ગ્રેટર નોઇડામાં ભાજપના નેતા વિજય પંડિતની હત્યા બાદ આગચંપી
ગ્રેટર નોઇડા, 8 જૂન : ઉત્તર પ્રદેશમાં આવેલા ગ્રેટર નોઇડાના દાદરી નગરના ભાજપના નેતા અને દાદરી નગર પંચાયતનાં ચેરમેન ગીતા પંડિતનાં પતિ વિજય પંડિત (37)ને શનિવારે રાત્રે અંદાજે 8.30 વાગે દાદરી વિસ્તારમાં ચાર અજાણ્યા શખ્સોએ હત્યા કરી હતી. આ હત્યાના વિરોધમાં ઉશ્કેરાયેલા ટોળાએ એક પોલીસ સ્ટેશન નજીક 16 વાહનોને આગ ચાંપી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં તણાવની સ્થિતિ ચાલુ છે. આ ગુનાહ બદલ પોલીસે અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
વાસ્તવમાં શનિવારે રાત્રે લગભગ 8.30 વાગ્યે પંડિત બ્રહ્મપુરી વિસ્તારમાં તેમના ભાઈની દુકાનેથી પોતાને ઘેર પાછા ફરતા હતા ત્યારે હુમલાખોરો બે મોટરસાઈકલ પર આવ્યા હતા અને પિસ્તોલ પંડિતના કપાળ પર અને મોઢામાં મૂકીને તેમને ઠાર કર્યા હતા.
હુમલાખોરોએ તે પછી બીજી અનેક ગોળીઓ છોડી હતી જેમાંની એક પંડિતની છાતી ઉપર પણ વાગી હતી. હુમલાખોરો તરત જ ત્યાંથી ભાગી ગયા હતા. ભાગતા પહેલા તેમણે લોકોને ડરાવવા માટે હવામાં ગોળીબાર કર્યો હતો. તેમની એક મોટરસાઈકલ અંકુશ બહાર થઈ રસ્તા પર સરકી જતાં હુમલાખોરો તેને ત્યાં પડતી મૂકી ભાગી ગયા હતા.
વિજય પંડિત ભાજપના ભૂતપૂર્વ જિલ્લા ઉપપ્રમુખ હતા. તેઓ લોહી - લુહાણ હાલતમાં રોડ પર પડ્યા હતા. આ હત્યાના વિરોધમાં તેમના સમર્થકોએ એક પોલીસ સ્ટેશન નજીક 16 વાહનોને આગ ચાંપી હતી. ગુસ્સે ભરાયેલા લોકોએ જીટી રોડ ઉપર પણ હંગામો મચાવી જામ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
આ દરમિયાન ઘટના સ્થળે પહોંચેલી પોલીસ ટુકડી પર લોકોએ પથ્થરમારો કર્યો હતો. ત્યાર બાદ પોલીસ અને ધમાલ મચાવનારા લોકો વચ્ચે ગોળીબાર થયો હતો. આ ઝડપમાં એક પોલીસ ઇન્સપેક્ટર સહિત ચાર પોલીસવાળા ઘવાયા હતા. તણાવની સ્થિતિ જોતા વિસ્તારમાં પીએસી પોલીસ અને રેપિડ એક્શન ફોર્સને તૈનાત કરવામાં આવી છે.