ચંદ્રબાબુ નાયડુ અને વિપક્ષી દળના ઘણા નેતા આજે કરશે મુલાકાત
લોકસભા ચૂંટણી સંપન્ન થયા બાદ જે રીતે એક્ઝીટ પોલના પરિણામો સામે આવ્યા છે તે બાદ વિપક્ષી દળોમાં હલચલ મચી ગઈ છે. તમામ વિપક્ષી દળોના નેતા સતત એકબીજાને મળી રહ્યા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ આજે તમામ વિપક્ષી દળના નેતાઓ સાથે મુલાકાત કરશે. નાયડુ આજે દિલ્લીમાં વિપક્ષી દળના નેતાઓ સાથે મુલાકાત કરશે. વાસ્તવમાં નાયડુ વિપક્ષી દળના નેતાઓને એક કરી રહ્યા છે જેથી ઈવીએમ મશીનમાં કોઈ પણ પ્રકારની ગરબડ માટે ચૂંટણી કમિશનને પોતાનો વાંધો વ્યક્ત કરી શકે.
આ પહેલા ચંદ્રબાબુ નાયડુએ સોમવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)ના અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતી, સપા પ્રમુખ અખિલેશ યાદવ સહિત ઘણા વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તે આજે વિપક્ષી દળના નેતાઓ સાથે બપોરે ત્રણ વાગે ચૂંટણી કમિશનની મુલાકાત કરશે.
વળી, બીજી તરફ અમિત શાહે આજે એનડીએના સહયોગીઓને ડિનર પર બોલાવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આમાં શામેલ થઈ શકે છે. આ બેઠક ભાજપ કાર્યાલયમાં બોલાવવામાં આવી છે. સાથે કેન્દ્રીય મંત્રીઓની પણ મીટિંગ બોલાવવામાં આવી છે. જનતા દળ યુનાઈટેડના અધ્યક્ષ નીતિશ કુમાર, શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, લોજપ પ્રમુખ રામ વિલાસ પાસવાન, તમિલનાડુના સીએમ કે પલાની સ્વામી અને બીજા મહત્વના સહયોગીઓ આ બેઠકમાં ભાગ લઈ શકે છે.
તમને જણાવી દઈએ કે દેશમાં 17મી લોકસભા માટે થયેલ સામાન્ય ચૂંટણીમાં સાત તબક્કામાં મતદાન થયુ છે. પહેલા તબક્કામાં 11 એપ્રિલે 20 રાજ્યોની 91 સીટો પર મતદાન થયુ, બીજા તબક્કામાં 18 એપ્રિલે 13 રાજ્યોની 97 સીટો પર, ત્રીજા તબક્કામાં 23 એપ્રિલે 14 રાજ્યોની 115 સીટો પર, ચોથા તબક્કામાં 29 એપ્રિલે 9 રાજ્યોની 71 સીટો પર, પાંચમાં તબક્કામાં 6 મેના રોજ 7 રાજ્યોની 51 સીટો પર, છઠ્ઠા તબક્કામાં 12મેએ 7 રાજ્યોની 59 સીટો પર મતદાન થઈ ચૂક્યુ છે. વળી, સાતમાં અને અંતિમ તબક્કામાં 19મેએ 59 સીટો પર મતદાન થયુ. પરિણામો 23મેએ જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ભાજપ ઈચ્છે તો અમે ફરીથી બહુમત સાબિત કરવા માટે તૈયારઃ કમલનાથ