For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બે મોઢે બોલતી કોંગ્રેસ : ગુજરાતમાં ખેડૂત મિત્રને રાજસ્થાનમાં ખાતર કૌભાંડ

એક તરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ખેડૂતોના કલ્યાણની વાતો કરી રહ્યાં છે, ત્યારે બીજી બાજુ અશોક ગેહલોતના ભાઇ અગ્રસેન ગેહલોતનું નામ રાજસ્થાનના ખાતર કૌભાંડમાં બહાર આવ્યું છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ઘંટનાદ સંભળાઇ રહ્યો છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વારે તહેવારે ગુજરાતની મુલાકાત કરી રહ્યા છે. અને પીએમ નરેન્દ્ર મોદી અને રૂપાણીની સરકારમાં ગુજરાતમાં ખેડૂતો દુખી છે તેવા આક્ષેપ કરી રહ્યા છે. સાથે જ કોંગ્રેસ વિકાસની પણ મજાક ઉડાવી રહ્યું છે. પણ તે વાત પણ એટલી જ સાચી છે કે કોંગ્રેસ હજી પણ તેમની કૌભાંડી ઇમેજ માંથી બહાર નથી આવ્યું. ગુજરાતમાં જે રાહુલ ગાંધી પોતાને ખેડૂતોના મસીહા તરીકે રજૂ કરી રહ્યાં છે ત્યાં જ બીજી બાજુ રાજસ્થાનના એક ખાતર કૌભાંડમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભાઇ અગ્રસેન ગેહલોતનું નામ ચર્ચામાં છે. નોંધનીય છે, કોંગ્રેસે અશોક ગેહલોતને ગુજરાતના ચૂંટણી પ્રભારી બનાવ્યા છે. ત્યારે શું છે આ ખાતર કૌભાંડ તે વિષે વિગતવાર જાણો અહીં...

Ashok Gehlot Brother

સરકારની છૂટનો દૂરઉપયોગ

વર્ષ 2007થી 2009 દરમિયાન થયેલ ખાતરના આ ભ્રષ્ટાચારી કૌભાંડમાં અશોક ગેહલોતના ભાઇ અગ્રસેન ગેહલોતની સંડોવણીની વાત સામે આવી છે. ખાતરમાં બનાવવા માટે ઉપયોગમાં લેવાતા નિર્ણાયક ઘટકના તેમણે ખેડૂતોને આપવાને બદલે બહારથી જ વેચી દેવાનો મામલો સામે આવ્યો છે, જેને કારણે ખેડૂતો તકલીફમાં મુકાયા હતા. ઓપીઆઇ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, ખેડૂતોના લાભાર્થે સરકાર તરફથી આપવામાં આવેલ છૂટનો ઉપયોગ વ્યક્તિગત અને પ્રાઇવેટ કંપનીના લાભ માટે થયો હોવાનો આરોપ છે.

શું છે આરોપ?
ઉપલબ્ધ દસ્તાવેજોને આધારે, રાજસ્થાનમાં અશોક ગેહલોત અને કેન્દ્ર ડૉ.મનમોહન સિંહની આગેવાની હેઠળ કોંગ્રેસની સરકાર હતી એ સમયગાળામાં જ આ કૌભાંડ થયું હતું. અગ્રસેન ગેહલોત પર આરોપ છે કે, તેમણે વર્ષ 2007થી 2009 દરમિયાન મોટા પાયે એમઓપી(Muriate of Potash)ની નિકાસ ઔદ્યોગિક મીઠું કે ફેલ્ડસ્પર પાવડરના નામે કરી હતી, આ ઉપરાંત શિપિંગ બિલમાં તેની કિંમત પણ ખોટી આંકી હતી. આને પરિણામે ખેડૂતોના ખાતર માટેનું નિર્ણાયક ઘટક ખેડૂતોની જગ્યાએ બીજાના હાથમાં પહોંચ્યું હતું.

ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુના અમદાવાદ ખાતેના ઝોનલ એકમની શોધ અનુસાર, એમઓપી નિકાસ માટે પ્રતિબંધિત વર્ગમાં આવે છે. આથી એક કંપની ફેલ્ડસ્પર પાવડર કે ઔદ્યોગિક મીઠાના નામે મલેશિયા અને તાઇવાનના ખરીરદારોને એમઓપીની નિકાસ કરતી હતી. પોટેશિયમ ક્લોરાઇડ તરીકે ઓળખાતું એમઓપી એક ભૂમિ પોષક છે, જેનો ઉપયોગ નોન-યુરિયા ખાતરના ઉત્પાદનમાં થાય છે. ભારતમાં ઓમઓપીના કોઇ પ્રત્યક્ષ સ્ત્રોત ઉપલબ્ધ નથી. ભારતમાં ઓમઓપીનું ઉત્પાદન નથી થતું માટે માંગ મુજબ તેની આયાત કરવામાં આવે છે અને સરકાર આ આયાત પર સબસીડી પૂરી પાડે છે. ઇન્ડિયન પોટાશ લિમિટેડ(IPL) કંપની મોટા જથ્થામાં એમઓપીની આયાત કરે છે. મોટેભાગે એમઓપીની માંગ વધું હોય છે. આ ભૂમિ પોષક ખેડૂતોના ઉપયોગ માટે આયાત થાય છે અને આથી તેની નિકાસ વખતે, ખાતર વિભાગની પૂર્વ પરવાનગી અને કસ્ટમ ડ્યૂટીની પરવાનગી જેવી કાયદાકીય પ્રક્રિયા હાથ લેવામાં આવે છે.

fertilizer scam

એમઓપીની આયાત પર છૂટ અને સબસીડિ એટલા માટે આપવામાં આવે છે કે જેથી ખેડૂતોને ખાતર ઓછી કિંમતે મળી રહે. આઇપીએલ કંપનીના ડીલર્સ માત્ર ખેડૂતોને એમઓપી વેચી શકે છે. કાયદાકીય રીતે ખેડૂતો જ તેનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તેની જગ્યાએ એવી કેટલીક કંપનીઓ સામે આવી છે જે એમઓપીની નિકાસ વિદેશી ગ્રાહકો માટે કરતી હતી અને તેમાંથી નફો બનાવતી હતી. આ મામલે કંડલાના કસ્ટમ કમિશ્નરની તપાસ બાદ સામે આવ્યું છે કે, આ કામગીરી સાથે જોડાયેલ કંપનીઓ અને લોકો જાણી જોઇને આ કામ કરી રહ્યાં હતા. જેને કારણે ખેડૂતો અને સરકારી તિજોરીને કરોડોનું નુકસાન થયું છે.

કસ્ટમ કમિશ્નરના જે ઓર્ડર છે, તે અનુસાર કંપની અને તેના સહયોગીઓ દ્વારા આ બનાવટ માટે ખાસ મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી હતી. ઓર્ડરમાં સ્પષ્ટપણે ટાંકવામાં આવ્યું છે કે, સિન્ડીકેટને નિશ્ચિતપણે ખબર હતી કે તેઓ શું કરી રહ્યાં છે. તેમણે એ પણ જાણકારી હતી કે, એમઓપી ખેડૂતોને વેચવામાં નથી આવતું અને આમ છતાં ખરીદ-વેચાણના દસ્તાવેજોમાં છેડછાડ કરી ખરીદદાર તરીકે ખેડૂતોનું નામ ટાંકવામાં આવ્યું છે, જ્યારે ખરી રીતે જોતાં એમઓપી ખેડૂતોને કદી વેચવામાં જ નહોતું આવ્યું.

કસ્ટમ કમિશ્નરે દિનેશચંદ્ર અગ્રવાલ નામના એક વ્યક્તિનું નિવેદન નોંધ્યુ છે, જેણે નિયમો વિરુદ્ધ એમઓપીની નિકાસ કરતી કંપની અંગે જાણકારી મેળવી હતી. દિનેશચંદ્ર અગ્રવાલે પોતાના નિવેદનમાં સ્વીકાર્યું છે કે, તેની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તે આ સમગ્ર કામગીરીમાં સંડોવાયો હતો. દર મહિને કંપની ખોલવા માટે તથા ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ મેળવવા માટે તેને માસિક વળતર આપવામાં આવતું હતું. તેણે એ પણ સ્વીકાર્યું છે કે, સિંડિકેટ ફેલ્ડસ્પર પાવડર અને મીઠાની ખરીદીના નકલી બિલ પણ બતાવતા હતા, જેનો ઉપયોગ ફેલ્ડસ્પર પાવડર કે મીઠાના નામે એમઓપીની નિકાસમાં થતો હતો. કોઇ પણ જાતના ખરીદ-વેચાણ વિના બનાવવામાં આવેલ આવા નકલી બિલો પણ કમિશન પાસે છે. સિંડિકેટ આઇપીએલ કંપનીનું મૂળ પેકિંગ બદલી તેને ફેલ્ડસ્પર પાવડર કે મીઠા તરીકે પેક કરતા હતા અને તેની નિકાસ કરતા હતા.

Ashok Gehlot

અગ્રસેન ગેહલોતની ભૂમિકા

એમઓપીની ખરીદી અને નિકાસની આ સમગ્ર સાંકળમાં અગ્રસેન ગેહલોતની મુખ્ય ભૂમિકા હતી. એમઓપી મેળવી આપવાનું કામ અગ્રસેન ગેહલોતનું હતું. કસ્ટમ કમિશ્નરના ઓર્ડરમાં આ વાત પણ હાઇલાઇટ કરવામાં આવી છે, જેના કેટલાક મુદ્દાઓ નીચે મુજબ છે.

  • આપીએલના ડીલર અગ્રસેન ગેહલોતને ખેડૂતોને વેચવા માટે એમઓપી આપવામાં આવતું હતું, પરંતુ તેઓ ખેડૂતોની જગ્યાએ નિકાસ કરતા વ્યક્તિઓને તે વેચતા હતા.
  • અગ્રસેન ગેહલોતને તમામ ચૂકવણી રોકડમાં કરવામાં આવતી હતી, જેની ચોપડામાં કોઇ વ્યવસ્થિત નોંધ નથી.
  • આ સમગ્ર કામગીરી કે સિંડીકેટમાં મધ્યસ્થી કે મિડલમેન તરીકે અગ્રસેન ગેહલોત કામ કરતા હતા.

અગ્રસેન ગેહલોત સબસીડિ હેઠળ આયાત કરવામાં આવતા એમઓપીના સંરક્ષક હતા અને તેમને જાણ હતી કે ખેડૂતો સિવાય અન્ય કોઇને એમઓપી વેચવું એ ગુનો છે. આમ છતાં, તેમણે પોતાની કંપનીના દસ્તાવેજો સાથે છેડછાડ કરી, એવું બતાવવા માટે કે એમઓપી ખેડૂતોને વેચવામાં આવ્યું છે. જ્યારે હકીકતમાં એ એમઓપીની નિકાસ કરવામાં આવતી હતી.

અગ્રસેન ગેહલોતનું શું કહેવું છે?

જો કે અગ્રસેન ગેહલોતે આ તમામ આરોપો નકાર્યા છે અને તેમનું નિવેદન પણ કસ્ટમ કમિશ્નર દ્વારા નોંધવામાં આવ્યો છે. અગ્રસેન ગેહલોતનું કહેવું છે કે, આ સમગ્ર કામગીરીમાં મધ્યસ્થી તરીકે કામ કરતો વ્યક્તિ તેમની પાસેથી ખેડૂતોના નામે એમઓપી ખરીદતો હતો અને તેમને એ વાતની જાણકારી જ નહોતી કે એમઓપીની નિકાસ કરવામાં આવી રહી છે. વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે, તેમણે આ મધ્યસ્થીને સામેથી એમઓપી વેચ્યુ નથી, તેમણે એ મધ્યસ્થી પર આરોપ મુક્યો હતો કે, તે આઇપીએલના બફર ગોડાઉનમાંથી એમઓપી લઇ જતો હોય એવી શક્યતા છે. જો કે નોંધનીય છે કે આ ગોડાઉનની જવાબદારી અગ્રસેન ગેહલોતની હતી.

કમિશ્નરના ઓર્ડરમાં ટાંકવામાં આવ્યું છે કે, અગ્રસેન ગેહલોત બે અલગ-અલગ નિવેદન આપી રહ્યાં છે. સાથે જ તેમાં લખવામાં આવ્યું છે કે તેમને તથ્યોને દબાવી તપાસને ખોટી દિશામાં દોરવાની આદત છે. અગ્રસેન ગેહલોત જાણી જોઇને એમઓપીના માર્ગાંતરની પ્રક્રિયામાં બીજાને પણ સાથે જોડ્યા હતા અને કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઓર્ડરમાં એવું પણ ટાંકવામાં આવ્યું છે કે, અગ્રસેન ગેહલોતે સ્વીકાર્યું હતું કે, તેમને તેમના ભાગનું કમિશન મળતું હતું.

કસ્ટમ કમિશ્નરનો આ ઓર્ડર 1962ના કસ્ટમ એક્ટ પર આધારિત છે અને તેમાં વિવિધ કંપનીઓ પર સેક્શન 114.1 (અયોગ્ય નિકાસ બદલ) તથા સેક્શન 114AA (ખોટા અને અયોગ્ય મટિરિયલના ઉપયોગ બદલ) હેઠળ પેનલ્ટી લાદવામાં આવી છે. વિવિધ કંપનીઓ પર લાદવામાં આવેલ પેનલ્ટીમાં અગ્રસેન ગેહલોતની કંપની અનુપમ કૃષિ પર 5.45 કરોડની પેનલ્ટી લાદવામાં આવી છે. અન્ય કંપનીઓને પણ આ જ રકમની આસપાસનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આની સામે પાર્ટીએ અમદાવાદ ખાતેની કસ્ટમ, એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ એપલેટ ટ્રિબ્યુનલની વેસ્ટ ઝોનલ બેંચ પાસે જતાં કમિશ્નરના ઓર્ડર સામે સ્ટે ઓર્ડર લાવવાની માંગણી કરી હતી. ખાસ કરીને પેનલ્ટી તરીકે ફટકારવામાં આવેલ રકમની પ્રિ-ડિપોઝિટમાં છૂટ માંગવામાં આવી હતી. પ્રિ-ડિપોઝિટ રકમમાં સંપૂર્ણ છૂટ આપવાના ઇનકાર સાથે આ રકમમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયા ઓગસ્ટ 2014માં થઇ હતી અને હજુ પણ ટ્રિબ્યુનલ પાસે આ મામલો પેન્ડિંગ છે.

એક તરફ અગ્રસેન ગેહલોત સહિતના અન્યોએ કસ્ટમ કમિશ્નરની પેનલ્ટિ સામે પડકાર ફેંક્યો છો, તો બીજી બાજુ મામલાની ગંભીરતના જોતાં સેક્શન 132 (નકલી દસ્તાવેજો માટે જેલ) કે સેક્શન 135(ફરજ તથા પ્રતિબંધના ઉલ્લંઘન બદલ જેલ) હેઠળ પણ અરજી થઇ શકે છે. આ સિવાય આ મામલે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 પણ લગાવી શક્યો હોત, જે હેઠળ વધુ કડક સજા થઇ શકે છે. આ મામલે વધુ ગંભીર કાર્યવાહી ન કરવા પાછળ કે વધુ કડક સેક્શન ન લગાવવા પાછળના શું કારણો હોઇ શકે છે તે વાંચનાર જાતે જ વિચારી શકે છે.

જો કે આ મામલે અગ્રસેન ગેહલોતને પૂછતા તેમણે સ્વીકાર્યું હતું કે આ મામલો હજું પેન્ડિંગ છે. સાથે જ તેમણે તમામ આરોપો નકાર્યા હતા અને દાવો કર્યો હતો કે, તેમની કંપની દ્વારા કરવામાં આવતું રિટેઇલ વેચાણ, એ તેમના સંપૂર્ણ વેપારનો નાનકડો ભાગ છે, જેના માટે તેમની પર ખોટા આરોપો મુકવામાં આવી રહ્યાં છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ અશોક ગેહલોતના ભાઇ હોવાને કારણે તેમને આ મામલે ખેંચવામાં આવી રહ્યાં છે અને તપાસ પણ રાજકીય રીતે પ્રેરિત છે.

જો કે, આ પહેલીવાર નથી જ્યારે અશોક ગેહલોત સ્પોટલાઇટમાં હોય. આ પહેલાં પણ અશોક ગેહલોત પર જૂથવાદ તથા અશોક ગેહલોત સહિતના તેમના પરિવારજનોના લાભાર્થે કામ કરતા હોવાનો આરોપ લાગી ચૂક્યો છે. માર્ચ, 2013ના મીડિયાના અહેવાલો અનુસાર, અશોક ગેહલોતે સ્વીકાર્યું હતું કે, જોધપુર નજીકની સેન્ડસ્ટોન ખાણો જેમને આપવામાં આવી છે તેના લાભાર્થીઓમાં અગ્રસેન ગેહલોતનું પણ નામ છે. એવો પણ આરોપ હતો કે, ખાણોની વહેંચણીના માપદંડો મુખ્યમંત્રીના સગાવ્હાલાના લાભાર્થે બદલવામાં આવ્યા હતા.

rahul gandhi

ખેતીમાં રાજકારણ

દેશના વિવિધ વિભાગોમાં જ્યાં કોંગ્રેસ ખેડૂતોની સમસ્યાઓ સામે લાવી રહી હોવાની વાત કરે છે ત્યાં જ પક્ષના જ લોકો પર મધ્યપ્રદેશના મંદસોર જેવા વિસ્તારોમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શનના નામે હિંસા ફેલાવવાનો આરોપ છે. એ પહેલાં ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ ખેડૂતોનું સમર્થન મેળવવા માટે ખાત સભાઓનું આયોજન કર્યું હતું. કોંગ્રેસ ઉપાધ્યક્ષે હાસ્યાસ્પદ રીતે ભાજપની સરકાર ધરાવતા મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં ખેડૂતોના દેવા માફ કરવાના મામલે શ્રેય પણ ખાટ્યો હતો અને હવે ગુજરાતમાં પણ આ જ વાત પુનરાવર્તિત થઇ રહી છે. ગુજરાતમાં નવસર્જન યાત્રા દરમિયાન રાહુલ ગાંધી ઘણીવાર આ જૂઠ્ઠાણું ચલાવી ચૂક્યા છે કે, મોટા-મોટા ઉદ્યોગકારોની લોન માફ થઇ છે, પરંતુ ખેડૂતોની નહીં. આ સાથે જ ખેડૂતોની જમીન માલિકી અને ખેડૂતોની આત્મહત્યા મામલે પણ તેમણે ગંભીર આરોપો મુક્યા છે.

જો કે, રાજસ્થાનમાં કોંગ્રસના શાસનકાળ દરમિયાન ખેડૂતો સાથે જે છેતરપિંડી થઇ છે તે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી શરમજનક સ્થિતિમાં મુકાઇ શકે છે, ખાસ કરીને એટલા માટે કે કોંગ્રેસ પાર્ટીના જનરલ સેક્રેટરી અશોક ગેહલોતને ગુજરાતના ઇન-ચાર્જ નીમવામાં આવ્યા છે. આથી કોંગ્રેસને ખેડૂત કલ્યાણના મામલે પણ પ્રશ્નોનો સામનો કરવો પડે એવી શક્યતા છે, કારણ કે રાજસ્થાન રાજ્ય અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ખેડૂતોના ભોગે કમાણી કરવામાં આવી હતી.

ગત મહિને જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અશોક ગેહલોત પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચાડતી સુજલામ સુફલામ યોજનાને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ઉત્તર ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સાચવવા માટે આ યોજના ખૂબ મહત્વની હતી, પરંતુ કોંગ્રેસે તેનો વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ વિસ્તારના કેટલાક ખેડૂતોએ અશોક ગેહલોતનું નામ ખેડૂત-વિરોધી પણ રાખ્યું હતું. હવે ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વચ્ચે અશોક ગેહલોત અને રાહુલ ગાંધીને આ ખેડૂત-વિરોધી રટણનો કરી રહ્યા છે પણ હકીકતમાં તેમના પોતાના શાસન કાળમાં ખેડૂતો સાથે જ ખાતર કૌભાંડો થયા હોવાનું પણ સામે આવ્યું છે. જે કોંગ્રેસની બે મોંઢે વાત કરવાની નીતિ બતાવી રહી છે.

English summary
Gujarat Elections 2017: Congress leader Ashok Gehlot's Brother name involved in ‘fertilizer scam’. And Rahul Gandhi is blaming PM Modi for Farmer issues in Gujarat. Read here this news in details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X