કોંગ્રેસની મુખ્ય લડાઇ સંઘ સાથે, ભાજપ તો માત્ર મહોંરુ : જયરામ રમેશ
બસ્તી, ઉત્તર પ્રદેશ, 21 ઓક્ટોબર : કેન્દ્રીય પ્રધાન જયરામ રમેશે રવિવારે જણાવ્યું હતું કે કૉંગ્રેસ સામે આવતા વર્ષે થનારી સામાન્ય ચૂંટણીમાં મુખ્ય વળતો દાવો કરનાર એક માત્ર રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ(આરએસએસ) છે. ભારતીય જનતા પક્ષ (ભાજપ) ફક્ત મહોરું છે.
રમેશે ઉત્તર પ્રદેશના બસ્તીમાં આવેલા સિદ્ધાર્થનગર જિલ્લાના ધુમરિયાગંજ ખાતે રેલીને સંબોધતાં જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી 2014માં કૉંગ્રેસની મુખ્ય લડાઇ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ(આરએસએસ) સાથે છે. ભારતીય જનતા પક્ષ(ભાજપ) ફક્ત મહોરું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમની સામે છથી સાત રાજ્યમાં આરએસએસ હરીફાઇમાં છે.
રમેશે ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશ પક્ષના ઇન્ચાર્જ અમિત શાહ પર આરોપ કરતાં જણાવ્યું હતું કે તેમણે મારી રેલીમાં તિરસ્કારની વાવણીનાં બીજ રોપ્યા છે. વધુમાં એમણે એમના પર આરોપ મૂકતાં કહ્યું હતું કે, તેઓ લોકોને ગુજરાતનું મોડલ બતાવીને વિકાસનાં સપનાં દેખાડી રહ્યાં છે, પરંતુ રાજ્યમાં ઘણી સામાજિક સમસ્યાઓ છે.