બેંગલુરુ હિંસામાં 60 પોલિસકર્મી ઘાયલ, પોલિસના ગોળીબારમાં 2ના મોત, કર્ફ્યુ
સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટના કારણે બેંગલુરુમાં ગઈ રાતે હિંસા ભડકી ગઈ. બેંગલુરુના ડીજે હલ્લી, કેજી હલ્લી પોલિસ સ્ટેશનમાં લોકોએ જોરદાર તોડફોડ અને આગચંપી કરી. આ હિંસા દરમિયાન લગભગ 60 પોલિસકર્મી ઘાયલ થયા છે. ઘાયલ થનારા લોકોમાં એડિશનલ કમિશ્નર ઑફ પોલિસ પણ ઘાયલ થયા છે. પોલિસ કમિશ્નર કમલકાંતે જણાવ્યુ કે હિંસામાં બે લોકો પોલિસ ફાયરીંગમાં માર્યા ગયા છે, એક વ્યક્તિ ઘાયલ થયો છે જેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે જ્યાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે. હિંસાના કારણે બેંગલુરુમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે જ્યારે ડીજે હલ્લી અને કેજી હલ્લી પોલિસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. વળી, સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ કરવાના આરોપમાં આરોપી નવીનની ધરપકડ કરી લેવામાં આવી છે. બેંગલુરુના જોઈન્ટ કમિશ્નર સંદીપ પાટિલે જણાવ્યુ કે હિંસામાં 300 લોકો ઘાયલ થયા છે. અમે 110 લોકોની ધરપકડ કરી છે.
તમને જણાવી દઈએ કે બેંગલુરુમાં કોંગ્રેસ ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિના આવાસ પર તોડફોડ કરવામાં આવી છે અમુક અજ્ઞાત ઉપદ્રવીઓએ તેમના ઘરે તોડફોડ કરી અને આગચંપી કરી. જણાવવામાં આવી રહ્યુ છે કે આ સમગ્ર વિવાદ શ્રીનિવાસ મૂર્તિના ભત્રીજાના કથિતરીતે કરેલ એક સોશિયલ મીડિયા પોસ્ટ માટે થઈ. ત્યારબાદ મોટી સંખ્યામાં આવેલા ઉપદ્રવીઓએ જોરદાર હોબાળો કર્યો. હાલમાં ધારાસભ્યના ઘરે વધુ બળ તૈનાત કરવામાં આવ્યુ છે. માહિતી મુજબ કોંગ્રેસ ધારાસભ્ય શ્રીનીવાસ મૂર્તિના ભત્રીજાની સોશિયલ મીડિયા પર નાખવામાં આવેલી પોસ્ટ બાદ લોકો ભડકી ગયા. તેમનુ કહેવુ હતુ કે આ પોસ્ટે તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. મંગળવારે મોડી રાતે અચાનક બેંગલુરુમાં કોંગ્રેસ ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિના ઘરે ભારે સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા. આ દરમિયાન જોરદાર નારેબાજી સાથે અમુક ઉપદ્રવીઓએ ધારાસભ્યના નિવાસ પર તોડફોડ કરી.
હોબાળો વધી જતા તરત જ પોલિસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને સ્થિતિને કાબુ કરવાની કોશિશ સકરી. કોંગ્રેસ ધારાસભ્યના નિવાસ પર થયેલા હોબાળા વિશે કર્ણાટકના ગૃહમંત્રી વસવરાજ બોમ્મઈએ કહ્યુ કે ઉપદ્રવીઓ પર કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યુ કે સમગ્ર મામલાની તપાસ થવી જોઈએ પરંતુ હોબાળો કોઈ પણ વાતનો ઉકેલ નથી. આ તરફ ધારાસભ્યના ભત્રીજાએ કોઈ પણ વિવાદિત પોસ્ટને કરી હોવાનો ઈનકાર કર્યો છે. તેનુ કહેવુ છે કે તેનુ ફેસબુક અકાઉન્ટ હેક કરવામાં આવ્યુ અને જે પણ વાંધાજનક વાતો લખવામાં આવી તેને એની સાથે કોઈ સંબંધ નથી. વિસ્તારમાં તણાવને જોતા ત્યાં પોલિસ બળ તૈનાત કરી દેવામાં આવ્યુ છે અને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. વળી, કોંગ્રેસ ધારાસભ્યએ જણાવ્યુ કે તેમણે પોલિસને વાંધાજનક પોસ્ટ નાખનાર પોતાના ભાણિયાની ધરપકડ કરવા કહ્યુ છે.
બેંગલુરુઃ ભડકાઉ પોસ્ટના કારણે કોંગ્રેસ MLAના ઘરે તોડફોડ, આગચંપી