બસપા સુપ્રીમો માયાવતી પર ફિલ્મ? લીડ રોલમાં જોવા મળી શકે છે આ અભિનેત્રી
લોકસભા ચૂંટણીની ગરમી વચ્ચે બોલિવુડમાં હાલમાં બાયોપિકની મોસમ ચાલી રહી છે. પૂર્વ પીએમ મનમોહન સિંહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શિવસેનાના દિવંગત નેતા બાલ ઠાકરે બાદ હવે સમાચાર છે બસપા સુપ્રીમો માયાવતીની બાયોપિક બનવા જઈ રહી છે. બોલિવુડ ન્યૂઝ સાઈટ પિંકવિલાના સમાચાર અનુસાર જૉલી એલએલબીના ડાયરેક્ટર સુભાષ કપૂર માયાવતી પર બનનાર આ ફિલ્મનું નિર્દેશન કરશે. માત્ર આટલુ જ નહિ, આ ફિલ્મમાં લીડ રોલ એટલે કે માયાવતીની ભૂમિકા માટે અભિનેત્રી પસંદ કરવા માટે 7થી 8 અભિનેત્રીઓના નામ પર પણ વિચાર કરવામાં આવ્યો હતો.

વિદ્યા બાલન કરી શકે છે લીડ રોલ
પિંકવિલાના સમાચાર અનુસાર બોલિવુડની 7-8 અભિનેત્રીઓ નામ પર વિચાર કર્યા બાદ અભિનેત્રી વિદ્યા બાલનને માયાવતીના રોલ માટે પસંદ કરવામાં આવી છે. જો કે આ વિશે જ્યારે સુભાષ કપૂર સાથે વાત કરવામાં આવી તો તેમણે પોતાના વિશે ચાલી રહેલા સમાચારોને ફગાવી દીધા હતા. તમને જણાવી દઈએ કે વિદ્યા બાલન હાલમાં ઈન્દિરા ગાંધી પર બની રહેલી એક બાયોપિક ફિલ્મમાં લીડ રોલ નિભાવી રહી છે. આ ઉપરાંત વિદ્યા અભિનેતા અમિતાભ બચ્ચન અને તાપસી અભિનીત ફિલ્મ પિંકની તમિલ રીમેકમાં પણ કામ કરી રહી છે. વિદ્યા બોલિવુડની એ અભિનેત્રીઓમાંની એક છે જેણે પોતાના ટેલેન્ટના દમ પર પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

40ની ઉંમરની મહિલાઓ વધુ નૉટી
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ વિદ્યા બાલન એ વખતે સમાચારોમાં છવાઈ હતી જ્યારે તેણે કહ્યુ હતુ કે 40ની ઉંમર બાદ મહિલાઓ વધુ હૉટ અને નૉટી થઈ જાય છે. વિદ્યા બાલને એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ, ‘વધતી ઉંમર વાસ્તવાં એક મહિલાને વધુ આત્મવિશ્વાસ અને ખુશી આપે છે. હા સાચે, 40 બાદ મહિલાઓ વધુ હૉટ અને નૉટી બની જાય છે. સામાન્ય રીતે આપણને થોડી શર્મીલી, સંકોચી અને સેક્સનો આનંદ ન લેવા વિશે શીખવવામાં આવે છે. તે કહે છે કે મહિલાઓ ઉંમર સાથે વધુ શ્રેષ્ઠ બનતી જાય છે કારણકે તમે પરવા કરવાની ઓછી કરી દો છો પરંતુ આ જ વસ્તુ તમારા માટે ઘણુ બધુ છે. આ જ તો ખુશીની વાત છે. જ્યારે તમે કોઈની પરવા નથી કરતા ત્યારે તમે જીવનનો સૌથી વધુ આનંદ લો છો.'

વિવાદોમાં પીએમ મોદીની બાયોપિક
વળી, બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિક વિશે પણ વિવાદ ચાલુ છે. વિપક્ષે ચૂંટણી કમિશનને કહ્યુ છે કે આ ફિલ્મ લોકસભા ચૂંટણી વચ્ચે રિલીઝ થઈ રહી છે જે સૂંપૂર્ણપણે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. વિપક્ષે માંગ કરી છે કે ચૂંટણી દરમિયાન આ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવામાં આવે. વિપક્ષની આપત્તિ બાદ ચૂંટણી કમિશને આ ફિલ્મના નિર્માતા અને અભિનેતા વિવેક ઓબરૉયને નોટિસ પાઠવી છે. નોટિસ મળ્યા બાદ વિવેક ઓબરૉય અને ફિલ્મના નિર્માતા ગુરુવારે ચૂંટણી કમિશન સમક્ષ હાજર થયા.
આ પણ વાંચોઃ પીએમ નરેન્દ્ર મોદીની મેરઠમાં પહેલી ચૂંટણી રેલીના પાંચ દમદાર ડાયલૉગ