CDS રાવતના હેલિકોપ્ટર દુર્ઘટનાનો તપાસ અહેવાલ રાજનાથ સિંહને સુપરત, ટીમે અકસ્માતનું આ કારણ જણાવ્યું!
નવી દિલ્હી, 5 જાન્યુઆરી : ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર દુર્ઘટનાની તપાસ કરી રહેલી ટીમે તેની તપાસ પૂર્ણ કરી છે. તપાસ ટીમે બુધવારે પોતાનો રિપોર્ટ રક્ષા મંત્રી રાજનાથ સિંહને સોંપ્યો છે. ગયા વર્ષે 8 ડિસેમ્બરના રોજ તમિલનાડુના કુન્નુરમાં એક Mi-17V5 હેલિકોપ્ટર ક્રેશ થતાં જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય સૈન્ય અધિકારીઓ સહિત 13 લોકો માર્યા ગયા હતા.
8 ડિસેમ્બરે બનેલી ઘટનાની તપાસ ત્રણેય દળોની સંયુક્ત સમિતિ દ્વારા કરવામાં આવી હતી. તપાસમાં દુર્ઘટનાનું કારણ શોધવામાં આવ્યું, ત્યારપછી આ રિપોર્ટ રાજનાથ સિંહને આપવામાં આવ્યો. રિપોર્ટમાં અકસ્માતના કારણ તેમજ VVEIPsની સુરક્ષાને લગતી કેટલીક ભલામણો પણ છે. જો કે, આ રિપોર્ટને લઈને હજુ સુધી સેના કે રક્ષા મંત્રાલય તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એર માર્શલ માનવેન્દ્ર સિંહની આગેવાની હેઠળની તપાસ સમિતિએ રક્ષા મંત્રીને પોતાના રિપોર્ટમાં ખરાબ હવામાનને દુર્ઘટના પાછળનું એક મુખ્ય કારણ ગણાવ્યું છે. તપાસ રિપોર્ટમાં કોઈ ટેકનિકલ ખામીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. રિપોર્ટ અનુસાર, વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણ રેલ્વે લાઇનને અનુસરીને હેલિકોપ્ટર ઉડાવી રહ્યા હતા. તેઓ જનરલ રાવતને વેલિંગ્ટનની ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજમાં લઈ જઈ રહ્યા હતા. તેમની સાથે છેલ્લી વાતચીત ક્રેશના 8 મિનિટ પહેલા રેકોર્ડ કરવામાં આવી હતી.