આસારામના અનુયાયી લડશે દિલ્હી વિધાનસભા ચૂંટણી
જોધપુર, 6 નવેમ્બર: બળાત્કાર અને યૌન ઉત્પીડનના મુદ્દે જેલમાં બંધ આસારામ બાપૂના અનુયાયીઓએ દિલ્હી વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આસારામના પુત્ર નારાયણ સાંઇ દ્વારા શરૂ કરવામાં આવેલી ઓજસ્વી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ઓમજીએ સંવાદદાતાઓને જણાવ્યું હતું કે તેમની પાર્ટી આગામી દિલ્હી વિધાનસભામાં ચૂંટણી લડશે. નારાયણ સાંઇ પણ બળાત્કારના આરોપમાં જેલના સળીયા પાછળ છે.
પાર્ટીએ રાષ્ટ્રીય રાજકીય સલાહકાર મુકેશ જૈને જણાવ્યું હતું કે જેલમાં આસારામની સાથે થયેલી સંક્ષિપ્ત બેઠક દરમિયાન વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય કરવામાં આવ્યો. મુકેશ જૈને કહ્યું 'અમે મંગળવારે જેલમાં બાપૂ સાથે મુલાકાત કરી અને તેમના દ્વારા સંકેત મળ્યા બાદ જ અમે ચૂંટણી દરમિયાન મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો. 'પોતાના આશ્રમમાં એક કિશોર પર યૌન હુમલો કરવાના આરોપમાં ગત વર્ષે ધરપકડ કરવામાં આવેલા આસારામ ત્યારથી સેંટ્રલ જેલમાં બંધ છે.
ઓમજીએ કહ્યું 'દિલ્હીમાં અમારી પાર્ટી બધી 70 સીટો પર ઉમેદવાર ઉતારશે. જો અમે બહુમત મેળવી ન શક્યા તો પણ અમે સંખ્યાની દ્રષ્ટિએ એવી મહત્વપૂર્ણ સ્થિતીમાં હોઇશું કે અમારા સમર્થન વગર દિલ્હીમાં કોઇ સરકાર સંભવ સંભવ નહી હોય.' મુકેશ જૈને આસારામની ધરપકડ રાજકીય કાવતરાનો ભાગ ગણાવ્યો હતો.
પાર્ટી ઝારખંડ તથા જમ્મૂ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં પણ ઉતરી શકે છે. પાર્ટીના બંને પદાધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના આંતરાષ્ટ્રીય કાવતરા હેઠળ આસારામને ફસાવવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકીય પક્ષો સાથે આસારામને કોઇ સમર્થન મળી રહ્યું નથી. તેમને રાજસ્થાનમાં વસુંધરા સરકાર અને કેન્દ્રમાં મોદી સરકારના આવવાથી ખુશી હતી પરંતુ અહીંયાથી પણ તેમને નિરાશા હાથ લાગી. હતાશ આસારામે હવે પોતે રાજકીય મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે.