વેંકૈયા નાયડૂના અરુણાચલ પ્રવાસ પર ચીને વાંધો ઉઠાવ્યો, ભારતે હદમાં રહેવા કહી દીધું
ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂના હાલના અરુણાચલ પ્રદેશના પ્રવાસ પર ચીનના વાંધાને ભારતે બુધવારે નકારતા કહ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનો 'અતૂટ અને અભિન્ન' ભાગ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ભારતીય નેતાઓ દ્વારા ભારતના કોઈ રાજ્યની યાત્રા પર વાંધો ઉઠાવવાનું કોઈ કારણ નથી બનતું. બાગચીએ કહ્યું કે, "અમે ચીનના સત્તાવાર પ્રવક્તાની ટિપ્પણી આજે જોઈ છે. આવા નિવેદનોને અમે ફગાવીએ છીએ. અરૂણાચલ પ્રદેશ ભારતનો અતૂટ અને અભિન્ન ભાગ છે."
ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને બેઈજિંગમાં એક મીડિયા બ્રીફિંગમાં ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂના હાલના અરુણાચલ પ્રદેશના પ્રવાસ પર પૂછાયેલા એક સવાલ પર કહ્યું કે ચીને ક્યારેય રાજ્યને માન્યતા નથી આપી. તેમણે કહ્યું કે, "સીમા મુદ્દા પર ચીનની સ્થિતિ અડગ અને સ્પષ્ટ છે. ચીન સરકારે ક્યારેય પણ ભારતીય પક્ષ દ્વારા એકતરફો અને ખોટી રીતે સ્થાપિત તથાકથિત અરુણાચલ પ્રદેશને માન્યતા નથી આપી અને તે સંબંધિત ક્ષેત્રનો ભારતીય નેતાઓના પ્રવાસનો આકરો વિરોધ કરે છે."
લિજાને કહ્યું કે, "અમે ભારતીય પક્ષને વિનંતી કરીએ છીએ કે તે ચીનની મુખ્ય ચિંતાઓનો નિષ્ઠાપૂર્વક આદર કરે અને સરહદી મુદ્દાને વધુ જટિલ અને વિસ્તૃત કરે અને પરસ્પર વિશ્વાસ અને દ્વિપક્ષીય સંબંધોને નુકસાન પહોંચાડે તેવી કોઈ પણ કાર્યવાહી ટાળે." તેમણે કહ્યું કે, "આના સિવાય તેમણે ચીન-ભારત સીમા ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા બનાવી રાખવા માટે વાસ્તવિક ઠોસ કાર્યવાહી કરવી જોઈએ તથા દ્વિપક્ષીય સંબંધોને પાટા પર પાછા લાવવામાં મદદ કરવી જોઈએ."
ચીન ભારતીય નેતાઓના અરુણાચલ પ્રદેશ પ્રવાસ પર વાંધો ઉઠાવે છે. ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો ભાગ ગણાવે છે. બંને પક્ષો તરફથી આ ટિપ્પણી પૂર્વી લદ્દાખમાં 17 મહિનાથી ભારત અને ચીન વચ્ચે ચાલી ગતિરોધને દૂર કરવા માટે યોજાયેલ 13મા તબક્કાની સૈન્ય વાર્તાના ત્રીજા દિવસ બાદ આવી છે.
બાગચીએ કહ્યું, "જેમ કે અમે અગાઉ કહ્યું કે ભારત ચીન સીમા પર પશ્ચિમી સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર વર્તમાન સ્થિતિ ચીન દ્વારા દ્વિપક્ષીય સમજૂતીનું ઉલ્લંઘન કરતાં એકતરફી રીતે યથાસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરવાના કારણે ઉત્પન્ન થઈ છે."
ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે વર્ષોથી ચાલી રહેલ અરુણાચલ પ્રદેશ બોર્ડર વિવાદ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યો. અરુણાચલ પ્રદેશ તિબેટમાં આવતું હોવાનો ચીન સતત નાપાક દાવાઓ કરતું રહ્યું છે. આ મુદ્દે બંને સેના વચ્ચે અવાર-નવાર ઘર્ષણ પણ થતું રહે છે.