
કોંગ્રેસે સોનિયા ગાંધી અને રાહુલના રાજીનામાના અહેવાલોને રદિયો આપ્યો!
નવી દિલ્હી, 12 માર્ચ : ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની રવિવારે સાંજે 4 વાગ્યે બેઠક મળવા જઈ રહી છે. આ બેઠક પહેલા મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા કોંગ્રેસ વર્કિંગ કમિટીને પોતાનું રાજીનામું સોંપી શકે છે. પરંતુ હવે કોંગ્રેસ તરફથી આ સમાચારને લઈને ઈન્કાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસે કહ્યું કે મીડિયામાં સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકાના રાજીનામાના સમાચાર ખોટા છે.
કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કહ્યું કે NDTV દ્વારા અજાણ્યા સ્ત્રોતોના આધારે ચલાવવામાં આવેલા કથિત રાજીનામાના સમાચાર સંપૂર્ણપણે ગેરવાજબી અને ખોટા છે. સત્તાધારી ભાજપના ઈશારે કાલ્પનિક સ્ત્રોતોમાંથી ટાંકીને આવી પાયાવિહોણી પ્રચાર વાર્તા પ્રસારિત કરવી ટીવી ચેનલ માટે અયોગ્ય છે. NDTVના આ સમાચાર સામે આવ્યા બાદ સમગ્ર મીડિયામાં હલચલ મચી ગઈ હતી.
NDTVએ તેના સમાચારમાં દાવો કર્યો હતો કે, આવતીકાલે યોજાનારી બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, તેમના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા પાંચેય રાજ્યોમાં પાર્ટીની શરમજનક હાર બાદ રાજીનામું આપી શકે છે. કોંગ્રેસના સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવ્યો હતો કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ પ્રચારનું નેતૃત્વ કર્યું હતું, પરંતુ આ વખતે પણ કોંગ્રેસની ઝોળી ખાલી રહી હતી. પાર્ટીના પ્રદર્શનની નૈતિક જવાબદારી લેતા, સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા ટોચના નિર્ણય લેતી સંસ્થાના પદ પરથી રાજીનામું આપી શકે છે.
હવે કોંગ્રેસે આ સમાચારને નકારી કાઢ્યા બાદ NDTVએ પોતાની વેબસાઈટ પરથી આ સમાચાર હટાવી દીધા છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક પહેલા કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ રવિવારે સવારે 10.30 વાગ્યે 10 જનપથ ખાતે પાર્ટીના સંસદીય રણનીતિ જૂથની બેઠક બોલાવી છે. આ પછી સાંજે 4 વાગ્યે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પણ મળવાની છે. આ બંને બેઠકમાં પાંચ રાજ્યોમાં કોંગ્રેસની કારમી હાર અંગે મંથન થઈ શકે છે.