
આઝમ ખાનને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી જામીન મળ્યા!
લખનૌ, 10 મે : ઉત્તર પ્રદેશના રામપુરથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય આઝમ ખાનને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. હાઈકોર્ટે આઝમ ખાનની જામીન અરજી પર લાંબા સમયથી પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. મંગળવારે અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી આઝમ ખાનને જામીન આપી દીધા છે. આઝમ ખાન લગભગ બે વર્ષથી યુપીની સીતાપુર જેલમાં બંધ છે.
ઉત્તર પ્રદેશના સૌથી વરિષ્ઠ રાજકારણીઓમાંના એક આઝમ ખાન ફેબ્રુઆરી 2020 થી જેલમાં છે. આઝમ ખાન વિરુદ્ધ 87 કેસ છે. આમાંથી 86 કેસમાં તેને અલગ-અલગ કોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે. એક કેસમાં હાઈકોર્ટે ઘણા મહિનાઓ સુધી નિર્ણય આપ્યો ન હતો. સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ આઝમ ખાનને હવે આ કેસમાં જામીન મળી ગયા છે.
આઝમ ખાનને જામીન હોવા છતાં તેને જેલમાંથી બહાર આવવામાં સમય લાગી શકે છે. તેનું કારણ ત્રણ દિવસ પહેલા તેની સામે નોંધાયેલ નવો કેસ છે. ત્રણ દિવસ પહેલા આઝમ ખાન વિરુદ્ધ રામપુરમાં નકલી દસ્તાવેજોની મદદથી શાળાઓની માન્યતા મેળવવાનો કેસ નોંધવામાં આવ્યો હતો.