દેશમાં કોરોના ફુલ રફ્તારમાં, 24 કલાકમાં 271202 કેસ અને 314 લોકોના મોત!
નવી દિલ્હી, 16 જાન્યુઆરી : કોરોનાના વધતા કેસોએ ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2,71,202 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં 2,369 વધુ કેસ છે, જ્યારે 314 લોકોના મોત થયા છે. જો કે 138331 લોકો કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે.
હાલ દેશમાં 15,50,377 સક્રિય કેસ છે, જ્યારે દેશનો સકારાત્મકતા દર વધીને 16.28% થઈ ગયો છે. બીજી તરફ દેશમાં ઓમિક્રોનના 7,743 કેસ નોંધાયા છે, ત્યારે રસીકરણની કુલ સંખ્યા 1,56,76,15,454 પર પહોંચ્યુ છે. દેશમાં કુલ રિકવરી 3,50,85,721 થઈ ગઈ છે, જ્યારે કોવિડના કારણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,86,066 લોકોના મોત થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કહ્યું છે કે ગઈકાલ સુધીમાં ભારતમાં કોરોના વાયરસ માટે 16,65,404 સેમ્પલ ટેસ્ટ માટે લેવામાં આવ્યા છે. જો રાજ્યોની વાત કરીએ તો મિઝોરમમાં કોરોના વાયરસના 875 નવા કેસ નોંધાયા છે અને ત્યાં કોરોનાને કારણે 2 લોકોના મોત થયા છે. જ્યારે ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં 3,258 નવા કોવિડ કેસ નોંધાયા છે, 3,351 રિકવરી અને 7 મૃત્યુ પણ નોંધાયા છે. રાજ્યમાં સક્રિય કેસ 33,089 છે.
WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે ઓમિક્રોન ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે પરંતુ તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી, જો કે ખૂબ જ સાવચેતી અને સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે સાવધાની એ નિવારણ છે. જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક પહેરો. દરેકના મનમાં આ વાત સ્પષ્ટપણે હોવી જોઈએ કે કોરોના વાયરસનો અંત આવ્યો નથી અને દરેકે સતર્ક રહેવાની જરૂર છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે ઓમિક્રોન વિશે ચિંતા કરવાની નહીં, સાવચેત રહેવાની જરૂર છે.
આજે 16 જાન્યુઆરી 2022 ના રોજ ભારતમાં કોરોના વાયરસ રસીકરણ અભિયાનને એક વર્ષ પૂર્ણ થયું છે. ભારતે આ દિવસે 16 જાન્યુઆરી 2021ના રોજ કોવિડ-19 સામે તેનું રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું.