દિલ્હી AIIMSમાં કોરોના વિસ્ફોટ, 50 ડૉક્ટરો આઈસોલેશનમાં, અન્ય ડૉક્ટરોની રજા રદ્દ!
નવી દિલ્હી, 04 જાન્યુઆરી : દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અહીંના 50 ડોક્ટરોમાંથી કેટલાકના રિપોર્ટ પોઝિટીવ આવતા તમામને આઈસોલેટ કરવામાં આવ્યા છે. કેટલાકમાં કોવિડ-19 ના લક્ષણો પણ જોવા મળ્યા છે. આ સાથે એઈમ્સના તમામ ડોક્ટરોની રજા તાત્કાલિક અસરથી રદ્દ કરી દેવામાં આવી છે. નોંધપાત્ર છે કે દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.
આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, બીજેપી નેતા મનોજ તિવારી અને કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર નાથ પાંડે પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ મંગળવારે અહેવાલ આપ્યો હતો કે, હોસ્પિટલે 5 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી તમામ ડોકટરોને આપવામાં આવેલી શિયાળાની રજા રદ કરી દીધી છે. હોસ્પિટલ પ્રશાસને તેમને તાત્કાલિક અસરથી ફરજમાં જોડાવા કહ્યું છે. AIIMS સિવાય દિલ્હીની પ્રખ્યાત સફદરજંગ હોસ્પિટલના 23 થી વધુ ડોક્ટરોનો કોરોના વાયરસ રિપોર્ટ પણ ગયા અઠવાડિયે પોઝિટિવ આવ્યો હતો.
સફદરજંગ હોસ્પિટલના એક ડૉક્ટરે જણાવ્યું કે કોઈ પણ ડૉક્ટરને ઓમિક્રોન કેસ નથી, લક્ષણો મોટે ભાગે હળવા હોય છે અને કોઈ પણ સંજોગોમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. ડોક્ટરોએ પોતાને અલગ કરી દીધા છે. આ દરમિયાન દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ) એ રાજધાની શહેરમાં કથળતી કોવિડ-19 પરિસ્થિતિની સમિક્ષા માટે એક બેઠક બોલાવી છે. ડીડીએમએ ચેપના વધારાને રોકવા માટે નવા નિયંત્રણો લાદી શકે છે. સોમવારે દિલ્હીમાં 4,099 નવા કોરોના કેસ નોંધાયા હતા, જે આગલા દિવસે 3,194 કરતા વધુ હતા. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં 28%નો વધારો થયો છે.