
RRSની તાલિબાન સાથે સરખામણી કરવા માટે જાવેદ અખ્તર સામે કેસ
મુંબઈ : બોલીવુડ ફિલ્મોના લેખક અને ગીતકાર જાવેદ અખ્તર તેમના એક નિવેદનના કારણે મુશ્કેલીમાં મૂકાયા છે. મુલુંડ પોલીસે ગીતકાર જાવેદ અખ્તર વિરુદ્ધ RSSની તાલિબાન સાથે સરખામણી કરવાના કથિત નિવેદન બદલ નોન-કોગ્નિઝેબલ ગુનો નોંધ્યો છે. આ ફરિયાદ વકીલ દ્વારા કરવામાં આવી હતી.
23 સપ્ટેમ્બરના રોજ મુંબઈ સ્થિત વકીલ દ્વારા ગીતકાર જાવેદ અખ્તર વિરુદ્ધ RSS વિરુદ્ધ "ખોટી અને બદનક્ષીજનક" ટિપ્પણી કરવા બદલ કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી. અન્ય એક વકીલે રૂપિયા 100 કરોડના નુકસાનની માંગણી સાથે ગુનાહિત માનહાનિ કરવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. મુંબઈ પોલીસે હવે આ મામલે કેસ નોંધ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વકીલ અને RSS કાર્યકર ધૃતિમાન જોશીએ જાવેદ અખ્તર સામે ફોજદારી બદનક્ષીની ફરિયાદ દાખલ કરીને કુર્લા મેજિસ્ટ્રેટ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. વકીલે પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, જાવેદ અખ્તરે દાવો કર્યો હતો કે, RSS એક કેન્સર બની ગયું છે, જે હાલ સમાજમાં ફેલાઈ ગયું છે.
ફરિયાદી વકીલે જણાવ્યું હતું કે, જાવેદ અખ્તરના નિવેદનો સુનિયોજિત અને સારી રીતે વિચારવામાં આવ્યા હતા, જે RSSને બદનામ કરવા અને RSSમાં જોડાયેલા અથવા પસંદગીના લોકોને નિરાશ કરવા, અપમાનિત કરવા અને ગેરમાર્ગે દોરવા માટે રચાયેલ છે. જોશીની અરજી પર 30 ઓક્ટોબરના રોજ કુર્લા મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી થશે.