હરિયાણા ચૂંટણીઃ કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, મહિલાઓને 33% અનામતનુ વચન
હરિયાણા વિધાનસભા માટે કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. શુક્રવારે ચંદીગઢમાં પાર્ટી પ્રદેશ અધ્યક્ષ કુમારી શૈલજા, પ્રભારી ગુલામનબી આઝાદ, પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, કિરણ ચૌધરી અને રાજ્યના બીજા નેતાઓની હાજરીમાં કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. ચૂંટણી ઢંઢેરામાં મહિલાઓને નોકરીઓમાં 33% અનામતનુ વચન આપવામાં આવ્યુ છે.
ગુલામ નબી આઝાદે કહ્યુ કે અમારા ચૂંટણી ઢંઢેરામાં દરેક વર્ગના લોકોનુ ધ્યાન રાખવામાં આવ્યુ છે. તેમણે કહ્યુ કે બીજા પાર્ટીઓએ જાહેરાતોમાં તો કામ કર્યુ છે પરંતુ જમીન પર કંઈ નથી કર્યુ. કોંગ્રેસ જમીન પર કામ કરવામાં વિશ્વાસ રાખે છે અને હરિયાણામાં તે બધાને કામ કરીને બતાવશે.
કુમારી શૈલજાએ કહ્યુ, હરિયાણામાં ભાજપની સરકારમાં 36 ટકા ગુનાઓ વધ્યા છે. ભાજપના રાજમાં ગોટાળા જ ગોટાળા થયા. રાજ્યના ખેડૂતો ભાજપના રાજમાં ત્રસ્ત છે. ગરીબ, મજૂરો અને મહિલાઓ અમારી સરકાર બનાવશે. સત્તામાં આવ્યા બાદ ચૂંટણી ઢંઢેરામાં કરાયેલા વચનોને પૂરા કરવામાં આવશે. અમે સૌથી વધુ રોજગાર વધારવા પર જોર આપીશુ. જેજેપી અને ઈનેલો 12 અને ભાજપ 13 તારીખે પોતાના ચૂંટણી ઢંઢેરા જાહેર કરશે. હરિયાણામાં બધી 90 સીટો માટે એક જ તબક્કામાં 21 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં હાલમાં ભાજપની સરકાર છે.
આ પણ વાંચોઃ Happy Birthday Amitabh: અમિતાભ બચ્ચન પાસે કેટલી છે સંપત્તિ, જાણો