• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભૂપેન્દ્ર પટેલનો શપથવિધિ: ભૂપેન્દ્ર પટેલની પસંદગીમાં અમિત શાહ સામે આનંદીબહેને બાજી મારી?

By BBC News ગુજરાતી
|
Google Oneindia Gujarati News

સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના ઍરપૉર્ટ પર પહોંચ્યા ત્યારે તેમને આવકારવા માટે ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલ અને નવનિયુક્ત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા.

શાહ બીએસએફના વિશેષ પ્લૅનમાંથી નીચે ઊતર્યા કે હાથમાં બુકે લઈને પહોંચેલા પટેલ તેમની સામે લગભગ નમી ગયા હતા અને તેમના હાથ જોડાયેલા હતા.

શાહે જમણા હાથમાં બુકે લીધું અને ડાબા હાથથી પટેલની પીઠને થપથપાવી હતી.

ઍરપૉર્ટ પરનાં દૃશ્યો અમિત શાહની પસંદગીના એવા રૂપાણીને હઠાવીને આનંદીબહેન પટેલ જૂથની વ્યક્તિ મુખ્ય મંત્રી બનતાં ઊભી થયેલી આંતરિક જૂથબંધીની અટકળોને ડામવા માટે 'ફોટો-ઑપ' જેવાં જ હતાં.

ગુજરાતમાં ભાજપથી નારાજ પાટીદારોને પોતાની તરફ ખેંચવા માટે તથા સંગઠન અને સરકાર વચ્ચે સામંજસ્ય બેસાડવા માટે ભૂપેન્દ્ર પટેલને લાવવામાં આવ્યા છે.

જોકે, આમ કરવા જતાં અન્ય દિગ્ગજ પાટીદાર નેતા નીતિન પટેલ દેખીતી રીતે નારાજ થઈ ગયા છે.

ગુજરાતના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલ આગામી વિધાનસભા ચૂંટણીમાં તમામ 182 બેઠક ઉપર જીતવાની મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખે છે.

અત્રે એ યાદ રાખવું ઘટે કે વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠક મળી હતી.


સાત વર્ષ પહેલાં

ગુજરાતના રાજકારણના તાજેતરના ઘટનાક્રમને સમજવા માટે સાત વર્ષ પહેલાંની રાજકીય પરિસ્થિતિ ઉપર નજર કરવી પડે.

મે-2014માં ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર હતા.

ચૂંટણીપરિણામો બાદ તેઓ દિલ્હી ગયા ત્યારે તેમણે શાસનની ધૂરા પોતાનાં વિશ્વાસુ એવાં આનંદીબહેન પટેલને સોંપી હતી, જે તેમના મંત્રીમંડળમાં મંત્રી હતાં.

પાટીદાર સમુદાયનાં આનંદીબહેન રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્ય મંત્રી બન્યાં.

આ અરસામાં ઘટનાક્રમ ઝડપભેર બદલાયો અને 2015માં પાટીદાર અનામત આંદોલન થયું, જેને ડામવા માટે આનંદીબહેન પટેલ સરકારે કડક હાથે કામ લીધું અને પોલીસ કાર્યવાહીમાં 14 યુવકોનાં મૃત્યુ થયાં.

https://www.youtube.com/watch?v=obCpfFgBVsg

જોકે, પાટીદારોના એક વર્ગનું માનવું હતું કે આ કાર્યવાહી અમિત શાહના કહેવાથી કરવામાં આવી હતી, એટલે જ પાસ આંદોલનકારીઓના એક વર્ગ દ્વારા તેમને 'જનરલ ડાયર' (જલિયાંવાલાબાગ હત્યાકાંડ માટે જવાબદાર અંગ્રેજ અધિકારી) તરીકે સંબોધવામાં આવતા.

2015ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા તથા તાલુકા પંચાયતોમાં ભાજપને તેનું નુકસાન પણ વેઠવું પડ્યું.

2016માં જ્યારે પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી અને લાગવા માંડ્યું કે આનંદીબહેનના નેતૃત્વમાં ભાજપ 2017ની વિધાનસભા ચૂંટણી જીતી નહીં શકે, ત્યારે આનંદીબહેને પદ છોડવું પડ્યું.

ફેસબુક પર તેની જાહેરાત કરતાં તેમણે 'ઉંમર'નું કારણ આગળ ધર્યું.

વિધાનસભા ચૂંટણીને લગભગ 17 મહિનાનો સમય બાકી હતો, ત્યારે આનંદીબહેન પટેલે પોતાના મંત્રીમંડળના વરિષ્ઠ સભ્ય અને પાટીદાર સમુદાયના નીતિન પટેલને મુખ્ય મંત્રી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો.

નીતિન પટેલ પણ પોતાની પસંદગી અંગે એટલા આશ્વસ્ત હતા કે તેમણે 'આગામી મુખ્ય મંત્રી' તરીકે મીડિયામાં ઇન્ટરર્વ્યૂ પણ આપ્યા.

છેક છેલ્લી ઘડીએ બાજી પલટાઈ અને પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અમિત શાહ જૂથના વિજય રૂપાણી મુખ્ય મંત્રી બન્યા.


આજના દિવસે...

https://www.youtube.com/watch?v=9tk9uQZ_OL0

કોવિડ-19 સમયે સરકારની કામગીરી, મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દા રૂપાણી વિરુદ્ધ ગયા હતા.

વિશ્લેષકોનું માનવું છે કે આ સંપૂર્ણપણે ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલું પગલું છે. સરકાર અને સંગઠન વચ્ચે સામંજસ્ય અને સંવાદ વધે તે તેનો મુખ્ય હેતુ છે.

રાજકીય વિશ્લેષક દિલીપસિંહ ક્ષત્રિયના કહેવા પ્રમાણે, "જ્યારથી સીઆર પાટીલને ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, ત્યારથી તેમને આગામી વિધાનસભા ચૂંટણી જીતવા માટે છુટ્ટો દોર આપવામાં આવ્યો છે."

"તેમણે પદભાર સંભાળ્યો તે પછી ભીખુભાઈ દલસાણિયાને સંગઠન મહામંત્રીપદેથી હઠાવવામાં આવ્યા."

"સરકારમાં સંગઠનનાં કામો થવામાં તકલીફ પડી રહી હતી. વિજય રૂપાણીના નેતૃત્વમાં આગામી ચૂંટણી જીતવામાં મુશ્કેલી પડી શકે છે, તેવી વાત તેમણે જ કેન્દ્રીય હાઇકમાન્ડ સુધી પહોંચાડી હોવાની ચર્ચા છે."

"હવે જ્યારે ભૂપેન્દ્રભાઈ મુખ્ય મંત્રી બન્યા છે, ત્યારે આગામી મંત્રીમંડળમાં અનેક વરિષ્ઠ મંત્રીઓને પડતા મૂકીને જુનિયર મંત્રીઓને સ્થાન આપવામાં આવશે તેમ જણાય છે. આગામી મંત્રીમંડળમાં આનંદીબહેન પટેલ તથા સીઆર પાટીલ કૅમ્પનો દબદબો રહેશે."

ક્ષત્રિય માને છે કે શાહ કરતાં આનંદીબહેન ફાવી ગયાં એમ ચોક્કસપણે માની શકાય. પાટીલના નેતૃત્વમાં ભાજપે વિધાનસભાની પેટાચૂંટણીઓ જીતી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનું પુનરાગમન થયું છે.


કૅમ્પ, કાસ્ટ અને કઠણાઈ

રવિવારે જ્યારે મુખ્ય મંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થઈ, તે પછી પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું, "મારા ઉપર હંમેશાંથી આનંદીબહેનના આશીર્વાદ રહ્યા છે." એટલે ફરી એ અટકળોને વેગ મળ્યો કે તેઓ આનંદીબહેન પટેલ કૅમ્પના છે.

આનંદીબહેન અગાઉ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટાઈ આવ્યાં હતાં અને ભૂપેન્દ્ર પટેલ પણ એ બેઠક પરથી જ ધારાસભ્ય હોવાથી આ ચર્ચાને વેગ મળવો સ્વાભાવિક પણ હતો.

અગાઉ આનંદીબહેને આ બેઠક પરથી પોતાનાં પરિવારજન માટે ટિકિટ માગી હતી, છતાં ભૂપેન્દ્ર પટેલને ટિકિટ મળી હતી.

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલના મતે, "ભૂપેન્દ્ર પટેલ આનંદીબહેનની નજીકની વ્યક્તિ છે એ વાત તો છે, પરંતુ તે કૅમ્પના છે એટલે જ તેમની પસંદગી થઈ એમ કહી નહીં શકાય."

"એ સિવાય પણ અનેક બાબતો તેમની તરફેણમાં રહી હતી, જેમ કે તેઓ લૉ-પ્રોફાઇલ છે. ઉપરાંત પટેલ અને તેમાં પણ કડવા પટેલ છે."

https://www.youtube.com/watch?v=y7IHT_DTbvw

"સુરતમાં ભાજપથી નારાજગી છે, પરંતુ કૉંગ્રેસ તરફ નહીં જવા માગતા પાટીદારો આપ તરફ ન જાય તેવી ગણતરી છે. કેન્દ્રીય નેતૃત્વને જુનિયર હોય તેવી વ્યક્તિની જરૂર હતી, જે કહ્યું કરી શકે."

"આ સિવાય ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર વગેરે જેવી પ્રાદેશિક ચર્ચાને ટાળવાના ગણિતમાં પણ તેઓ ફિટ થતા હતા."

પહેલાં પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં પરાજય અને હવે આનંદીબહેન પટેલની નજીકની વ્યક્તિને ગૃહરાજ્યમાં મુખ્ય મંત્રી બનાવવા આવી એટલે અમિત શાહનું કદ ઘટ્યું છે, એમ ગોહિલ નથી માનતા.

તેમના કહેવા પ્રમાણે: "નરેન્દ્ર મોદી જ્યારે કેન્દ્રમાં ગયા ત્યારે તેઓ અમિત શાહને પણ ત્યાં લઈ ગયા. અમિત શાહે કેન્દ્રમાં પોતાની ભૂમિકા સ્વીકારી છે. વધુમાં ગુજરાતમાં પણ આનંદીબહેન પટેલ તથા અમિત શાહની વચ્ચે સીધી જૂથબંધી નથી."

ભૂપેન્દ્ર પટેલના શપથવિધિ માટે અમિત શાહનું દિલ્હીથી આવવું તે 'બધા સાથે છે' એવા સંકેત આપવાનો પ્રયાસ છે.

ગોહિલ માને છે કે ભૂપેન્દ્ર પટેલના નામની પસંદગીમાં નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિની ઊંડી છાપ છે. ગુજરાત તેમના માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પાટીદાર, સરપ્રાઇઝિંગ નામ તથા જુનિયર વગેરે જેવાં પરિબળો હશે, જેના આધારે વિશ્લેષકોમાં અમુક નામોની ચર્ચા થઈ હતી, પરંતુ તેમાં પણ ભૂપેન્દ્ર પટેલનું નામ નહોતું.

2017ની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદ નીતિન પટેલે નારાજગી વ્યક્ત કરી હતી. તત્કાલીન અધ્યક્ષ અમિત શાહે તેમની નારાજગીને ધ્યાને લેવી પડી હતી અને તેમને નાયબ મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા.

ગત રવિવારે નીતિન પટેલે આગામી મુખ્ય મંત્રી માટે સારા શબ્દો કહ્યા અને શુભકામનાઓ પાઠવી, પરંતુ તેમની નારાજગી શબ્દોમાં અને બૉડી લૅંગ્વેજમાં સ્પષ્ટપણે વર્તાતી હતી.

શપથવિધિના દિવસે સવારે ભૂપેન્દ્ર પટેલે તેમના ઘરે જઈને આશીર્વાદ લીધા. આ પહેલાં તેમણે વિજય રૂપાણી સાથે મુલાકાત કરીને સદ્ભાવના સંકેત આપવાના પ્રયાસ કર્યા હતા.

ક્ષત્રિય માને છે કે નીતિન પટેલમાં આક્રોશ છે અને આ વખતે તેઓ લડી લેવાના મૂડમાં પણ છે, પરંતુ તેમને મનાવી લેવાની જવાબદારી આનંદીબહેન પટેલને જ સોંપવામાં આવે તેવી પણ શક્યતા ખરી.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

https://www.youtube.com/watch?v=4Jwm4PFwxS0

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Bhupendra Patel's swearing in: Anandibahn defeated Amit Shah in Bhupendra Patel's selection?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X