#ArnabDidIt: ગુજ.રમખાણોનો કિસ્સો વર્ણવતા ફસાયા અરનબ ગોસ્વામી!
સોશિયલ મીડિયા આજે એક એવું સાધન છે, જેના દ્વારા ખબરો ખૂબ ઝડપથી ફેલાય છે અને તેનું હાસ્ચાંતરણ પણ તુરંત થઇ જાય છે. મંગળવારે સવારે રાજદીપ સરદેસાઇએ પોતાના જૂના કલિગ એવા અરનબ ગોસ્વામીના એક યૂટ્યુબ વીડિયોની લિંક પોસ્ટ કરી હતી અને સાથે જ અરનબના જુઠ્ઠાણા પરથી પડદો ઊંચક્યો હતો. આ વીડિયોમાં અરનબ 2002ના ગુજરાત રમખાણો કવર કર્યા હોવાનો દાવો કરતા નજરે પડે છે, આ દાવાને રાજદીપ સરદેસાઇએ ખોટો સાબિત કર્યો છે. ત્યાર બાદથી લોકો ટ્વીટર પર #ArnabDidIt સાથે તેમની મજાક ઉડાવતી અનેક વાતો લખી રહ્યાં છે, વિવિધ ઐતિહાસિક ઘટનાઓ સાથે અરનબનું નામ જોડવામાં આવી રહ્યું છે. આવા જ કેટલાક રમૂજી ટ્વીટ સાથે આ આખો મામલો શું છે, વાંચો અહીં...

ત્રિશૂળધારીઓને શોધી રહ્યા છે અરનબ?
રાજદીપ સરદેસાઇ દ્વારા વીડિયોની જે લિંક મુકવામાં આવી હતી, તેમાં અરનબ ગોસ્વામી ખૂબ વિશ્વાસ સાથે 2002ના ગુજરાત રમખાણોનો એક કિસ્સો સંભળતાવતાં જોવા મળે છે, જ્યારે તેમની કાર પર ત્રિશૂળધારીઓ દ્વારા હુમલો થયો હતો.

રાજદીપે કર્યો ખુલાસો
રાજદીપ સરદેસાઇએ અરનબ ગોસ્વામીના એ યૂટ્યૂબ વીડિયોની લિંક પોસ્ટ કરતાં 2 ટ્વીટ કર્યા હતા. એક ટ્વીટમાં તેણે લખ્યું હતું કે, 'મારા મિત્ર અરનબ ગોસ્વામીનું કહેવું છે કે, ગુજરાતના 2002ના રમખાણો દરમિયાન અમદાવાદમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાનની નજીક તેમની ગાડી પર હુમલો થયો હતો. સત્ય: તેઓ અમદાવાદ રમખાણો કવર નહોતા કરી રહ્યાં.'

ફેંકુગીરીની પણ હદ્દ હોય
બીજા ટ્વીટમાં તેણે લખ્યું છે, 'ફેંકુગીરીની પણ હદ્દ હોય છે. આ જોયા પછી મને મારા પ્રોફેશન માટે દુઃખ થાય છે.' કદાચ અરનબને હાલ તેમની ફેંકુગીરીની જ સજા મળી રહી છે. આ ખુલાસા બાદ અરનબ ગોસ્વામી તો ચૂપ છે, પરંતુ લોકો તેમને એટલી સરળતાથી જવા દે એમ નથી.

હુમલાની ઘટના બની હતી, પરંતુ...
ટ્વીટર પર એ ખુલાસો પણ કરવામાં આવ્યો હતો કે, ગુજરાત રમખાણો દરમિયાન પત્રકારોની એક ગાડી પર હુમલો થયો હતો, પરંતુ એ ઘટના રાજદીપ સરદેસાઇ અને તેમના સાથી પત્રકારો સાથે બની હતી, અરનબ સાથે નહીં. આથી જ હવે વિવિધ ઘટનાઓ અને કામો, જ્યાં અરનબ હાજર હોવાની શક્યતા જ નથી, તેની સાથે પણ અરનબનું નામ જોડાઇ રહ્યું છે.

યૂટ્યુબ પરથી વીડિયો ગાયબ
અરનબ ગોસ્વામી ખોટું બોલ્યા હોવાની વાત જાહેર થઇ જતાં યૂટ્યુબ પરથી એ વીડિયો ખસેડી લેવામાં આવ્યો છે. પરંતુ એનો શું ફાયદો? વાત તો જાહેર થઇ ચૂકી છે. આટલું ઓછું હોય તેમ કેટલીક ઐતિહાસિક ઘટનાઓ સાથે પણ અરનબનું નામ જોડવામાં આવી રહ્યું છે. હવે આમ લોકો સામે હાંસીપાત્રી બન્યા બાદ, અરનબ આ અંગે કંઇ ટિપ્પણી કરે છે કે કેમ, એ જોવું રહ્યું.