કોમી હુલ્લડ પાછળ BJP-RSSના લોકો, ઈટલીના નહિઃ અશોક ગહેલોત
નવી દિલ્લીઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે છેલ્લા અમુક દિવસોમાં અલગ-અલગ રાજ્યોમાં થયેલી હિંસાની ઘટનાઓ અને કોમી હુલ્લડ માટે ભારતીય જનતા પાર્ટીને જવાબદાર ગણાવી છે. ગહેલોતે ભાજપ પર નિશાન સાધીને કહ્યુ કે આ લોકો અમને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. બધાને ખબર છે કે હુલ્લડથી ભાજપને જ ફાયદો થાય છે, કોંગ્રેસ આખરે કેમ હુલ્લડ કરાવશે, એને તો કોઈ ફાયદો થતો નથી. લોકોએ સમજવુ જોઈએ ક જ્યાં પણ કોમી રમખાણો થાય છે તેની પાછળ આ લોકોનો હાથ હોય છે.
ગહેલોતે કહ્યુ કે જેટલા પણ આરોપી પકડાઈ રહ્યા છે તે બસ ભાજપ અને આરએસએસ સાથે જોડાયેલા લોકો છે, એ ઈટલીના લોકો નથી. જ્યાં-જ્યાં રમખાણો થશે, તેનાથી એક વાત સમજી લો, હુલ્લડથી ફાયદો કોને થાય છે, હુલ્લડથી ફાયદો જે પાર્ટીને થાય છે, સમજી લો એ જ રમખાણો કરાવી રહ્યા છે, કોંગ્રેસને બદનામ કરી રહ્યા છે, કોંગ્રેસ રમખાણો ના કરાવી શકે. કોંગ્રેસને આનાથી શું ફાયદો, બધાને ખબર છે. આમનો એજન્ડા હિંદુત્વનો છે, ચૂંટણીનુ ધ્રુવીકરણ કરી રહ્યા છે.
ઉત્તર પ્રદેશ વિશે દુનિયા શું વિચારશે, દુનિયામાં ચર્ચા થશે કે ભારતમાં એક એવું રાજ્ય છે, ઉત્તર પ્રદેશ જ્યાં 403 બેઠકોમાંથી એક પણ બેઠક પર મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી નથી. કોણ નથી આપી રહ્યુ, ભારતીય જનતા પાર્ટી, શાસક પક્ષ, દુનિયાની નજરમાં શું સંદેશ જઈ રહ્યો છે. ધ્રુવીકરણ કરીને તમે વોટ લેવાની વાત કરો છો, હિંદુઓ પણ તમને વોટ આપી રહ્યા છે, પણ ક્યાં સુધી તમને વોટ આપશે. મોંઘવારીની અસર એટલી ગંભીર થઈ રહી છે તેની કોઈ કલ્પના પણ કરી શકતુ નથી. લોકોને નોકરી નથી મળી રહી, મોદીજીની 2 કરોડ નોકરીઓ ક્યાં ગઈ. બેરોજગારી ભયંકર છે અને તંગદિલી અને અશાંતિનું વાતાવરણ છે, બંધારણની ધજિયા ઉડાડવામાં આવી રહી છે.