મથુરાની શાહી મસ્જિદમાં કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવાની જાહેરાત થતા ધારા 144 લાગુ કરાઈ!
મથુરા, 28 નવેમ્બર : છેલ્લા 24 કલાકમાં ભગવાન કૃષ્ણની નગરીમાં વાતાવરણ ગરમ બન્યું છે. હકીકતમાં એક દક્ષિણપંથી સંગઠને મથુરાની શાહી મસ્જિદમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. માહિતી અનુસાર તે સંસ્થા 6 ડિસેમ્બરે શાહી મસ્જિદમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરશે. તમને જણાવી દઈએ કે 6 ડિસેમ્બર એ જ તારીખ છે જે દિવસે અયોધ્યામાં વિવાદિત ઢાંચાને તોડી પાડવામાં આવ્યો હતો. આ જાહેરાત બાદ શાહી મસ્જિદની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. આ સાથે જ પ્રશાસને સમગ્ર મથુરા જિલ્લામાં કલમ 144 લાગુ કરી દીધી છે.
સુરક્ષા વ્યવસ્થાને લઈને મથુરાના SSP ગૌરવ ગ્રોવરે કહ્યું કે અમે પહેલાથી જ જિલ્લામાં કલમ 144 લાગુ કરી દીધી છે. જે લોકો અફવા ફેલાવે છે અથવા શહેરના શાંતિપૂર્ણ વાતાવરણને ખલેલ પહોંચાડે છે તેમને બક્ષવામાં આવશે નહીં, અમે તેમની સામે કડક કાર્યવાહી માટે તૈયાર છીએ. અમને માહિતી મળી છે કે કેટલાક સંગઠનો 6 ડિસેમ્બરે એક કાર્યક્રમ અથવા પગપાળા માર્ચ દ્વારા શાહી મસ્જિદ તરફ આગળ વધશે.
એસએસપી ગૌરવ ગ્રોવરે જણાવ્યું છે કે, જ્યારથી એક સંસ્થા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે, અમે લોકોને પણ અપીલ કરી રહ્યા છીએ કે આવા કોઈ પણ કાર્યક્રમમાં ભાગ ન લે, જે સાંપ્રદાયિક વાતાવરણ અથવા કાયદાને બગાડે. બીજી તરફ લઘુમતી સમુદાયના લોકો સાથે પણ વાત કરવામાં આવી રહી છે, જેથી તેઓને વિશ્વાસ છે કે વહીવટીતંત્ર વાતાવરણને બગાડવા નહીં દે. સીઓ અભિષેક તિવારી, જેમણે લઘુમતી સમુદાયના નેતાઓ સાથે વાતચીત કરી, તેમને ખાતરી આપી કે વહીવટીતંત્રે સુરક્ષાના પગલાં લીધાં છે અને કોઈને પણ વાતાવરણને ખલેલ પહોંચાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
તમને જણાવી દઈએ કે મથુરામાં કૃષ્ણ જન્મભૂમિની સાથે એક શાહી મસ્જિદ પણ છે. એક સંસ્થા દ્વારા આ મસ્જિદમાં મૂર્તિ સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ શાહી મસ્જિદ કૃષ્ણ જન્મભૂમિની બાજુમાં છે અને હિંદુ પક્ષે જે જમીન પર મસ્જિદ બાંધવામાં આવી છે તેના પર દાવો કર્યો છે. આ મસ્જિદ 17મી સદીમાં બનાવવામાં આવી હતી. એક સ્થાનિક કોર્ટ આ મસ્જિદને હટાવવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી રહી છે.
તમને જણાવી દઈએ કે મથુરામાં ભગવાન કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવાની જાહેરાત અખિલ ભારતીય હિંદુ મહાસભા દ્વારા કરવામાં આવી છે. સંસ્થાએ જણાવ્યું છે કે 6 ડિસેમ્બરે શાહી મસ્જિદ ઇદગાહમાં ભગવાન કૃષ્ણની પૂજા-અર્ચના કરવામાં આવશે. જો કે વહીવટીતંત્રે આવા કોઈ કાર્યક્રમને મંજૂરી આપી નથી અને કહ્યું છે કે આવું કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.