
જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસને મોટો ફટકો, ચાર પૂર્વ મંત્રી સહિતના નેતાઓએ સોનિયા ગાંધીને રાજીનામાં મોકલ્યાં!
નવી દિલ્હી : કોંગ્રેસની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. પંજાબ અને રાજસ્થાનમાં આંતરિક કલહ માંડ માંડ અટક્યો છે ત્યાં હવે પાર્ટી માટે બીજા રાજ્યમાંથી ખરાબ સમાચાર આવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદ કેમ્પ સાથે જોડાયેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને પદાધિકારીઓએ પોતપોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આ નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને પત્ર લખીને રાજીનામાં મોકલ્યા છે.
ઘાટીમાં જમીન શોધી રહેલી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પહેલા જ પક્ષના મોટા નેતાઓએ રાજીનામા આપી દીધા છે. પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદ કેમ્પ સાથે જોડાયેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને પદાધિકારીઓએ પોતપોતાના હોદ્દા પરથી રાજીનામાં આપ્યા છે. આ નેતાઓએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જીએ મીર પર આરોપો લગાવ્યા છે. રાજીનામા પત્રમાં કહેવામાં આવ્યું છે કે મીરની અધ્યક્ષતામાં કોંગ્રેસ સતત નબળી પડી રહી છે.
અવગણનાના કારણે પહેલા પણ ઘણા નેતાઓ રાજીનામાં આપી ચૂક્યાં છે. રાજીનામું આપનારાઓમાં ચાર ભૂતપૂર્વ પ્રધાનો અને ત્રણ ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે. જમ્મુ સાથે આ નેતાઓ, પૂર્વ મંત્રીઓ અને ઘાટીના ધારાસભ્યોએ ઉપેક્ષાનો આરોપ લગાવીને સંયુક્ત રીતે તેમના હોદ્દા પરથી રાજીનામાં આપી દીધા છે. આ રાજીનામાંની નકલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રદેશ પ્રભારી રજની પાટિલને મોકલવામાં આવી છે.
A group of Congress leaders from Jammu & Kashmir submit their resignation to party's interim chief Sonia Gandhi "in protest of non-providing of opportunity of being heard about retrospection of INC affairs in J&K."
— ANI (@ANI) November 17, 2021
રાજીનામું આપનારા અગ્રણીઓમાં જીએમ સરોરી, જુગલ કિશોર શર્મા, વિકાર રસૂલ, ડૉ. મનોહર લાલ શર્મા, ગુલામ નબી મોંગા, નરેશ ગુપ્તા, સુભાષ ગુપ્તા, અમીન ભટ, અનવર ભટ, ઇનાયત અલી અને અન્યનો સમાવેશ થાય છે. એક તરફ ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષો ઘાટીમાં પોતાની પકડ મજબૂત કરવા પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો પડી રહ્યો છે. રાહુલ ગાંધીની મુલાકાત છતાં પાર્ટીમાં આંતરિક ઝઘડો ઓછો થઈ રહ્યો નથી. તાજેતરના રાજીનામાને આ એપિસોડનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે.