ભાઈ પર ITની રેડથી ભડક્યા માયાવતી, ભાજપ માટે આપ્યુ આ મોટુ નિવેદન
આવકવેરા વિભાગે ગુરુવારે એક મોટી કાર્યવાહી કરીને બસપા સુપ્રીમો માયાવતીના ભાઈ અને પાર્ટી ઉપાધ્યક્ષ આનંદકુમાર તેમજ તેમના પત્નીના ત્યાં રેડ પાડી. રેડ દરમિયાન આવકવેરા વિભાગે નોઈડામાં સ્થિત 400 કરોડ રૂપિયાના એક બેનામી પ્લૉટને જપ્ત કર્યો છે. આનંદ કુમાર અને તેમના પત્ની વિચિત્ર લતાના આ બેનામી પ્લૉટને જપ્ત કરવાનો આદેશ 16 જુલાઈએ આવકવેરા વિભાગના દિલ્લી સ્થિત બેનામી નિષેધ એકમે જાહેર કર્યો હતો ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી. આવકવેરા વિભાગની આ કાર્યવાહી બાદ માયાવતીએ ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્રની મોદી સરકાર પર તીખો હુમલો કર્યો છે.
આ પણ વાંચોઃ ICJના ચુકાદા બાદ ઝૂક્યુ પાકિસ્તાન, કુલભૂષણ જાધવને કાઉન્સિલર એક્સેસ આપવાનું એલાન

માયાવતીએ આપ્યુ આ નિવેદન
બસપા સુપ્રીમો માયાવતીએ આવકવેરા વિભાગની કાર્યવાહી બાદ ગુરુવારે ટ્વીટ કરીને કહ્યુ, ‘ભાજપ કેન્દ્રની સત્તાનો હજુ પણ દૂરુપયોગ કરીને પોતાના વિપક્ષીઓને ષડયંત્ર હેઠળ બળજબરીથી નકલી કેસોમાં ફસાવીને તેમને હેરાન કરી રહી છે. આ ક્રમમાં હવે મારા ભાઈ-બહેનો વગેરેને પણ બળજબરીથી હેરાન કરવામાં આવી રહ્યા છે જે ખૂબ જ નિંદનીય છે પરંતુ આનાથી બસપા ડરવા કે ઝૂકવાની નથી. આવી જ વિકૃત હરકત આ પાર્ટીની સરકારે વર્ષ 2003માં પણ આવકવેરા તેમજ સીબીઆઈ વગેરે દ્વારા અમારા વિરુદ્ધ કરી હતી જે સર્વવિદિત છે જેમાં પછી અંતમાં અમને ઘણા સંઘર્ષ બાદ માનનીય સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મળ્યો.'

‘ભાજપ અને આરએસએસ બંને જાતિવાદી'
ત્યારબાદ માયાવતીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને ભાજપ પર હુમલો કરતા કહ્યુ, ‘ભારતીય જનતા પાર્ટીએ પહેલા પોતાની તપાસ કરવી જોઈએ. જો તેમને લાગતુ હોય કે તે બહુ ઈમાનદાર છે તો તેમણે તપાસ કરવી જોઈએ કે રાજકારણમાં આવતા પહેલા તેમના અને તેમના પરિવાર પાસે કેટલી સંપત્તિ હતી અને હવે કેટલી છે. આનાથી દેશ સામે બધુ સ્પષ્ટ થઈ જશે. ભાજપ અને આરએસએસ બંને જાતિવાદી છે. તે શિક્ષણ, વ્યવસાય કે કોઈ પણ અન્ય ક્ષેત્રમાં દલિતો અને અન્ય પછાત વર્ગોનો વિકાસ નથી જોવા ઈચ્છતા. આ વર્ગોના વિકાસમાં અડચણો પેદા કરવા માટે આ લોકો વિવિધ રીતોનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ અમારી પાર્ટી આ લોકોના વિકાસ માટે કામ કરી રહી છે.'

‘ભાજપને અમારા સમાજના વિકાસથી વાંધો'
માયાવતીએ આગળ કહ્યુ, ‘જ્યારે તેમની પાર્ટીનો કોઈ સભ્ય કે તેને સંબંધિત કોઈ વ્યક્તિ રાતોરાત અમીર બની જાય છે તો તે આને અમારા વિરુદ્ધ ગણાવીને યોગ્ય માને છે પરંતુ જો અમારા સમાજનો કોઈ વ્યક્તિ આગળ વધે તો તેને વાંધો પડે છે. એ પણ ત્યારે જ્યારે તે સતત અમારી સામે સરકારી મશીનરીનો દૂરુપયોગ કરી રહ્યા છે. બહુજન સમાજ પાર્ટી સરકારની આ કાર્યવાહીની નિંદા કરે છે.' તમને જણાવી દઈએ કે માયાવતીએ હાલમાં જ લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ પોતાના ભાઈ આનંદ કુમારને બસપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા હતા. આ નિયુક્તિ બાદ માયાવતી પર પરિવારવાદના પણ આરોપ લાગ્યા હતા.