બાર કાઉન્સિલે CJI ને મળવાનો સમય માંગ્યો
સુપ્રીમ કોર્ટના ચાર જજોની પત્રકાર પરિષદ બાદ જજો વચ્ચેનો આ વિવાદ પૂર્ણ કરવાના તમામ પ્રયત્નો થઇ રહ્યાં છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાને મળવાનો સમય માંગ્યો છે. આ વિવાદ ઉકેલવા માટે બાર કાઉન્સિલનું પ્રતિનિધિ મંડળ રવિવારે સવારે જસ્ટિસ ચેલમેશ્વરના ઘરે પહોંચ્યા હતા, જેમાં ચેરમેન મનનો પણ સમાવેશ થાય છે. જસ્ટિસ નાગેશ્વર તથા જસ્ટિસ એસ.એ.બોબડે પણ તેમની સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શુક્રવારની પત્રકાર પરિષદ બાદ પણ જસ્ટિસ બોબડેએ જસ્ટિસ ચેલમેશ્વર સાથે મુલાકાત કરી હતી.
આ મુલાકાત બાદ બાર કાઉન્સિલના એક સભ્યએ જણાવ્યું કે, તેઓ અન્ય ત્રણ જજો અને ચીફ જસ્ટિસને મળ્યા બાદ જ આ મામલે કોઇ પણ પ્રકારનું નિવેદન આપશે. તેઓ સુપ્રીમ કોર્ટના જજ અરુણ મિશ્રા સાથે પણ મુલાકાત કરનાર છે. ત્યાર બાદ સાંજે 6 વાગે બાર કાઉન્સિલનું પ્રતિનિધિ મંડળ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ કૂરિયન જોસેફ સાથે મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે જસ્ટિસ ચેલમેશ્વર, જસ્ટિસ ગોગોઈ, જસ્ટિસ કુરિયન જોસેફ અને જસ્ટિસ મદન બી. લોકુરે પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું, જેમાં તેમણે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની કાર્યશૈલી પર પ્રશ્નો કર્યા હતા.