India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બૉર્ડર : ભારતના એ 120 જવાનો જે હજાર પાકિસ્તાની સૈનિકો પર ભારે પડ્યા

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

સન્ની દેઓલ, સુનિલ શેટ્ટી, જૅકી શ્રૉફ, અક્ષય ખન્ના, પૂજા ભટ્ટ સહિતના કલાકારો દ્વારા અભિનિત 'બૉર્ડર' ફિલ્મની રિલીઝની રજત જયંતી ઉજવાય રહી છે. જેપી દત્તા દિગ્દર્શિત આ પ્રથમ ફિલ્મ હતી જે ભારતીય સૈન્ય દ્વારા લડવામાં આવેલા યુદ્ધના ઇતિહાસની કહાણી પર આધારિત હતી. તેને 'ઍપિક વૉર ફિલ્મ' પણ કહેવામાં આવે છે.

આ ફિલ્મને કલાકારોના અભિનય, દત્તાના દિગ્દર્શન, જાવેદ અખ્તરના ગીતો તથા અનુ મલિકના સંગીતે જે ઊંચાઈ બક્ષી છે, એટલી રસપ્રદ તેની કથા પણ છે, જે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે લોંગેવાલા મોરચા પર ઘટેલી સત્યઘટના પર આધારિત છે.

યુદ્ધની શરૂઆત થતાં પાકિસ્તાનના ખુશકીદળે રાજસ્થાનના રણના રસ્તે ભારતમાં પ્રવેશીને જેસલમેરના માર્ગે દિલ્હી તરફ આગળ વધવાની યોજના ઘડી હતી, પરંતુ લોંગેવાલાના મોરચાએ પાકિસ્તાનની તમામ ગણતરીઓ ઊંધી પાડી દીધી હતી.

પાકિસ્તાની બ્રિગેડની (લગભગ ત્રણ હજાર જવાન) સામે ભારતી ટુકડીના માત્ર 120થી થોડા જ વધારે જવાન હતા. તેમની પાસે બહુ થોડા સંસાધનો હતા. આમ છતાં તેમણે હિંમતભેર લડાઈ લડી અને જીતી.

આ લડાઈ એટલી બહાદુરી અને કુનહેપૂર્વક લડવામાં આવી હતી કે આજે તે ભારત જ નહીં, વિશ્વના અનેક દેશોના સૈન્યઅધિકારીઓને તેના વિશે ભણાવવામાં આવે છે અને સમજાવવામાં આવે છે.


'બૉર્ડર' પર બહાદુર સૈનિકોએ મોરચો સંભાળ્યો

લોંગેવાલા પાકિસ્તાનની સરહદે રણમાં આવેલી પોસ્ટ છે, જેની સુરક્ષા બીએસએફ (બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ)ને આધીન હતી. તા. ત્રીજી ડિસેમ્બરે યુદ્ધ શરૂ થયું, તે પછી પાકિસ્તાનના ખુશકીદળે આ રસ્તે ભારતમાં પ્રવેશવાની તથા આગળ વધવાની પૂર્વનિર્ધારિત યોજના અમલમાં મૂકી.

દિનેશ કંડપાલ તેમના પુસ્તક 'પરાક્રમમ'માં લોંગેવાલાની લડાઈ અંગે લખે છે : 'પંજાબમાં પાકિસ્તાની સેનાના ગુપ્તચરોનું જાળું પથરાયેલું હતું, એટલે તેને જરૂરી માહિતી મળી રહેતી, પરંતુ લોંગેવાલા વિશે તેની પાસે પૂરતી માહિતી ન હતી.'

'લોંગેવાલા પોસ્ટ પર બીએસએફ તહેનાત રહેતી, જેને હઠાવીને 23 પંજાબ રેજિમેન્ટની 'એ' કંપનીને તહેનાત કરવામાં આવી હતી, જેના મોટાભાગના જવાન શીખ હતા, આ સિવાય કેટલાક ડોગરા પણ હતા. આના વિશે પાકિસ્તાનની સેના વાકેફ ન હતી. બીએસએફના ચાર જવાન અને કેટલાક ઊંટ ભારતીય સેનાની મદદ માટે રોકવામાં આવ્યા હતા.'

'તેઓ લોંગેવાલા પોસ્ટને બેઝ બનાવીને જેસલમેર પર કબજો કરવા માગતા હતા. આથી, તેણે પોતાની વ્યૂહરચના એવી રીતે ઘડી હતી કે લોંગેવાલા ઉપર કબજા પછી તેની અન્ય ટુકડીઓ જેસલમેર તરફ આગેકૂચ કરી શકે.'

'લોંગેવાલા, રામગઢ તથા જેસલમેરના રસ્તે સરહદ સુધી જવાન અને સંસાધનની અવરજવર થતી અને તે સપ્લાઈ ચેઇનનો મુખ્ય રૂટ હતો. પંજાબ રેજિમેન્ટની કંપનીનું નેતૃત્વ મેજર કુલદીપસિંહ ચાંદપુરી (સન્ની દેઓલે ફિલ્મમાં આ પાત્ર ભજવ્યું હતું) કરી રહ્યા હતા.'

'યુદ્ધની શરૂઆત થતાં મેજર ચાંદપુરીએ લેફટનન્ટ ધરમવીરના (અક્ષય ખન્નાએ પાત્ર ભજવ્યું) નેતૃત્વમાં એક ટુકડીને પેટ્રોલિંગ માટે મોકલી. ગણતરીના કલાકોમાં તેમણે પાકિસ્તાનની એક મોટી ટુકડી લોંગેવાલા તરફ આગળ વધી રહી હોવાની બાતમી આપી. તા. ચોથી ડિસેમ્બરે પેટ્રોલિંગ પાર્ટીને વધુ સ્પષ્ટ અને ભારે અવાજ સંભળાવા લાગ્યો હતો.'

'આ સિવાય ભારતીય વાયુદળના વિમાનોએ પણ રણવિસ્તારમાં આગળ વધતો કાફલો જોઈ લીધો હતો. મેજર ચાંદપુરીએ હેડક્વાર્ટર પાસે મદદ માગી. તત્કાળ મદદ પહોંચાડવી શક્ય ન હોવાથી મેજર ચાંદપુરીને પોસ્ટ છોડીને રામગઢ આવી જવા અથવા તો ત્યાં જ રહીને છેલ્લે સુધી લડવાના વિકલ્પ આપવામાં આવ્યા.'

'એ સમયના ભારતીય ફાઇટર જેટ્સ આટલા આધુનિક ન હતા અને તે પણ સવાર સુધી કોઈપણ રીતે મદદ કરી શકે તેમ ન હતાં. વળી, પીછેહઠ કરવા માટે પૂરતી સંખ્યામાં વાહનો પણ ન હતાં. રણવિસ્તારમાં અડધી રાત્રે પગપાળા પોસ્ટ ખાલી કરીને કૂચ કરવું જોખમ ભરેલું હતું. અંતિમ નિર્ણય મેજર ચાંદપુરી પર છોડવામાં આવ્યો, જેમણે છેલ્લા શ્વાસ સુધી લડવાનો નિર્ધાર કર્યો.'

મેજર ચાંદપુરીનો જન્મ 22મી નવેમ્બરના રોજ 1940માં અવિભાજિત ભારતના પંજાબ ક્ષેત્રમાં થયો હતો, જે હાલ મોન્ટગોમરી નામે પાકિસ્તાનમાં છે .

1947નાં ભારત-પાકિસ્તાન ભાગલા બાદ એમનો પરિવાર પંજાબનાં બલાચોર વિસ્તારના ચાંદપુર ગામે વસ્યો. કુલદીપસિંઘ ચાંદપુરીએ હોશિયારપુરસ્થિત સરકારી કૉલેજમાંથી સ્નાતકની ડિગ્રી લીધી અને 1962માં પંજાબ રેજિમૅન્ટમાં સેકન્ડ-લેફ્ટનન્ટ તરીકે ભારતીય સૈન્ય સાથે જોડાયાં હતા.


યુદ્ધ પહેલાંની શાંતિ

15 ડિસેમ્બર 1971ના ભારતીય સૈનિકો સિંધના નયા ચોર પર આક્રમણ કરતા

પાકિસ્તાની સૈન્યટુકડી ગતિભેર આગળ વધી રહી હતી, તેને ભારતીય સેના તરફથી કોઈ જવાબ ન મળ્યો કે કોઈપણ પ્રકારના પ્રતિકારનો સામનો ન કરવો પડ્યો. કદાચ તેમને લાગ્યું હતું કે અહીં તહેનાત ભારતીય સૈનિકો પોસ્ટ છોડીને વ્યૂહાત્મક પીછેહઠ કરી ગયા છે.

અચાનક જ ભારતીય આરસીએલનો (રિકોઇલલેસ ગન) ગોળો છૂટ્યો અને પાકિસ્તાની ટૅન્કને વાગ્યો. પાકિસ્તાની સૈન્યઅધિકારીની જીપને પણ ગોળો વાગ્યો. બીએસએફના બદલે ભારતીય સેનાના જવાનો તહેનાત થઈ ગયા છે, એ વિશે પણ તેમની પાસે માહિતી ન હતી. વળી, 'ખાલી પોસ્ટ' પર કબજો કરીને આગળ વધવાના સપનામાં રાચતા પાકિસ્તાની ટુકડીના અધિકારીઓ માટે આ એક આઘાત હતો.

દિનેશ કંડપાલ લખે છે, 'વાસ્તવમાં તે ભારતીય વ્યૂહરચનાનો હિસ્સો હતો કે દુશ્મનો એકદમ નજીક ન આવી જાય, ત્યાર સુધી તેમની ઉપર ગોળી ન છોડવી કે તેમનો પ્રતિકાર ન કરવો. અવિરત આગળ વધી શકાય તે માટે ટૅન્કો પર ડીઝલનો પુરવઠો લાદવામાં આવ્યો હતો, જેણે આગ પકડી લીધી હતી. આગની જવાળાઓ અને કાળા ધુમાડા અને અચાનકના હુમલાને કારણે હુમલાખોરોના મોરચામાં અંધાધૂંધી અને અફરાતફરીનો માહોલ ફેલાઈ ગયો.'

'આગનો લાભ ભારતીય જવાનોને થયો, ઊંચાઈએથી પાકિસ્તાની સૈનિકોને જોઈને હુમલો કરવાનું સરળ બની ગયો. આરસીએલને પણ ઊંચાઈનો લાભ થયો અને તેણે પાકિસ્તાની ટૅન્કોને ટાર્ગેટ કરવાનું ચાલુ રાખ્યું.'

'આગળ વધવા માગતી પાકિસ્તાની ટૅન્કો માટે વધુ એક 'સરપ્રાઇઝ' રાહ જોઈ રહ્યું હતું. અચાનક જ વિસ્ફોટ થયા અને ટૅન્કોના કૂરચા ઊડી ગયા. લેફ. ધરમવીરની ટુકડીએ પાકિસ્તાની સૈનિકોની આગેકૂચ વિશે માહિતી આપતાં જ મેજર ચાંદપુરીએ પોસ્ટની આગળ ઍન્ટી ટૅન્ક માઇન્સ ફેલાવી દીધી હતી. આ સિવાય વાડબંધી પણ કરી દેવામાં આવી હતી. પાકિસ્તાની સૈન્ય અધિકારીઓએ આગળ નહીં વધવાનો નિર્ણય કર્યો.'

'પાકિસ્તાની ટૅન્કો ગોળા વરસાવી રહી હતી અને સૈનિકો સતત આગેકૂચનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ સૈનિકોએ તેમને ન કેવળ અટકાવી રાખ્યા, પરંતુ મોર્ટાર અને રાયફલ જેવાં હથિયારો વડે પણ તેમને ભારે નુકસાન પહોંચાડ્યું. રાત વીતી રહી હતી અને સવાર પડ્યે યુદ્ધનું પાસું પલટાવાનું હતું.'

https://www.youtube.com/watch?v=fbvfLzAwGkU

માર્ટિન દોહર્થી પોતાના પુસ્તક બૅટલ્સ : 100 બૅટલ્સ ધૅટ શેપ્ડ ધ વર્લ્ડમાં લખે છે સવાર પડ્યે ભારતીય વાયુદળના હંટર વિમાન નજીકના ઍરબેઝથી ઊડ્યાં. તેમને મોકળું મેદાન મળી ગયું હતું. પાકિસ્તાનની ટૅન્કો ખુલ્લામાં હતી અને તેના સૈનિકો પાસે નાસી છૂટવા કે છૂપાવા માટે કોઈ જગ્યા ન હતી.'

'પાકિસ્તાની સૈનિકો તથા ટૅન્કોના ક્રૂમૅમ્બર્સમાં નાસભાગ મચી ગઈ. ઉપરથી આવતાં ગોળાથી બચવા માટે રણમાં આમ તેમ ગોળ-ગોળ ફરવા લાગી. બપોરે બાર વાગ્યા સુધીમાં વધુ બે વખત પાકિસ્તાની ટુકડીએ પોસ્ટ પર હુમલાના પ્રયાસ કર્યા, પરંતુ મજબૂત સંરક્ષણ તથા હવાઈહુમલાને કારણે તેમાં પરંતુ નિષ્ફળતા મળી. અચાનક જ તેમણે લડવાનું છોડીને પીછેહઠ કરી દીધી.'

'37 ટૅન્ક નાસ પામી હતી. મેજર ચાંદપુરીએ છેલ્લા શ્વાસ સુધી પોસ્ટની રક્ષા કરવાના શપથ લીધા હતા, પરંતુ તેમના માત્ર ત્રણ સૈનિક મૃત્યુ પામ્યા, જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા હતા. ટૅન્ક સિવાય 100 જેટલા જહાજ તકનીકી ખામીને કારણે અથવા તો અન્ય રીતે નાસ પામ્યા હતા, કેટલાકને ત્યજી દેવામાં આવ્યા હતા. 200 જેટલા સૈનિક મૃત્યુ પામ્યા હતા.'

પુસ્તકમાં એક ભારતીય સૈનિકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેણે મૃત્યુ પહેલાં ત્રણ પાકિસ્તાની ટૅન્કની નીચે ઍન્ટી-ટૅન્ક માઇન્સ પાથરીને તેને નકામી કરી દીધી. સાથે જ લખે છે કે જો લોંગેવાલામાં સફળતા મળી હોત તો યુદ્ધ પછી પાકિસ્તાન પાસે વાટાઘાટો કરવા માટે અમુક વિસ્તાર હોત, પરંતુ એવું ન થઈ શક્યું.

પાકિસ્તાની વાયુદળ તેના ટૅન્કોની મદદે કેમ ન આવ્યું, તેના વિશે પાકિસ્તાની ઍરફોર્સના (નિવૃત્ત) ઍર કૉમોડોર કૈસર તુફૈલ તેમના પુસ્તક અગેઇન્સ્ટ ઑલ ઑડ્સ ધ પાકિસ્તાન ઍરફોર્સ ઇન ધ 1971 ઇન્ડો-પાકિસ્તાન વૉરમાં (પૃષ્ઠ ક્રમાંક 52) પર લખે છે, "18મી ડિવિઝનના હુમલા સમયે પાકિસ્તાનના વાયુદળે નજીકના જેકોબાબાદ ઍરબેઝને તૈયાર કરવા માટે ઓછામાં ઓછા ચાર દિવસ અને જો શક્ય હોય તો 10 દિવસનો સમય માગ્યો હતો, પરંતુ તે આપવામાં આવ્યો ન હતો. અને જો ઍરબેઝ શરૂ થઈ ગયું હોત તો પણ ત્યાં લૉ-લેવલ રડાર ન હોત, જે ભારતીય વિમાનોના સંભવિત હુમલા અંગે આગોતરી માહિતી આપી શકે."

પાકિસ્તાની ટુકડીના વડા મેજર જનરલ બીએમ મુસ્તફાને હુમલાની નિષ્ફળતા બાદ હઠાવી દેવામાં આવ્યા. યુદ્ધની શરૂઆતમાં જ પાકિસ્તાની સેનાના મનોબળ અને આયોજનને જબરો આઘાત પહોંચ્યો, તો ભારતીય સેનાનું મનોબળ વધી ગયું. તા. 16મી ડિસેમ્બર, 1971ના યુદ્ધનો અંત આવ્યો અને બાંગ્લાદેશ નામના નવા દેશનો જન્મ થયો.


યુદ્ધ જે લડાયું જ ન હતું

ફેબ્રુઆરી, 2008માં મેજર જનરલ (નિવૃત્ત) આત્માસિંહે દાવો કર્યો હતો કે લોંગેવાલાના મોરચે ભારતીય સેનાએ જમીની મોરચે યુદ્ધ લડ્યું જ ન હતું. સીઝફાયર પછી આ બધું ઘડી કાઢવામાં આવ્યું હતું, જેથી કરીને ઉચ્ચ સૈન્ય અધિકારીઓની નિષ્ફળતાને છાવરી શકાય. વાસ્તવમાં આ યુદ્ધમાં ભારતીય વાયુદળે દુશ્મનોનો ખાતમો બોલાવ્યો હતો. લોંગેવાલા યુદ્ધ માટે સિંહને વીરતા પુરસ્કાર પણ મળ્યો હતો.

ઍરમાર્શલ (નિવૃત્ત) એમએસ બાવા એ સમયે જેસલમેર ઍરબેઝના વડા હતા. તેમણે પણ ભારતીય સેના ઉપર સમગ્ર ઑપરેશન ઘડી કાઢવાનો આરોપ મૂક્યો હતો.

જેની સામે બ્રિગેડિયર તરીકે સેવા નિવૃત્ત થનારા ચાંદપુરીએ ચંદીગઢની સ્થાનિક કોર્ટમાં એક રૂપિયાનો દાવો કર્યો હતો. તેમનું કહેવું હતું કે આ પ્રકારના આરોપો મૂકીને બંનેએ કેવળ મારું જ નહીં, પરંતુ 23 પંજાબ રેજિમેન્ટનું અપમાન કર્યું છે, એટલે તેમના સન્માન માટે તેમણે આ કેસ દાખલ કર્યો છે.

પોતાના 78મા જન્મદિવસના પાંચ દિવસ પૂર્વે તા. 17મી નવેમ્બર, 2018ના રોજ તેઓ દુનિયાને અલવિદા કરી ગયા.


તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

Facebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

Instagram પર બીબીસી ગુજરાતીને અહીં ફૉલો કરો.

YouTube પર બીબીસી ગુજરાતીના વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

Twitter પર બીબીસી ગુજરાતીની ફૉલો કરવા અહીં ક્લિક કરો.


https://www.youtube.com/watch?v=uinV4HYp9D4

English summary
Border: India's 120 troops which fell heavily on thousands of Pakistani soldiers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X