કોંગ્રેસ બળાત્કારીઓને નપુસંક બનાવવાની સજા માંગી શકે
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસના સભ્યોનો અંતિમ ખરડો ન્યાયમૂર્તિ જે એસ વર્માના નેતૃત્વવાળી સમિતિને સોંપવામાં આવશે. આ સમિતિની રચના 16 ડિસેમ્બરની હ્યદયદ્વાવક ઘટના બાદ કરવામાં આવી હતી. જો કે હજી કાયદા અંગેનો કોઇ મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો નથી. આ આકરા કાયદાની કેટલીક જોગવાઇઓમાં દોષિતોને 30 વર્ષ સુધીની સજા અને આવા કિસ્સાઓમાં ત્રણ મહિનામાં નિર્ણય કરવા માટે ફાસ્ટ ટ્રેક અદાલતોની રચના કરવાની જોગવાઇનો સમાવેશ થાય છે.
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં 23 ડિસેમ્બરના રોજ કાયદાકીય જોગવાઇઓ અંગેની ચર્ચા કરવામાં આવી હતી. તેમણે આ મુદ્દે સામૂહિક બળાત્કારની ઘટનાનો વિરોધ કરી રહેલા એક જૂથની સભ્યો સાથે બેઠક યોજી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં રાષ્ટ્રીય સલાહકાર પરિષદ પણ સામેલ થશે.
આ સંદર્ભમાં સૂત્રોએ જણાવ્યું કે કૃષ્ણા તીરથના નેતૃત્વવાળા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ગત શુક્રવારે વિવિધ હિતધારકો સાથે લાંબી બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન બળાત્કારીઓને કેવી સજા કરવી તે અંગે વિવિધ વિકલ્પો બહાર આવ્યા હતા. રેણુકા ચૌધરીએ બળાત્કારના દોષિતોને રાસાયણિક પ્રક્રિયાથી નપુસંક બનાવવાનું સમર્થન કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની સજા અન્ય દેશોમાં ઘણા સમયથી અમલી છે. તેનાથી અપરાધોને અસરકારક રીતે રોકવામાં ભારે સફળતા મળી છે.