
Rajya Sabaha Election: કોંગ્રેસના આ દિગ્ગજોને ભારે પડ્યુ 'બળવાખોર વલણ', રાહુલ-પ્રિયંકાના નજીકનાઓને જગ્યા
નવી દિલ્લીઃ કોંગ્રેસે આગામી રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં ઘણા દિગ્ગજ કોંગ્રેસી નેતાઓના નામ શામેલ છે ત્યારબાદ પાર્ટીની અંદર આને લઈને અવાજ ઉઠવા લાગ્યા છે. પાર્ટીએ પોતાના બે વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ અને આનંદ શર્માને ટીકિટ આપી નથી જેને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. મહત્વની વાત એ છે કે બંને નેતા જી-23ના સભ્ય હતા. જી-23 એ જ ગ્રુપ છે જેણે કોંગ્રેસ પાર્ટીની અંદર નેતૃતેવ પરિવર્તનની વાત કહી હતી. જો કે, પાર્ટીએ ગુલામ નબી આઝાદ અને આનંદ શર્માને ટિકિટ આપી નથી પરંતુ જી-23ના બે અન્ય સભ્ય મુકુલ વાસનિક અને વિવેક તનખાને પાર્ટીએ ટિકિટ આપી છે.
10 સભ્યોના નામ જાહેર
કોંગ્રેસ પાર્ટીએ રાજ્યસભા માટે 10 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં પાર્ટીએ રાજસ્થાન, છત્તીસગઢના ક્વોટામાંથી ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. બંને રાજ્યોમાં કોંગ્રેસનુ શાસન છે. મહત્વની વાત એ છે કે રાજસ્થાન અને છત્તીસગઢમાંથી રાજ્યસભા માટે જે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે તે તમામ બહારના છે. કોંગ્રેસ પક્ષમાં આંતરિક સુધારા અને સર્વગ્રાહી નેતૃત્વની હિમાયત કરનારા આનંદ શર્મા અને ગુલામ નબી આઝાદ બંનેની પક્ષ દ્વારા અવગણના કરવામાં આવી છે. પરંતુ પાર્ટીએ મુકુલ વાસનિકને રાજસ્થાન અને વિવેક તનખાને મધ્યપ્રદેશથી રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીએ રાજીવ શુક્લા, રણજીત રંજન, અજય માકન, જયરામ રમેશ, વિવેક તનખા, ઈમરાન પ્રતાપગઢી, રણદીપ સિંહ સુરજેવાલા, મુકુલ વાસનિક, પ્રમોદ તિવારી, પી ચિદમ્બરમને રાજ્યસભાની ટિકિટ આપી છે.
આનંદ શર્મા, ગુલામ નબી આઝાદ માર્ગદર્શન મંડળમાં
આનંદ શર્મા અને ગુલામ નબી આઝાદને રાજ્યસભાની ટિકિટ આપવામાં આવી નથી પરંતુ બંનેને રાજકીય સલાહકાર જૂથના સભ્ય બનાવવામાં આવ્યા છે. જે સોનિયા ગાંધીને સમયાંતરે સૂચનો આપતા રહેશે. નોંધનીય છે કે પાર્ટીના સૌથી તેજ તર્રાર નેતા કપિલ સિબ્બલે તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતુ અને તેમણે અપક્ષ તરીકે રાજ્યસભાના સભ્યપદ માટે ઉમેદવારી નોંધાવી હતી. તેમને સમાજવાદી પાર્ટીનુ સમર્થન છે.
જયરામ રમેશ, પી ચિદમ્બરમને મળી ટિકિટ
પાર્ટીએ તમિલનાડુમાંથી પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ અને કર્ણાટકથી જયરામ રમેશને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા ચિદમ્બરમ મહારાષ્ટ્રમાંથી રાજ્યસભામાં ગયા હતા. પાર્ટીએ જે નેતાઓને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે તેમાંથી મોટાભાગના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નજીકના છે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાને પણ રાજસ્થાનથી અને અજય માકનને હરિયાણાથી રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બંને નેતાઓ રાહુલ ગાંધી સાથે નજીકના સંબંધ માટે જાણીતા છે.
યુપીના 3 નેતા રાજ્યસભામાં જશે
ઉત્તર પ્રદેશના પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રાજીવ શુક્લા, ઈમરાન પ્રતાપગઢી, પ્રમોદ તિવારી પણ રાહુલ ગાંધીની નજીક છે અને પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. રાજીવ શુક્લાને છત્તીસગઢથી, ઈમરાન પ્રતાપગઢીને મહારાષ્ટ્રથી અને પ્રમોદ તિવારીને રાજસ્થાનથી રાજ્યસભામાં મોકલવામાં આવશે. તમને જણાવી દઈએ કે પ્રમોદ તિવારીની પુત્રી આરાધના મિશ્રા ઉત્તર પ્રદેશથી કોંગ્રેસના ધારાસભ્ય છે. પૂર્વ લોકસભા સભ્ય રંજીત રંજનને પાર્ટીએ બીજી વખત છત્તીસગઢથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે.