આઈપીએલ સટ્ટાબાજી મામલે અરબાઝ ખાનને સમન
આઈપીએલમાં સટ્ટાબાજી સાથે જોડાયેલા મામલે બોલિવુડ અભિનેતા અને પ્રોડ્યુસર અરબાઝ ખાનને ઠાણે પોલિસે બોલાવ્યો છે. ઠાણે પોલિસે અરબાઝ ખાનને સમન પાઠવીને રવિવારે હાજર થવાનું કહ્યુ છે. અરબાઝ ખાન જાણીતા અભિનેતા સલમાન ખાનના ભાઈ છે. હાલમાં જ સટ્ટાબાજીના એક મામલામાં બુકી સોનુ જાલાનની ધરપકડ અને પૂછપરછ બાદ સટ્ટાબાજીના મામલામાં સમન જારી કર્યા છે.
ઠાણે પોલિસે શુક્રવારે સવારે અરબાઝ ખાનના બાન્દ્રા સ્થિત ઘર પર સમન આપ્યા અને આઈપીએલમાં સટ્ટાબાજી મામલે તપાસ માટે તેમની ઉપસ્થિતિની જરૂરિયાત જણાતા તેમને આવવા માટે કહ્યુ. આ મામલો સટ્ટાબાજીના મોટા ગિરોહ સાથે જોડાયેલો છે. 15 મે ના રોજ ડોંબિવલીથી ચાલતા એક સટ્ટાબાજી રેકેટમાં ચારની ધરપકડ થઈ હતી જેને સોનુ જાલાન નામનો બુકી ચલાવતો હતો. તેની પૂછપરછ દરમિયાન અરબાઝ ખાનનું નામ સામે આવ્યુ હતુ. સોનુ જાલાન આઈપીએલ મેચોમાં સટ્ટાબાજી માટે આ પહેલા પણ પોલિસની રડાર પર રહ્યો છે. તેની 2012માં પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે પણ પૂછપરછમાં તેણે સનસનીખેજ ખુલાસો કરતા એક શ્રીલંકન ખેલાડી સાથે મળી કરોડોની સટ્ટાબાજી અને ફિક્સિંગની વાત કરી હતી.