આદિત્ય સચદેવ હત્યાકાંડ: રૉકી યાદવ અને અન્ય 2ને આજીવન કારાવાસ
બિહારના બહુચર્ચિત આદિત્ય સચદેવ હત્યાકાંડમાં મુખ્ય આરોપી રૉકી યાદવને ઉંમર કેદની સજા સંભળાવવામાં આવી છે. મુખ્ય આરોપી રૉકી યાદવ ઉપરાંત અન્ય બે આરોપીઓને ઉંમર કેદની સજા મળી છે. રૉકી યાદવના પિતા બિંદી યાદવને 5 વર્ષની જેલની સજા થઇ છે. આ પહેલાં અદાલતે આ ચારેય આરોપીઓને દોષી ઠેરવ્યા હતા. રૉકી યાદવના વકીલ અનિલ સિન્હાનું કહેવું છે કે, તેઓ હાઇકોર્ટમાં આ ચુકાદાને પડકારશે. નોંધનીય છે કે, રૉકીય યાદવ જદયુમાંથી બરતરફ કરવામાં આવેલ એમએલસી મનોરમા દેવીનો પુત્ર છે.
રૉકી યાદવે 7 મે, 2016ના રોજ 12મા ધોરણના વિદ્યાર્થી આદિત્ય સચદેવની ગોળી મારીને હત્યા કરી હતી. આ મામલે 31 ઓગસ્ટના રોજ ગયા જિલ્લા અદાલતમાં થયેલ સુનવણીમાં દોષી સાબિત થયેલા રૉકી યાદવને બુધવારે સજા સંભળાવવામાં આવી હતી. પહેલા તો પટના હાઇકોર્ટ દ્વારા રૉકીને આ મામલે જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ ત્યાર બાદ ઓક્ટોબરમાં રૉકી યાદવના જામીન રદ્દ કરાયા હતા. ત્યારથી તે જેલમાં છે. આ હત્યાકાંડના લગભગ 16 મહિના બાદ આદિત્ય સચદેવ અને તેના પરિવારને ન્યાય મળ્યો છે.