
'ભાજપને જાણો': જેપી નડ્ડા આજે 14 દેશોમાં ભારતના મિશન પ્રમુખો સાથે કરશે મુલાકાત, જાણો કાર્યક્રમ
નવી દિલ્લીઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સોમવારે પાર્ટી મુખ્યાલયમાં 'ભાજપને જાણો' પહેલ હેઠળ 14 દેશોના ભારતના મિશન પ્રમુખો સાથે ચર્ચા કરશે. વિદેશો સુધી ભાજપના કામને જણાવવાના ઉદ્દેશથી શરુ કરવામાં આવેલી આ પહેલ હેઠળ બીજી વાર જેપી નડ્ડા 14 દેશોના પ્રમુખો સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે.
જેપી નડ્ડાએ છ એપ્રિલના રોજ ભાજપના સ્થાપના દિવસે વિશેષ રીતે વિદેશી લોકોને પાર્ટીની ઐતિહાસિક યાત્રા અને કામકાજ વિશે સૂચિત કરવા માટે આ પહેલ શરુ કરી હતી અને ત્યારે 13 દેશોના મિશન પ્રમુખો સાથે વાતચીત કરી હતી. પાર્ટીએ એક નિવેદનમાં કહ્યુ કે તે ભવિષ્યમાં પણ વિદેશી રાજદ્વારીઓના નાના જૂથો સાથે આ પ્રકારની ચર્ચાઓ ચાલુ રાખવા માંગે છે. નિવેદન અનુસાર, વિવિધ દેશોના રાજકીય પક્ષો સાથે પ્રતિનિધિમંડળના આદાન-પ્રદાનનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પહેલ દ્વારા પક્ષ તેની ઐતિહાસિક યાત્રા, વિચારધારા, બંધારણ અને ચાલુ પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી રજૂ કરશે. પાર્ટીએ કહ્યુ કે નડ્ડા મહેમાનોના પ્રશ્નોના જવાબ પણ આપશે. કાર્યક્રમ દરમિયાન જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીની સફરને દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ દર્શાવવામાં આવશે.