પંજાબ: ડ્રગ્સ વિરૂદ્ધ ભગવંત માને કરી ઉચ્ચ સ્તરીય બેઠક, અધિકારીઓને આપ્યા કડક નિર્દેશ
એક સપ્તાહમાં બીજી વખત નશાની લતને ખતમ કરવા માટે આજે ચંદીગઢમાં સરકાર વતી ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેની અધ્યક્ષતા મુખ્યમંત્રી ભાગવત માન દ્વારા કરવામાં આવી હતી. આ બેઠકમાં પંજાબના તમામ જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા નાયબ કમિશનર, કમિશનર, ઈન્ચાર્જ વગેરે હાજર રહ્યા હતા.
આજે ડીસી અને એસએસપીની બેઠક બોલાવવામાં આવી હતી. તમામ SSPને સૂચના આપવામાં આવી છે કે ડ્રગ્સ વેચનારાઓને કોઈપણ કિંમતે બક્ષવામાં નહીં આવે. અમે ડ્રગ્સ સામે મોટી લડાઈ ચલાવી રહ્યા છીએ... જ્યાં સુધી ડ્રગ્સના વેપાર પર પૂર્ણવિરામ નહીં આવે ત્યાં સુધી રોકાઈશું નહીં. તેઓ ડ્રગ્સના વ્યસની યુવાનોના પુનર્વસન માટે પણ મોટા પાયે આયોજન કરી રહ્યા છે.
બે કલાક સુધી ચાલેલી બેઠકમાં ડ્રગ્સની દાણચોરીને રોકવા માટે ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠક બાદ મુખ્યમંત્રી ભગવંત માને પોલીસ અને પ્રશાસનના અધિકારીઓને ફરિયાદ મળતાં તાત્કાલિક પગલાં લેવા અને ડ્રગ્સના સપ્લાયના તળિયે જવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ વ્યસનીઓને સારવાર માટે વ્યસન મુક્તિ કેન્દ્રોમાં દાખલ કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે પંજાબમાં હાલમાં લગભગ 800 નશા મુક્તિ કેન્દ્રો છે. જેની સંખ્યા ટૂંક સમયમાં વધારીને 1000 કરવામાં આવશે. નશા કેન્દ્રોમાં મનોવૈજ્ઞાનિકો પાસેથી નશાખોરોનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે. આ ઉપરાંત જેઓ ડ્રગ્સ છોડી દે છે તેમને કામ આપવાનું પણ સરકારની પ્રાથમિકતા રહેશે. આ સાથે તેમના પર પણ નજર રાખવામાં આવશે. જેથી તેઓ ફરીથી ડ્રગ્સ તરફ ન જુએ.
તેમણે કહ્યું કે સરકારે એવા લોકોની મદદ લેવાનો પણ નિર્ણય કર્યો છે જેઓ નશાની લતમાંથી મુક્તિ મેળવવા માટે દલદલમાંથી બહાર આવી ચુક્યા છે. આ લોકો ડ્રગ્સના વ્યસની લોકોને તેમના અનુભવો શેર કરીને જીવનનું મહત્વ જણાવશે. સીએમએ કહ્યું કે જો કોઈ વિસ્તારમાં નશો વેચાતો જોવા મળશે તો તેની જવાબદારી પોલીસ સ્ટેશન અને પોલીસ અધિક્ષકની રહેશે.