. અને મેધાલયમાં કોંગ્રેસ આગળ છે. આમ આ પ્રદર્શનથી ભાજપનો ઉત્સાહ વધ્યો છે.