Train accident : છત્તીસગઢના બિલાસપુર પાસે પેસેન્જર ટ્રેન માલગાડી સાથે ટકરાઈ, મોટી જાનહાનિની આશંકા
છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં મંગળવાર 4 નવેમ્બર 2025 ના રોજ સાંજે 5:36 વાગ્યે એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં મુસાફરો ભરેલી એક ટ્રેન અને માલગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટનામાં 10 મુસાફરોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ કરુણ ઘટના જયરામનગર સ્ટેશન નજીક લાલખદાન વિસ્તારમાં બની. ગેવરા રોડથી બિલાસપુર જઈ રહેલી મેમુ લોકલ ટ્રેન (નંબર 68733) સાંજે લગભગ 4 વાગ્યે ગાટોરા અને બિલાસપુર વચ્ચે અપલાઈન પર એક માલગાડી સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કોરબા પેસેન્જર ટ્રેનનો પહેલો ડબ્બો માલગાડી ઉપર ચઢી ગયો.

ઘટનાની જાણ થતાં જ રેલવે પ્રશાસન અને સ્થાનિક અધિકારીઓએ તાત્કાલિક બચાવ અને તબીબી ટીમોને ઘટનાસ્થળે રવાના કરી છે. આ અકસ્માતમાં કોરબા પેસેન્જર ટ્રેનનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિલા આરક્ષિત ડબ્બામાંથી મહિલાઓને બહાર કાઢવામાં આવી રહી છે.
ઘટના સ્થળના વીડિયોમાં ઘણા લોકો દુર્ઘટના સ્થળ પાસે એકઠા થયેલા દેખાયા, જ્યારે અધિકારીઓ બચાવ કામગીરી ચલાવી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલ મુસાફરોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના જનરલ મેનેજર તરુણ પ્રકાશ અને બિલાસપુર ડિવિઝનલ રેલવે મેનેજર રાજમલ ખોઈવાલ સ્થિતિનો તાગ મેળવવા અને બચાવ કાર્યની દેખરેખ રાખવા ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
રેલવેની તબીબી ટીમોને તરત જ તૈનાત કરવામાં આવી છે અને ઘાયલોને પ્રાથમિક સારવાર આપી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. રેલવેએ આ દુર્ઘટનાથી પ્રભાવિત લોકોની મદદ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે. આ નંબરો જનતાની મદદ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
ચંપા જંકશન માટે હેલ્પલાઈન નંબર 808595652 છે, જ્યારે રાયગઢ માટે 975248560 પર સંપર્ક કરી શકાશે. પેંડ્રા રોડ માટે 8294730162 નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઘટનાસ્થળે તાત્કાલિક સહાય માટે પણ હેલ્પલાઈન નંબર ઉપલબ્ધ છે, જેમાં 9752485499 અને 8602007202 નો સમાવેશ થાય છે. આ નંબરો મુસાફરો અને તેમના પરિવારજનોને સહાય પૂરી પાડવાના હેતુથી જાહેર કરવામાં આવ્યા છે.
છત્તીસગઢમાં થયેલી આ ટ્રેન દુર્ઘટનાને કારણે ઓવરહેડ વાયરિંગ અને સિગ્નલિંગ સિસ્ટમને ઘણું નુકસાન પહોંચ્યું છે. તકનીકી ટીમો સમારકામ અને ટ્રેક સાફ કરવાનું કામ ઝડપથી કરી રહી છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવેએ વૈકલ્પિક પરિવહનની વ્યવસ્થા પણ કરી છે.












Click it and Unblock the Notifications
