પીએમ મોદી બાયોપિક રીલીઝ અંગે કોંગ્રેસ ચૂંટણી પંચ પહોંચી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન વિશે બની રહેલી ફિલ્મને લઈને એક પછી એક વિવાદ આવી રહ્યો છે. હવે કોંગ્રેસે આ ફિલ્મની રિલીઝની તારીખ પર વિરોધ કર્યો છે. તેને લઈને કોંગ્રેસ પક્ષ ચૂંટણી પંચમાં પહોંચી ગયું છે. કોંગ્રેસના નેતાઓ આગામી પાંચમી એપ્રિલે રિલીઝ થવાની આ ફિલ્મને લઈને ચૂંટણી પંચના અધિકારીઓને મળ્યા હતા. આ ફિલ્મમાં, પીએમ મોદીની ભૂમિકા અભિનેતા વિવેક ઓબરોય ભજવી રહ્યા છે.
કોંગ્રેસ પાર્ટી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ચૂંટણીની તારીખોની જાહેરાત પછી આ ફિલ્મનું પ્રદર્શન એ આચાર સંહિતાનું સીધું ઉલ્લંઘન છે. સોમવારે કોંગ્રેસના ત્રણ સભ્યોની ટીમએ ચૂંટણી પંચની મુલાકાત લીધી છે. ત્રણ સભ્યોની ટીમમાં કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલા, કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીનો સમાવેશ થાય છે. અગાઉ, મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ જણાવ્યું હતું કે આ ફિલ્મનું પ્રદર્શન આચાર સંહિતાનું ઉલ્લંઘન છે અને કહ્યું હતું કે તેને રાજ્યમાં રિલીઝ થવા દેશે નહીં.
કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે ચૂંટણી પંચને ફરિયાદ કરી બહાર આવ્યા પછી તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી પર એક ફિલ્મ બની રહી છે, જેની અમે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મ ચૂંટણી પહેલાના થોડા દિવસો લોન્ચ કરવામાં આવશે. તેનો હેતુ રાજનીતિક છે. ફિલ્મના 3 નિર્માતા અને અભિનેતા બીજેપીના છે, ડિરેક્ટર વાયબ્રન્ટ ગુજરાતમાં છે. તે તમામ માનદંડોનું ઉલ્લંઘન છે.
બીજી તરફ કોંગ્રેસના કર્ણાટક એકમએ ચૂંટણી પંચને જણાવ્યું હતું કે ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' ને 5 એપ્રિલે સિનેમામાં પ્રદર્શિત થતાં પહેલાં એક વાર તેને જોવો, અને તપાસ કરો કે તેમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન થાય છે કે નથી થતું . ઉમંગ કુમાર દ્વારા દિગ્દર્શિત 'પીએમ નરેન્દ્ર મોદી' માં અભિનેતા વિવેક ઓબરોય મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ 5 એપ્રિલે રિલીઝ થશે. બોમન ઈરાની, મનોજ જોશી, ઝરિના વહાબ અને પ્રશાંત નારાયણન પણ આ ફિલ્મમાં મહત્ત્વના પાત્ર ભજવી રહ્યા છે.