સાંપ્રદાયિક હિંસા માટે BJP-RSS જવાબદાર, વિપક્ષનો અવાજ પણ દબાવવામાં આવી રહ્યો છે - સોનિયા ગાંધી
નવી દિલ્લીઃ રામનવમીના તહેવાર પર અને પછીથી દેશના ઘણા રાજ્યોમાં થયેલી સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ માટે કોંગ્રેસ પાર્ટીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકારને જવાબદાર ગણાવ્યા છે. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદી અને આરએસએસ પર હુમલો કરીને કહ્યુ છે કે આજે દેશમાં નફરત, કટ્ટરતા, અસહિષ્ણુતા અને જૂઠની બોલબાલા જોવા મળી રહી છે. સોનિયા ગાંધીએ કહ્યુ છે કે આ સરકાર અને આરએસએસ મળીને દેશમાં જે નફરત ફેલાવી રહ્યા છે તે આ દેશને બરબાદ કરી દેશે.
ઈંડિયન એક્સપ્રેસમાં છપાયેલા એક આર્ટિકલ દ્વારા સોનિયા ગાંધીએ કહ્યુ છે કે આ દેશમાં જે સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ થઈ રહી છે તેના માટે સત્તારુઢ ભાજપની સરકાર અને આરએસએસ જવાબદાર છે. સોનિયા ગાંધીના આ આર્ટિકલનુ શીર્ષક છે 'નફરતના વાયરસ.'
શું લખ્યુ છે સોનિયા ગાંધીએ આર્ટિકલમાં?
સોનિયા ગાંધીએ લખ્યુ છે - 'ભારતની વિવિધતાઓનો સ્વીકાર કરવાની વાત કરનાર પ્રધાનમંત્રી આજે હિંસાને રોકવામાં નિષ્ફળ છે. આજે આ કઠોર વાસ્તવિકતા બની ચૂકી છે કે સદીઓથી જે વિવિધતાઓ આપણા સમાજને પરિભાષિત કરતી આવી રહી છે, તેમાં હવે બદલાવ કરવામાં આવી રહ્યા છે અને આપણને વહેંચવાની કોશિશ કરવામાં આવી રહી છે.'
સોનિયા ગાંધીએ આ દરમિયાન સત્તા પક્ષ પર વિપક્ષી દળોના અવાજને દબાવવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ છે કે આ સ્થિતિ દેશમાં ઉન્માદ પેદા કરી શકે છે. સોનિયા ગાંધીએ કહ્યુ કે ભારતને સ્થાયી ઉન્માદની સ્થિતિમાં રાખવાની આ વિભાજનકારી યોજનામાં કંઈક બીજુ પણ ઘાતક છે. સત્તામાં બેઠેલા લોકોની વિચારધારાના વિરોધમાં બધા અસંમતિવાળા મંતવ્યને બેરહેમીથી દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ મોદી સરકાર પર હુમલો કરીને કહ્યુ કે દરેક દેશવાસી ભાજપ અને આરએસએસ દ્વારા ફેલાવવામાં આવી રહેલી નફરતની કિંમત ચૂકવી રહ્યો છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં કહ્યુ છે, 'ભારતની સાચી સંસ્કૃતિ સંયુક્ત ઉત્સવ, સમુદાય અને એકજૂટ રહેવાની છે. આવો આને બચાવવાનો સંકલ્પ લઈએ.'