દિલ્હીના સત્ય નિકેતન ઇલાકામાં નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી, કાટમાળમાં 5 મજુર દબાયા
રાજધાનીમાં સોમવારે એક મોટી દુર્ઘટના થઈ હતી, જ્યાં સત્ય નિકેતન વિસ્તારમાં એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં 5 મજૂરો ફસાયા હોવાની આશંકા છે. ઘટનાની માહિતી મળતાં જ ફાયરની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ સાથે નજીકની હોસ્પિટલોને પણ એલર્ટ પર રાખવામાં આવી છે, જેથી ઘાયલોને તાત્કાલિક સારવાર મળી શકે.
મળતી માહિતી મુજબ જ્યાં અકસ્માત થયો ત્યાં પીજી તૈયાર કરવામાં આવી રહ્યું હતું. જેના માટે છેલ્લા ઘણા મહિનાઓથી કામગીરી ચાલી રહી હતી. સોમવારે અચાનક જ નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી થઈ ગઈ હતી. જે બાદ તરત જ વહીવટીતંત્રને જાણ કરવામાં આવી હતી. મામલાની ગંભીરતાને જોતા NDRFને પણ બોલાવવામાં આવી હતી. અત્યારે કેટલા મજૂરો અંદર ફસાયા છે તેની ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ પ્રત્યક્ષદર્શીઓ દાવો કરી રહ્યા છે કે 5 લોકો દટાયા છે.
ઘટના અંગે દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર મુકેશ સુર્યને કહ્યું કે આ કોઈ વ્યક્તિનું ઘર હતું જે તેને રિપેર કરાવવા માંગે છે. અમે 31 માર્ચે નોટિસ ચોંટાડી હતી કે બિલ્ડિંગ ડેન્જર ઝોનમાં છે. અમે 14 એપ્રિલે પોલીસ, એસડીએમને પણ જાણ કરી હતી, પરંતુ કામ અટક્યું ન હતું. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. તેમની માહિતી મુજબ 2-3 લોકો અંદર ફસાયેલા છે.