ચીને ઘૂસણખોરીનું કોઇ કારણ નથી આપ્યું : સલમાન ખુર્શીદ
સલમાન ખુર્શીદ અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યી વચ્ચે થયેલી બેઠકમાં ઘૂસણખોરીને કારણે ત્રણ સપ્તાહ સુધી ચાલેલા તણાવનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. મુલાકાત દરમિયાન બંને પક્ષોએ આ મુદ્દે સમાધાન પર સંતોષ વ્યક્ત કર્યો હતો. બંને દેશો વચ્ચે આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઇ હતી. ચર્ચામાં ચીનની સેના ભારતના દોલતબેગ વિસ્તાર સુધી 19 કિલોમીટર અંદર કેવી રીતે ઘૂસી આવી તે મુખ્ય પ્રશ્ન હતો.
ચીનની સેનાએ ઘૂસણખોરી શા માટે કરી હતી તે મુદ્દે કોઇ સ્પષ્ટતા થઇ શકી છે તેમ પૂછવામાં આવતા ખુર્શીદે જણાવ્યું કે "સ્પષ્ટ કહૂં તો મેં આ ઇચ્છ્યું પણ ન હતું. અમે અમારા વિશ્લેષણ સાથે તૈયાર નથી. જે રીતે આપણે જવાબ આપ્યો તે આપણી સમક્ષ સ્પષ્ટ છે. એ સ્પષ્ટ નથી કે આવું શા માટે થયું. તે લોકો આ પૃષ્ઠભૂમિને રજૂ કરી રહ્યા ન હતા અને અમે એ અંગે કોઇ પૂછપરછ કરી નથી."
ખુર્શીદે જણાવ્યું કે સૌથી મહત્વની બાબત એ છે કે બંને પક્ષે સંતોષજનક રીતે તેનું સમાધાન લાવવામાં આવ્યું છે. આ સાથે ભવિષ્યમાં આવું ના બને તે માટે અને બને તો તેનું સમાધાન કેવી રીતે લાવવામાં આવે તે અંગે આપણને બોધ મળ્યો છે. આપ કોઇ દેશને એમ ના કહી શકો તે તેમણે આપણને ઉશ્કેર્યા. આ અંતરિયાળ વિસ્તારમાં થયું છે. સરકારને સંદેશ આપવા માટે તેને લાંબુ ખેંચવામાં આવ્યું છે. તેના વિશ્લેષણમાં થોડો સમય જશે.
વિદેશ પ્રધાને એમ પણ જણાવ્યું કે અત્યારે યોગ્ય સમય નથી કે તેમની અને આપણી વચ્ચે જવાબદારી વહેંચવામાં આવે. ખુર્શીદે જણાવ્યું કે નિશ્ચિત રીતે આ ઘટનાએ આવી તમામ બાબતોને પ્રભાવિત કરી છે. આ એક ઝાટકો જ છે. આપણે તેને યોગ્ય રીતે ઉકેલી શક્યા તેનો આનંદ છે.