For Daily Alerts
ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો વધીને 6.1 ટકા થયો
નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર : દેશનો જથ્થાબંધ ફૂગાવો, જેનું મૂલ્યાંકન હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ દ્વારા કરવામાં આવે છે તે વીતી ગયેલા ઓગસ્ટ મહિનામાં 6.1 ટકા નોંધાયો છે જે આગલા, જુલાઈ મહિનામાં 5.79 ટકા હતો. આનો અર્થ એ કે દેશમાં મોંઘવારી ચિંતાની બાબત તરીકે હજી ચાલુ જ રહી છે.
જૂનમાં ફૂગાવાનો આંક 5.16 ટકા હતો. ઓગસ્ટમાં ખાદ્ય ફૂગાવાનો આંક 18.18 ટકા નોંધાયો છે જે જુલાઈમાં 11.91 ટકા હતો. પ્રાથમિક ચીજવસ્તુઓનો મોંઘવારી દર 8.99 ટકાથી વધીને 11.72 ટકા થયો છે. ફ્યૂલ એન્ડ પાવર ગ્રુપનો ઈન્ફ્લેશન દર 11.31 ટકાથી નજીવો વધ્યો છે. મેન્યૂફેક્ચર્ડ પ્રોડક્ટ્સનો મોંઘવારી દર 2.81 ટકાથી ઘટીને 1.9 ટકા રહ્યો છે.
વડા પ્રધાનની આર્થિક સલાહકાર સમિતિના ચેરમેન સી. રંગરાજનનું કહેવું છે કે ખાદ્ય મોંઘવારી દર વધવાથી મોંઘવારી દર વધ્યો છે. જોકે આ વખતે ચોમાસું સારું રહ્યું હોવાથી આવનારા મહિનાઓમાં ખાદ્ય મોંઘવારી દર ઘટવાની આશા છે. રંગરાજનનું માનવું છે કે નાણાકીય વર્ષ 2013-14ના અંત સુધીમાં મોંઘવારી દર 5.5 ટકા સુધીના સ્તરે ઘટી જવાની ધારણા છે.