પ્રકાશ પર્વ અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 17 નવેમ્બરથી ખુલશે કરતારપુર કોરિડોર
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે 17 નવેમ્બરથી કરતારપુર કોરિડોર ખોલવાનો નિર્ણય લીધો છે. સરકાર શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વને ધ્યાનમાં રાખીને કરતારપુર કોરિડોર ખોલવા જઈ રહી છે. જેથી કરીને ભારતના શીખ શ્રદ્ધાળુઓ લાહોરના આ ઐતિહાસિક ગુરુદ્વારા દરબાર સાહિબની મુલાકાત લઈ શકે. ભારતના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારના રોજ ટ્વીટ કરીને કોરિડોર ખોલવાના નિર્ણયની માહિતી આપી હતી.
17 નવેમ્બરથી કરતારપુર સાહિબ કોરિડોરને ફરીથી ખોલવાનો નિર્ણય લીધો
મંગળવારની બપોરે એક ટ્વિટમાં અમિત શાહે લખ્યું કે, આજે એક મોટા નિર્ણયમાં, જેનાથી મોટી સંખ્યામાં શીખ શ્રદ્ધાળુઓને ફાયદો થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે આવતીકાલે એટલે કે, 17 નવેમ્બરથી કરતારપુર સાહિબ કોરિડોરને ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય શ્રી ગુરુ નાનક દેવજી અને આપણા શીખ સમુદાય પ્રત્યે મોદી સરકારની અપાર આદર દર્શાવે છે.
અમિત શાહે આગળ લખ્યું કે, દેશ 19 નવેમ્બરના રોજ શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ ઉત્સવની ઉજવણી કરવા માટે તૈયાર છે અને મને ખાતરી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતારપુર સાહિબ કોરિડોરને ફરીથી ખોલવાના સરકારના નિર્ણયથી દેશમાં ખુશી અને ઉત્સાહ આવશે તેવી આશા છે.
પંજાબના નેતાઓ કરી રહ્યા હતા સતત માંગ
ગયા અઠવાડિયે પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મહિને ગુરુ નાનક દેવજીના પવિત્ર પ્રકાશ પર્વ પહેલાં કોરિડોર ફરીથી ખોલવા માટે અપીલ કરી હતી. પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે પણ આ અંગે મોદીને વિનંતી કરી હતી. આ સાથે પંજાબ ભાજપના નેતાઓની એક ટીમે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળીને આ માંગ ઉઠાવી હતી. કોવિડ રોગચાળાને કારણે આ કોરિડોર લાંબા સમયથી બંધ છે. જેના કારણે ભારતના શ્રદ્ધાળુઓ પાકિસ્તાનના પવિત્ર ગુરુદ્વારા દરબાર સાહિબમાં શ્રદ્ધાંજલિ આપવા માટે જઈ શકતા નથી.
બે વર્ષ બાદ ફરી શરૂ થયો કોરિડોર
કરતારપુર કોરિડોર શરૂ થયાને બે વર્ષ થઈ ગયા છે. વર્ષ 2019માં તે 9મી નવેમ્બરના રોજ શરૂ થયો હતો. 4.7 કિમી લાંબા કોરિડોરનું ઉદ્ઘાટન 9 નવેમ્બર, 2019ના રોજ ગુરુ નાનક દેવજીના 550મા પ્રકાશ પર્વ (જયંતી) પ્રસંગે કરવામાં આવ્યું હતું. જેના કારણે ભારતમાંથી શીખ શ્રદ્ધાળુઓ લાહોરમાં સ્થિત આ ગુરુદ્વારા પહોંચે છે. શીખો માટે, તે ખૂબ જ પવિત્ર અને ઉચ્ચ દરજ્જો ધરાવે છે.