
કલકત્તા હાઈકોર્ટે ભવાનીપુર પેટાચૂંટણી રોકવાનો ઈન્કાર કર્યો!
કોલકાતા, 28 સપ્ટેમ્બર : પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણીને લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે કલકત્તા હાઈકોર્ટે ભવાનીપુરની પેટા ચૂંટણી પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે. તમને જણાવી દઈએ કે ભવાનીપુરથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભાજપની પ્રિયંકા તિબ્રેવાલ વચ્ચે સીધી સ્પર્ધા છે. પશ્ચિમ બંગાળની ભવાનીપુર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીનો પ્રચાર સમાપ્ત થઈ ગયો છે, હવે 30 સપ્ટેમ્બરે મતદાન થવાનું છે.
ઉલ્લેખનીય છે કે ભવાનીપુર બેઠકની પેટાચૂંટણી સંદર્ભે કલકત્તા હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં ચૂંટણી પંચના એક નિર્ણયનો ઉલ્લેખ કરી કહેવામાં આવ્યું હતું કે, ભવાનીપુર મતવિસ્તારની પેટા ચૂંટણી યોજવાનો નિર્ણય પશ્ચિમ બંગાળ રાજ્યની વિશેષ વિનંતી અને બંધારણીય જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. અરજીમાં ચૂંટણી પંચના આ નિર્ણય સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને કોર્ટને આ મામલામાં હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી હતી. તે જ સમયે ચૂંટણી પંચે અરજી પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે અરજદાર બંધારણીય જરૂરિયાત શબ્દનો ખોટો અર્થ કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામથી હારી ગયેલા ટીએમસી પ્રમુખ અને સીએમ મમતા બેનર્જી માટે ભવાનીપુર જીતવું તેમની વિશ્વસનીયતાનો પ્રશ્ન બની ગયો છે. બીજી બાજુ, ભાજપે પણ ભવાનીપુર બેઠક પરથી પોતાના મજબૂત ઉમેદવાર પ્રિયંકા તિબ્રેવાલને મેદાનમાં ઉતાર્યા છે. તે મમતાને ઠક્કર આપી શકે છે. નંદીગ્રામમાં મમતા બેનર્જીને ભાજપના નેતા સુવેન્દુ અધિકારી તરફથી હારનો સામનો કરવો પડ્યો હતો. સુવેન્દુ અધિકારી અગાઉ TMC માં પણ મમતા માટે કામ કરી ચૂક્યા છે.