'ગાંધીજી અને નેતાજી વચ્ચે એક મુશ્કેલ સંબંધ હતો', જાણો કંગનાના નિવેદન પર શું બોલ્યા સુભાષચંદ્ર બોઝની દીકરી
નવી દિલ્લીઃ કંગના રનોતના મહાત્મા ગાંધી અને સુભાષચંદ્ર બોઝ વિશે આપેલા નિવેદનના કારણે નવુ ઘમાસાણ શરૂ થઈ ગયુ છે. આ દરમિયાન કંગનાના નિવેદન પર સુભાષચંદ્ર બોઝની દીકરી અનિતા બોઝની પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યુ કે મારા પિતાની પ્રવૃત્તિ ઘણી જટિલ હતી અને ગાંધીજીને લાગતુ હતુ કે તે નેતાજીને કંટ્રોલ કરી શકે છે પરંતુ તે એવુ નહોતા કરી શકતા. વળી, બીજી તરફ મારા પિતા(સુભાષચંદ્ર બોઝ) ગાંધીજીના બહુ મોટા પ્રશંસક હતા. અનિતા બોઝે કહ્યુ કે મારા પિતાની અંદર પોતાના કામ વિશે ગાંધીજીની પ્રતિક્રિયા માટે ઉત્સુકતા રહેતી હતી.
કંગનાના નિવેદન પર અનિતા બોઝની પ્રતિક્રિયા
ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ કંગના રનોતની એ ટિપ્પણી પર અનિતા બોઝની પ્રતિક્રિયા લેવામાં આવી જેમાં તેણે કહ્યુ હતુ કે ગાંધીજી અને નહેરુ બંને નેતાજી સુભાષચંદ્ર બોઝને અંગ્રેજોને સોંપવા માટે તૈયાર હતા. કંગનાના આ નિવેદન પર પ્રતિક્રિયા આપીને અનિતાએ કહ્યુ, 'એ વાત ફગાવી ન શકાય કે નેતાજી અને ગાંધીજી બંને આપણા હીરો રહ્યા છે, તેમના યોગદાનથી જ દેશને આઝાદી મળી હતી. એક વિના બીજુ સંભવ નહોતુ.'
ગાંધીજી અને નેતાજીના પ્રયાસોથી મળી આઝાદીઃ અનિતા બોઝ
અનિતા બોઝે આગળ કહ્યુ છે, 'કોંગ્રેસના અમુક સભ્યોને એ જરુર લાગતુ હતુ કે માત્ર અહિંસાની નીતિથી જ દેશને આઝાદી અપાવી નહિ શકાય. નેતાજી અને ઈન્ડિયન નેશનલ આર્મીનુ એ વખતે આઝાદીમાં મહત્વનુ યોગદાન હતુ. જો કે એ દાવો કરવો પણ ખોટો ગણાશે કે માત્ર નેતાજી અને તેમની આર્મીના કારણે દેશને આઝાદી મળી હતી. ગાંધીજી અને નેતાજીએ બધાને આઝાદી માટે પ્રેરિત કર્યા હતા.'