મુંબઇ, 14 મે : લોકસભા ચૂંટણી 2014 અંગેના એક્ઝિટ પોલ બાદ વિજય નિશ્ચિત છે તેવા વિશ્વાસ સાથે ભાજપના મુંબઇ એકમે અંદાજે 4000 કિલોગ્રામ લાડવા મીઠાઇનો ઓર્ડર આપ્યો છે. આ ઓર્ડર લોકસભા ચૂંટણી 2014માં વિજયની ઉજવણી માટે આપવામાં આવ્યો છે. આટલી મોટી સંખ્યામાં ઓર્ડરને પહોંચી વળવા માટે એક નહીં પણ અનેક મીઠાઇવાળાઓનો સંપર્ક સાધવામાં આવ્યો છે.
આ અંગે અંગ્રેજી દૈનિક મુંબઇ મિરરના અહેવાલ અનુસાર એક તરફ કોંગ્રેસ અને એનસીપીએ એક્ઝિટ પોલ અંગે હજી પણ મૌન જાળવ્યું છે અને જણાવ્યું છે કે તેઓ 16 મેના રોજ લાડવાના ઓર્ડર આપશે. ત્યારે બીજી તરફ ભાજપના કેશવ ઉપાધ્યાયે જણાવ્યું કે અમને નરેન્દ્ર મોદીજીની જબરજસ્ત જીતનો વિશ્વાસ છે. વિજયની માહિતી આવતા જ અમે લાડવાઓ વહેંચવાનું શરૂ કરી દઇશું. આ માટે અમે 16 મેની સવારે લાડવા મંગાવવાના શરૂ કરી દઇશું.
પ્રાપ્ત માહિતી અનુસાર ગિરગામના ગણેશ સ્વીટ ભંડારને લાડવાનો સૌથી મોટો ઓર્ડર મળ્યો છે. બીજી તરફ કોંગ્રેસ એનસીપી યુતિનું માનવું છે કે ભાજપ વધારે પડતી ઉત્સાહિત થઇ રહી છે. મુંબઇ શહેર કોંગ્રેસના પ્રમુખ જનાર્દન ચંદુરકરનું કહેવું છે કે આ ઉજવણી કરવાનો સમય નથી. શુક્રવારે તેમના લાડવા જેમના તેમ રહી જશે. અમને પુરતી બેઠકો મળવાની આશા છે. અમે રિઝલ્ટ આવ્યા બાદ ઉજવણી કરીશું.