• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભરૂચ: એ ત્રણ કારણો જેને લીધે પત્નીની ઘાતકી હત્યા કરનાર પતિ ઝડપાયો

By BBC News ગુજરાતી
|
Google Oneindia Gujarati News

પ્રેમલગ્ન કરેલાં હોય, પત્ની હૉસ્પિટલમાં બીમાર હોય, પતિ એની સારવાર માટે ખડેપગે રહેતો હોય અને તેમ છતાં પત્ની મૃત્યુ પામે. આટલે સુધી તો વાત સામાન્ય ગણાય પણ હૉસ્પિટલના બિછાને દમ તોડી દેનાર પત્નીની હત્યામાં પતિની મહિના પછી ધરપકડ થાય એ વાત માનવી મુશ્કેલ લાગી શકે.

ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં કંઈક આવું જ બન્યું.

અવારનવાર ઝઘડાથી કંટાળીને પતિ, જેની સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં તે પત્નીની હત્યાનો અનેક દિવસોથી કારસો ઘડી રહ્યો હતો.

પત્ની બીમાર પડતાં જ તેણે મોકો ઝડપી લીધો અને કોઈને જાણ પણ ન થાય એ રીતે સારવાર દરમિયાન હત્યા કરી પણ આખરે ભાંડો ફૂટ્યો.

આ ઘટનામાં 32 વર્ષીય પતિ જિજ્ઞેશ પટેલે એમનાં પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે અને પોલીસે જિજ્ઞેશ પટેલની ધરપકડ કરી છે.


શું છે સમગ્ર મામલો?

અંકલેશ્વરના મોતાલી ગામમાં રહેતાં ઊર્મિલાબહેનને છાતીમાં દુખાવો ઊપડતાં તારીખ આઠ જુલાઈના રોજ અંકલેશ્વરની ઑરૅન્જ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. સારવાર લીધા બાદ તેમની તબિયત સુધરી રહી હતી, પરંતુ રાત્રે 10 વાગ્યે તબિયત બગડવા લાગી અને થોડા સમય બાદ ઊર્મિલાબહેનનું મૃત્યુ થયું હતું.

ઊર્મિલાબહેન આકસ્મિક મૃત્યુ પામતાં ડૉક્ટરો નવાઈ પામ્યા અને તેમણે દર્દીના વિસેરાની ફૉરેન્સિક તપાસ કરવાનું નક્કી કર્યું.

ફૉરેન્સિક તપાસમાં ઊર્મિલાના શરીરમાં સાયનાઇડ હોવાનું બહાર આવ્યું જે બાદ પોલીસ હરકતમાં આવી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે ઊર્મિલાને તેમના પતિ જિજ્ઞશ પટેલે સાયનાઇડ આપ્યું હતું.

ઊર્મિલાની સારવાર કરતા ડૉક્ટરોએ દવાની સાથે-સાથે અમુક ઇન્જેક્શન પણ લખી આપ્યાં હતા. જિજ્ઞેશે સાયનાઇડ એક સિરીંઝમાં ભરી લીધું અને ઊર્મિલાને જે બૉટલ ચડાવવાની હતી, તેમાં ભેળવી દીધું હતું.

બીબીસી ગુજરાતીના સહયોગી સાજીદ શેખ સાથે વાત કરતા ભરૂચ પોલીસ (એસસી-એસટી સેલ)ના ડીવાયએસપી મધુભાઈ ભોજાણી જણાવ્યું કે "32 વર્ષીય જિજ્ઞેશ પટેલ અને 38 વર્ષીય ઊર્મિલા વસાવાએ સાત વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યાં હતાં અને બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા."

"દરરોજના ઝઘડાથી કંટાળીને જિજ્ઞેશે પત્નીને મારી નાખવાનું નક્કી કર્યું અને તે માટે આયોજન કરવા લાગ્યો."


કંપનીમાંથી સાયનાઇડની ગોળી લીધી

જિજ્ઞેશ અંકલેશ્વરસ્થિત યુનાઇટેડ ફૉસ્ફરસ લિમિટેડ (યુપીએલ)માં ઑપરેટર તરીકે નોકરી કરે છે.

હાલમાં તેઓ રૉ-મટીરિયલ વિભાગમાં કામ કરે છે. અગાઉ તેઓ કંપનીના સાયનાઇડ વિભાગમાં હતા.

પોલીસ અનુસાર, જિજ્ઞેશ લાંબા સમયથી પત્નીને મારી નાખવા માટેની યોજના બનાવી રહ્યો હતો. એ માટે તેણે કંપનીમાંથી સાઇનાઇડની એક ટૅબલેટ ચોરીને પોતાની પાસે રાખી લીધી હતી. હવે તે માત્ર યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હતો.

જ્યારે ઊર્મિલાને છાતીનો દુખાવો ઊપડ્યો ત્યારે જિજ્ઞેશને લાગ્યું કે આ જ સારો મોકો છે. જિજ્ઞેશ પોતાની પાસે રહેલી સાયનાઇડ ટૅબલેટનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો.

ડીવાયએસપી મધુભાઈ ભોજાણીએ જણાવ્યું, "બપોરના સમયમાં જ્યારે કોઈ વૉર્ડમાં નહોતું ત્યારે જિજ્ઞેશે પોતાની પાસે રાખેલી ગોળી પાણીમાં ભેળવીને પ્રવાહી બનાવ્યું. ઊર્મિલાને જે બૉટલ ચઢાવવાની હતી, તેમાં આ પ્રવાહી ભેળવી દીધું."

"ડૉક્ટરે જ્યારે આ બૉટલ ઊર્મિલાબહેનને ચઢાવી ત્યારે તેમને ખબર નહોતી કે તેમાં સાયનાઇડ છે.

"બૉટલ ચઢાવવાની થોડી મિનિટની અંદર તેમનું મૃત્યુ થયું હતું. તેમના લોહીના નમૂના અને વિસેરાની તપાસ કરતા એ શંકા મજબૂત થઈ કે તેમની હત્યા કરવામાં આવી છે."

પોલીસે ઊર્મિલા અને તેમના પતિ વચ્ચેના સંબંધ વિશે તપાસ કરી તો આ શંકા વધુ પ્રબળ બની અને જ્યારે જિજ્ઞેશની કંપની અંગે માહિતી મળી ત્યારે પોલીસને ખાતરી થઈ ગઈ કે આ હત્યા પાછળ તેનો હાથ છે.

પોલીસે જિજ્ઞેશની ધરપકડ કરી છે અને તેણે ગુનો કબૂલી લીધો છે.

ભરૂચ પોલીસ જિજ્ઞેશ વિરુદ્ધ આઈપીસીની કલમ 302 પ્રમાણે ગુનો નોંધી તપાસ કરી રહી છે.


જિજ્ઞેશ પર શંકા કઈ રીતે ગઈ?

ત્રણ કારણોસર પોલીને જિજ્ઞેશ પર શંકા ગઈ. પ્રથમ કે ઊર્મિલાબહેન હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતાં ત્યારે તેમની સાથે માત્ર જિજ્ઞેશ હતો.

બીજું કારણ કે ડૉક્ટરો જે દવાઓ લખી આપી હતી, તે જિજ્ઞેશ લઈ આવ્યો હતો અને ત્રીજું કારણ હતું જિજ્ઞેશ અને ઊર્મિલાબહેન વચ્ચે વારંવાર થતા ઝઘડા.

જિજ્ઞેશ યુપીએલમાં નોકરી કરે છે તે પણ આ કેસમાં મહત્ત્વની કડી પુરવાર થઈ.

ડીવાયએસપી ભોજાણી કહે છે, "એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ અમે કેસમાં જે પણ પુરાવા હતા તે ભેગા કર્યા અને શંકાના આધારે જિજ્ઞેશની ધરપકડ કરી."

"તપાસમાં જિજ્ઞેશે ગુનો કબૂલી લીધો અને એ પણ જણાવ્યું કે કઈ રીતે તે કંપનીમાં સાયનાઇડની ટૅબલેટ લઈ આવ્યો હતો."


બે બાળકો અનાથ બની ગયાં

https://www.youtube.com/watch?v=uinV4HYp9D4

જિજ્ઞેશના હાથે ઊર્મિલાબહેનની હત્યા થતાં દંપતીનાં બે બાળકો હવે અનાથ બની ગયાં છે.

માતાની છત્રછાયા ગુમાવી દેનાર બાળકો પાસે હવે પિતા પણ નહીં હોય. બંને બાળકો હાલ તેમના મામા અને નાની સાથે રહે છે.

મામા વિજયભાઈ વસાવા મુજબ બંને બાળકો મોટાં છે, પરંતુ તેઓ સતત માતાને યાદ કરી રહ્યાં છે. વિજયભાઈ અનુસાર, 'આ ઊર્મિલાનું બીજું લગ્ન હતું. તેમના પ્રથમ લગ્નથી છૂટાછેડા બાદ જિજ્ઞેશ સાથે લગ્ન કર્યાં હતાં.'

વિજયભાઈ કહે છે કે ઊર્મિલાનાં બંને બાળકો પુખ્ત વયનાં છે પરંતુ ઘટના બાદ તેઓ આઘાતમાં છે. હાલમાં વિજયભાઈ અને તેમનો પરિવાર બંને બાળકોની સાર-સંભાળ લઈ રહ્યો છે.

વિજયભાઈ કહે છે, "જ્યારે અમને જાણ થઈ કે બહેનની તબિયત બગડી ગઈ છે ત્યારે અમે તાત્કાલિક હૉસ્પિટલમાં ગયા. ડૉક્ટરો સાથેની વાતચીતમાં ખબર પડી કે ઊર્મિલાની તબિયત એકદમ સારી હતી અને અચાનક તેનું મૃત્યુ થયું છે. અમને શંકા જતા પોલીસને જાણ કરી અને છેવટે બહાર આવ્યું કે જિજ્ઞેશે હત્યા કરી છે."

વિજય અને પરિવારની એક જ માગ છે કે જિજ્ઞેશને ફાંસી આપવામાં આવે.પોલીસે જિજ્ઞેશને કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે તેમને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. હાલ તેઓ ભરૂચ જેલમાં બંધ છે.


સાયનાડ આટલું ઘાતક કેમ છે?

અમેરિકાની આરોગ્ય સંસ્થા સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન -સીડીસી પ્રમાણે સાયનાઇડ એક તીવ્ર ઝેરી રસાયણ છે, જે શરીરમાં ઑક્સિજનના પ્રવાહમાં બાધા ઉત્પન્ન કરે છે.

શરીરમાં ઑકિસજનના પ્રમાણમાં ઘટાડો થતા મસ્તિષ્ક, હૃદય અને ફેફસાંમાં ગંભીર અસર પહોંચે છે.

સાયનાઇડ કૅપ્સ્યૂલ, ટૅબલેટ અથવા પૅલેટના સ્વરૂપમાં મળે છે. મોઢા વડે, શ્વાસ દ્વારા, ચામડીના સ્પર્શથી અને આંખ દ્વારા આ ઝેર વ્યક્તિના શરીરમાં પ્રવેશી શકે છે.

ઝેર એટલી ઝડપથી અસર કરે છે કે વ્યક્તિનું બહુ ઓછા સમયમાં મૃત્યુ થઈ જાય છે. કેટલાક કિસ્સામાં સમયસર મળ્યા બાદ વ્યક્તિનો જીવ બચી પણ જાય છે.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=UmlFRRSZkhg

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Bharuch: The three reasons why the husband who brutally killed his wife was caught
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X