• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સ્પેનમાં જન્મેલા ફાધર વાલેસ 'સવાઈ ગુજરાતી' કેવી રીતે બન્યા?

By BBC News ગુજરાતી
|

મૂળે સ્પેનમાં જન્મેલા અને ગુજરાતને કર્મભૂમિ બનાવનારા લેખક ફાધર વાલેસનું સ્પેનમાં નિધન થયું છે.

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વીટ કરીને ફાયર વાલેસને યાદ કર્યા છે.

વિજય રૂપાણીએ લખ્યું કે "ગુજરાતી સાહિત્યને તેમણે અનેક પુસ્તકો અને લેખો દ્વારા સમૃદ્ધ કર્યું હતું, ગુજરાતી સાહિત્યજગતને તેમની ખોટ હંમેશાં રહેશે."

https://twitter.com/vijayrupanibjp/status/1325707010613018627

ફાધર વાલેસ ચેન્નાઈથી તેમની ગુજરાતમાં બદલી થતા અમદાવાદ આવ્યા હતા. બાદમાં તેઓએ ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી હતી.

તેમના ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ અંગેનાં લખાણો અને પ્રતિબદ્ધતાથી તેમને 'સવાયા ગુજરાતી' તરીકે પણ ઓળખવામાં આવે છે.

ફાધર વાલેસની એક વેબસાઇટમાં તેમના જીવન અને સર્જન અંગે માહિતી આપવામાં આવી છે.

તે પ્રમાણે ફાધર વાલેસનો જન્મ 4 નવેમ્બરે, 1925માં સ્પેનના લોગ્રોનોમાં થયો હતો.

તેઓ લખે છે કે તેમના પિતાના મૃત્યુના છ મહિના પછી સ્પેનમાં ગૃહયુદ્ધ શરૂ થયું. દેશને બે ભાગમાં વહેંચવામાં આવ્યો. ત્યારે અમે અમારી પાસેનું બધું ગુમાવ્યું હતું.


'ત્રણ-ત્રણ પેઢીનું ઘડતર કર્યું'

પત્રકાર અને લેખક રમેશ તન્ના કહે છે કે કૉલેજમાં હતા ત્યારે ફાધરના એક વાચક તરીકે તેમને પરિચય થયો હતો.

બીબીસી સાથે વાત કરતાં રમેશ તન્ના કહે છે, "ફાધર વાલેસે ગુજરાતી ભાષાસાહિત્યને ઘણું સમૃદ્ધ કર્યું છે. એમણે જીવનદૃષ્ટિ આપતું સાહિત્ય સર્જ્યું છે. એમના દ્વારા ગુજરાતી ત્રણ-ત્રણ પેઢીનું ઘડતર થયું છે. ફાધર વાલેસ 'શબ્દો, વિચારોના ફાધર' હતા."

ફાધર વાલેસની ગુજરાત સમાચારમાં 'નવી પેઢીને' નામની એક કૉલમ ચાલતી હતી અને વાચકોને ખૂબ પસંદ પડતી હતી.

પત્રકાર ધીમંત પુરોહિત બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે "ગુજરાત સમાચારમાં ચાલતી કૉલમ 'નવી પેઢીને'થી તેમણે ગુજરાતની ત્રણ-ચાર પેઢીઓને ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ વગેરેનું ઘડતર કર્યું છે. આ એક એમનું મોટું પ્રદાન છે કે આજે પણ આટલાં વર્ષો પછી લોકો તેમને યાદ કરે છે."

રમેશ તન્ના એ સમયને યાદ કરતાં કહે છે, "ફાધર વાલેસની ગુજરાત સમાચારમાં 'નવી પેઢીને' નામની કૉલમ ચાલતી. એ સમયે કૉલમની બાજુમાં 'જિન્સ પૅન્ટ'ની જાહેરખબર છપાય તેવો આગ્રહ રખાતો. એ બાબત પરથી એ જમાનામાં એમની લોકપ્રિયતાનો અંદાજ આવે છે."

તન્ના કહે છે કે એમણે ગુજરાતી ભાષાને સમજવા માટે આપણને નવી દૃષ્ટિ આપી છે.

"એક સ્પેનીશ માણસ જેને અંગ્રેજ પણ નથી આવડતું એ ગુજરાતમાં આવ્યો અને કાનથી ગુજરાતી ભાષા શીખ્યો અને આપણી જ ભાષાનું ગૌરવ, ગરિમા સમજાવ્યાં."

રમેશ તન્ના કહે છે કે "ફાધર વાલેસ વલ્લભવિદ્યાનગરમાં હૉસ્ટેલમાં રહીને સાંભળીસાંભળીને ગુજરાતી શીખ્યા હતા."


ગણિતશાસ્ત્રી ફાધર વાલેસ

ફાધર વાલેસ અમદાવાદની સૅન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગણિતશાસ્ત્રના અધ્યાપક રહ્યા હતા.

ગણિતશાસ્ત્રમાં તેમને માહેર માનવામાં આવતા હતા અને અનેક નવી વિભાગના, શબ્દપ્રયોગો તેઓ લાવ્યા હતા એવું કહેવાય છે.

વિચારપત્ર 'નિરીક્ષક'ના તંત્રી અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પ્રકાશ ન. શાહ કહે છે કે ફાધર વાલેસે કુમાર સામાયિકમાં ચાલતી તેમની 'લેખમાળા'થી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

બીબીસી સાથે વાત કરતાં પ્રકાશ ન શાહ કહે છે "ફાધર વાલેસ અમારા માટે નવું નામ અને નવો પરિચય હતાં. અમારું એક મંડળ ચાલતું હતું એમાં અમે એમનો એક વાર્તાલાપ રાખ્યો હતો. એમનું ભાષણ પણ ભૂમિપુત્રમાં પ્રગટ થયું હતું."

"અમે ગણિતનાં પ્રકરણો રિવાઇઝ કરતા હતા. એ વખતે મારે એમની સાથે મુલાકાત થઈ હતી અને કયા શબ્દો ક્યાં પ્રયોજાય એની ચર્ચા થઈ હતી. મારી, એમની (ફાધર વાલેસ) અને પી.સી વૈદ્ય સાથે એની ચર્ચા થઈ હતી."

તેઓ કહે છે કે "ગણિતના પ્રયોગો, ભાષાપ્રયોગો અને પ્રાચીન પરંપરામાંથી બની શકતો શબ્દ એ વિષે બંનેએ રસપ્રદ વાતો કરી હતી."


'સવા ગુજરાતી' થઈને ઊભર્યા

ધીમંત પુરોહિત કહે છે કે આપણે આજે એવા સમયમાં જીવીએ છીએ કે કોઈ કૉલમરાઇટર કૉલમ લખવાનું બંધ કરે તો અઠવાડિયા પછી ભુલાઈ જાય, ટીવી સિરિયલ પૂરી થાય તો અદાકાર અઠવાડિયા પછી ભુલાઈ જતા હોય છે.

"એની સામે એક એવું ઉદાહરણ ફાધર વાલેસનું છે કે હજારો કિલોમીટર દૂર સ્પેનમાં રહેતા, ઘણા સમયથી એમની કોઈ છાપામાં કૉલમ પણ ચાલતી નથી, આમ છતાં 95 વર્ષે ફાધરે દુનિયામાંથી વિદાય લીધી એ સમાચાર આવ્યા ત્યારે હજારો લોકોનાં હૃદય એક ધબકારો ચૂકી ગયાં."

"એમના ઘરનો કોઈ સ્વજન ગુમાવ્યો હોય એવી વેદના થઈ. શું કારણ હશે કે સંપર્ક કપાઈ ગયા પછી પણ આટલી સંવેદના અને સંબંધ જળવાઈ રહ્યો હશે. એના મૂળમાં ફાધરની ગુજરાત પ્રત્યેનું એક કલ્પી ન શકાય એવું કમિટમેન્ટ અને સંબંધ છે."

"ગુજરાતની સ્થાપના થઈ એ સમયે જ ફાધરનું અમદાવાદ આવવાનું થયું હતું. સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગણિતના અધ્યાપક તરીકે. ત્યારે એમને ગુજરાતી કે ગુજરાત વિશે પણ કોઈ ખ્યાલ નહોતો. તેઓ ગુજરાતી ભાષા શીખ્યા, ગુજરાતી કલ્ચર શીખ્યા અને 'સવાઈ ગુજરાતી' થઈને ઊભર્યા."

https://www.youtube.com/watch?v=vKQu_PpvuvE

ફાધર વાલેસે જીવનઘડતરના ધ્યેયથી, સદાચાર, તરુણાશ્રમ, ગાંધીજી અને નવી પેઢી સહિત અનેક નિબંધસંગ્રહ આપ્યા હતા.

તેમને ગુજરાતીમાં કરેલા સાહિત્યસર્જન માટે 1966માં કુમારચંદ્રક અને 1978માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો.

ફાધર વાલેસ નિવૃત્તિ પછી સ્પેનમાં રહેવા ચાલ્યા ગયા હતા, પણ અવારનવાર કર્મભૂમિ ગુજરાતની મુલાકાતે આવતા રહેતા હતા.

તેમને જાણતા લોકો કહે છે કે ફાધર જ્યારે ગુજરાતમાં આવતા ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમને મળવા જતા હતા.

એમણે ભાષાના વ્યવહારમાં શબ્દોના વિનિયોગ વિશેનો ગ્રંથ 'શબ્દલોક' પણ આપ્યો છે. શબ્દલોક પુસ્તકનું નવું નામ છે 'વાણી તેવું વર્તન.'

રમેશ તન્ના કહે છે કે જ્યારે ફાધરને પૂછવામાં આવે કે તેમને સૌથી વધુ કયું પુસ્તક ગમે છે, તેઓ 'શબ્દલોક'નું નામ આપતા હતા.

https://www.youtube.com/watch?v=htbq8sk1-CQ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
born in spain father wallace how became savai gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X