પુલવામા હુમલા પર વિવાદિત નિવેદન બાદ સિદ્ધુએ ભાજપને યાદ અપાવી ‘મસૂદની મુક્તિ'
કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનોના શહીદ થયા બાદ પોતાના નિવેદન માટે પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ ખરાબ રીતે ઘેરાઈ ગયા છે. પાકિસ્તાનની વિરુદ્ધમાં ન બોલવા માટે તેમની દેશભક્તિ પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. સિદ્ધુના નિવેદન અંગે ભાજપ તરફથી પણ સતત હુમલા થઈ રહ્યા છે. અહીં સુધી કે ભાજપ નેતા તજિંદર પાલ બગ્ગાએ ટ્વીટ કર્યુ છે. તેમણે લખ્યુ, 'સિદ્ધુજી તમારા માટે પાયલ મોકલી છે ભેટમાં, પહેરીને પોતાના યાર દિલદાર ઈમરાન ખાનની ધૂન પર નાચો.' બગ્ગાએ સિદ્ધુના ચંદીગઢના સરનામે પાયલ મોકલી છે. એવામાં સિદ્ધુએ વળતો જવાબ આપીને ભાજપ પર હુમલો કર્યો છે.

સિદ્ધુએ યાદ અપાવી મસૂગ અઝહરની મુક્તિ
સતત હુમલાઓના શિકાર થઈ રહેલ સિદ્ધુએ ભાજપ પર નિશાન સાધીને 20 વર્ષ પહેલાની મસૂદ અઝહરની મુક્તિની યાદ અપાવી. તેમણે કહ્યુ કે, ‘જે લોકો મને દેશદ્રોહી ગણાવી રહ્યા છે એ લોકો બતાવે કે મસૂદ અઝહરને પાકિસ્તાનને કોણે સોંપ્યો હતો? આટલા વર્ષોથી ભાજપ મસૂદને પાછો પકડવા માટે શું કરી રહી છે. તેમણે કહ્યુ કે મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યુ હતુ. રાષ્ટ્રીયતા સૌથી મોટો ધર્મ છે અને હું મારા દેશ સાથે ઉભો છુ. હું મારા દેશની ભાવનાઓને સમજુ છુ. ભારતનો અવાજ મારો અવાજ છે અને હું મારા પક્ષના સ્ટેન્ડ સાથે પણ મજબૂતીથી ઉભો છુ.'

‘હિંમત હોય તો આરોપીને બધાની સામે લટકાવો'
સિદ્ધુએ આગળ કહ્યુ કે મુઠ્ઠીભર ઘટિયા લોકોના કારણે માસૂમ લોકો, મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને સજા ન મળવી જોઈએ. આ સિખ ગુરુઓની સિખ અને માનવતાના કાયદાની વિરુદ્ધ છે. આ સાથે હું હુમલાખોરોને કડક સજાની માંગ કરુ છુ. સિદ્ધુએ આગળ સરકાર પર હુમલો કરતા કહ્યુ કે જો તમારા હિંમત હોય તો આરોપીને પાછો પકડીને લાવો અને તેને જાહેરમાં લટકાવો. ભારતની શાંતિ અને વિકાસ મુઠ્ઠીભર આતંકીઓના કારણે ખરાબ ન થવી જોઈએ.

આ રીતે થઈ હતી મસૂદ અઝહરની મુક્તિ
સિદ્ધુ મસૂદ અઝહરની જે મુક્તિની વાત કરી રહ્યા છે તે મામલો 24 ડિસેમ્બર 1999નો છે જ્યારે ભારતીય એરલાઈનને આતંકીઓએ હાઈજેક કરી લીધી હતી. ભારતીય જેલોમાં બંધ કટ્ટરપંથીઓની મુક્તિની માંગ મનાવવા માટે કરવામાં આવેલ આ હાઈજેક 8 દિવસો સુધી ચાલ્યુ હતુ. આ દરમિયાન 180 મુસાફરોને છોડાવવા માટે ભારત સરકારને આતંકી પ્રમુખ મસૂદ અઝહરને છોડવો પડ્યો હતો. તે સમયે લાલ કૃષ્ણ અડવાણી ગૃહમંત્રી હતા. જો કે આ દરમિયાન અપહરણકર્તાઓએ એક 25 વર્ષના મુસાફરને ચાકૂઓથી મારી દીધો હતો. આ વિમાનમાં વિદેશી મુસાફરો ઉપરાંત મોટાભાગના મુસાફરો ભારતીય હતા.

સિદ્ધુના કયા નિવેદન પર મચી હતી બબાલ
પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા હુમલા અંગે દેશભરમાં ગુસ્સાનો માહોલ છે. વળી, ઘણી મોટી હસ્તીઓ પણ આ મામલે નિવેદન આપી રહી છે. આ કડીમાં નવજોત સિંહ સિદ્ધુએ કહ્યુ હતુ કે ‘શું અમુક લોકોની કરતૂત માટે સમગ્ર દેશને જવાબદાર ગણી શકાય છે. આતંકવાદીઓનો કોઈ દેશ નથી હોતો, કોઈ ધર્મ નથી હોતો અને કોઈ જાત નથી હોતી.' તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારંભમાં જવા બદલ સિદ્ધુ પહેલેથી જ નિશાના પર આવતા રહ્યા છે.
આ પણ વાંચોઃ પુલવામા હુમલોઃ પાકિસ્તાની કલાકારો સાથે કામ ન કરો, બોલિવુડને 'મનસે'ની ચેતવણી