• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોરોના વાઇરસ : તબલિગી અને કુંભ સમયે મીડિયા કવરેજ કેવું રહ્યું?

By BBC News ગુજરાતી
|

"ગુરુવાર : તા. 10થી 14 એપ્રિલ દરમિયાન હરિદ્વારના કુંભમેળામાં 1701 લોકો કોરોના પૉઝિટિવ હોવાનું બહાર આવ્યું."

અત્યારે દેશમાં બે પ્રકારનાં દૃશ્ય જોવા મળી રહ્યાં છે. એક તરફ મૃત્યુ અને નિરાશા સાથે જોડાયેલી ઘટનાઓનો વણથંભ્યો ક્રમ છે, તો બીજી તરફ આસ્થા તહેવાર અને જમાવડાનું દૃશ્ય છે.

કુંભની ભીડના સમર્થકો તેને ચિંતાજનક નથી માનતા, કારણકે તેમાં સામેલ થનારાઓ માને છે કે ઉપર બેઠેલા દેવતા તેમની ઉપર કૃપા વરસાવી રહ્યા છે.


બે દુનિયા, બે દૃશ્ય

https://www.youtube.com/watch?v=chfqNQ_5lnU

હાલ આસપાસમાં પ્રવર્તમાન એક દૃશ્ય એવું છે કે જેમાં સ્મશાનની બહાર પણ ડાઘુઓએ રાહ જોવી પડી રહી છે. દરદીઓના પરિવારજનો બેડ મળવાની આશાએ બહાર રાહ જોઈને ઊભા છે. કોઈ ટેસ્ટના રિઝલ્ટની રાહ જોઈ રહ્યું છે.

અનેક ધડકતાં હૃદયોને ઓક્સિજન કે વૅન્ટિલેટરની રાહ છે. આ બધાની વચ્ચે મૃત્યુનો ક્રમ યથાવત્ છે.

ફરી એક વખત પ્રવાસી શ્રમિકોની હિજરત દેખાવા લાગી છે. તેઓ બોરિયાં-બિસ્તરા બાંધીને વતન તરફ જતી ટ્રેનમાં ચડી રહ્યા છે. આ દુનિયામાં બધું ખરાબ થઈ રહ્યું છે, કર્ફ્યુની જાહેરાત થઈ રહી છે.

સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમોમાં 50 કરતાં વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

બીજી તરફની દુનિયામાં લાખો લોકો 'પવિત્ર સ્નાન' કરી રહ્યા છે. કુંભમેળામાં ભારે ભીડ ઊમટી રહી છે અને નદીમાં ડૂબકી લગાવે છે. મેઇન સ્ટ્રીમ મીડિયાના મતે તેઓ શ્રદ્ધાળુ છે અને નદીઓમાં તેમનાં પાપ ધોઈ રહ્યા છે.

આ તરફ કોવિડના કેસોની સંખ્યા રૉકેટ ગતિએ વધી રહી છે અને રેકૉર્ડસ્તરને આંબી રહી છે.

આ દુનિયામાં હાલ પણ કોરોના ફેલાવવાનો દોષનો ટોપલો તબલિગી જમાત પર ઢોળવામાં આવી રહ્યો છે. મીડિયા તથા રાજકીય સત્તાધીશો દ્વારા લઘુમતીઓની સામે પૂર્વાગ્રહપૂર્વક આરોપ મૂકવામાં આવે છે, અને તબલિગીઓની કઠેડામાં ઊભા રાખી દેવાય છે.

યાદ કરો, જ્યારે કોરોનાની પહેલી લહેર આવી હતી ત્યારે મુખ્યપ્રવાહની ટેલિવિઝન ચેનલોએ તેમને 'માનવબૉમ્બ' કહ્યા હતા, પરંતુ કુંભમાં સ્નાન કરવા આવેલા શ્રદ્ધાળુ છે.

ઉત્તરાખંડના મુખ્ય મંત્રી તીરથસિંહ રાવતે તાજેતરમાં કહ્યું હતું કે હરિદ્વારમાં ચાલી રહેલા કુંભમેળાની સરખામણી ગત વર્ષે નવી દિલ્હીમાં નિઝામુદ્દીન ખાતે તબલિગી જમાતના મુખ્યાલયે એકઠા થયેલા લોકો સાથે ન કરવી જોઈએ.

તેમણે પત્રકારોને જણાવ્યું: "તેઓ એક બિલ્ડિંગની અંદર એકઠા થયા હતા. જ્યારે કુંભમાં આવેલા લોકો ખુલ્લામાં રહે છે. અહીં ગંગા વહી રહી છે. મા ગંગાના પ્રવાહ અને આશીર્વાદથી કોરોનાનું સંક્રમણ દૂર થઈ જશે. મા ગંગા તેનો ફેલાવો નહીં થવા દે."

"તબલિગી જમાતના જમાવડા સાથે તેની સરખામણી કરવાનો સવાલ જ ઊભો નથી થતો."

ગત વર્ષે એપ્રિલમાં અનેક મીડિયા ચેનલોએ નિઝામુદ્દીન મરકઝ ખાતે આયોજિત ધાર્મિક આયોજનમાં તબલિગી જમાતના લોકોને ટાર્ગેટ કરીને #CoronaJihad હૈશટૅગ ચલાવ્યું હતું.

તેમને બેજવાબદાર અને 'તાલિબાની' ઠેરવવામાં આવ્યા, તેમની ઉપર તા. 25મી માર્ચ 2020થી લાગુ થયેલા દેશવ્યાપી લૉકડાઉનના શરૂઆતના અઠવાડિયામાં કોરોના ફેલાવવાના આરોપ મૂકવામાં આવ્યા.

આ ઘટના પછી મુસ્લિમ દુકાનદારોનો બહિષ્કાર કરવાનું અભિયાન ચાલ્યું. મુસલમાનો પરની ઘૃણાસ્પદ ટિપ્પણીઓ વધી ગઈ અને મોટા ભાગના મેઇનસ્ટ્રિમ ટેલિવિઝન મીડિયાએ નિઝામુદ્દીન મરકઝમાં સામેલ થયેલા લોકોને કડક સજા કરવાની અપીલ કરી.


દેશમાં કોરોનાના કેસની સંખ્યા

ગત વર્ષે તા. 25મી માર્ચ દરમિયાન દેશમાં દરરોજ કોરોનાના સરેરાશ 250 કેસ નોંધાઈ રહ્યા હતા, ત્યારે ભારતીય જનતા પાર્ટીની આઈટી સેનના વડા અમિત માલવિયે કહ્યું હતું કે નિઝામુદ્દીન ખાતે તબલિગીઓનું એકઠા થવું એ ગુનો છે.

તા. 14મી એપ્રિલે અમિત માલવિયે ટ્વીટ કર્યું અને લખ્યું, "ગત 24 કલાક દરમિયાન દિલ્હીમાં કોરોનાના 13 હજાર 468 કેસ નોંધાયા છે. જે મુંબઈના સાત હજાર 873 કરતાં બમણા છે. દિલ્હીમાં કોઈ ચૂંટણી નથી, કુંભ નથી."

"આ બધું માત્ર અને માત્ર ગેરલાયક મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને કારણે થઈ રહ્યું છે, પરંતુ તેઓ અખબારોમાં જાહેરખબરો પુષ્કળ આપે છે."

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, ગુરુવારે કોરોનાના નવા કેસોની સંખ્યા બે લાખ 739 ઉપર પહોંચી ગઈ. જ્યારથી કોરોનાનો ફેલાવો શરૂ થયો છે, ત્યારથી અત્યારસુધીમાં એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં કેસ ક્યારેય નથી નોંધાયા.

તા. 12 તથા 14 એપ્રિલ દરમિયાન કુંભમાં બે શાહીસ્નાન થયાં. તા. 12મી એપ્રિલે સોમવતી અમાસનું તથા તા. 14મી એપ્રિલે મેષસંક્રાંતિનું શાહીસ્નાન. જેમાં 48 લાખ 51 હજાર લોકોએ ભાગ લીધો, પરંતુ મોટા ભાગના લોકો બચાવ માટેના નિયમોનો ભંગ કરતા જણાયા.

તેમણે ન તો માસ્ક પહેર્યાં હતાં કે ન તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા જણાયા હતા. હરિદ્વાર ખાતે તા. પહેલી એપ્રિલથી શરૂ થયેલો કુંભમેળો તા. 30મી એપ્રિલ સુધી ચાલશે.


'ઇશ્વર વાઇરસ ખતમ કરી દેશે'

https://www.youtube.com/watch?v=J0qP1zBqOag&t=

પાંચમી એપ્રિલે પહેલી વખત એક દિવસમાં એક લાખ કરતાં વધુ રેકૉર્ડ સંખ્યામાં કોરોનાના કેસ નોંધાયા હતા.

ખુદ ઉત્તરાખંડના મુખ્ય મંત્રી તીરથસિંહ પણ છઠ્ઠી એપ્રિલે કુંભમેળામાં સામેલ થયા. તેમનો માસ્ક હડપચીથી નીચે હતું. આ પહેલાં તેમણે કહ્યું હતું કે મેળો તમામને માટે ખુલ્લો રહેવો જોઈએ.

તા. 20મી માર્ચે તેમણે જાહેરાત કરી હતી, "કોવિડ-19ના નામ પર કોઈ પણને કુંભમેળામાં આવતા અટકાવવામાં નહીં આવે. ઇશ્વરમાં રહેલી આસ્થા વાઇરસને ખતમ કરી દેશે. મને તે વાતનો પૂર્ણ વિશ્વાસ છે."

આથી અલગ એક દુનિયા છે, જેમાં ટેલિવિઝન ચેનલના ઍન્કર તથા ઑનલાઇન મીડિયા વડા પ્રધાનને વૅક્સિનગુરુ કહીને તેમની પ્રશંસા કરી રહ્યા છે.

તેમને કુંભના મેળામાં એકઠી થયેલી ભીડને કારણે ખાસ જોખમ ઊભું થતું નથી જણાતું. કુંભમેળાનાં દૃશ્યો પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ત્યાં કોવિડ-19ની માર્ગદર્શિકાનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે.


મીડિયાના વલણમાં આંશિક પરિવર્તન

ભારતીય મીડિયાના એક મોટા વર્ગે આટલી મોટી સંખ્યામાં તા. 30મી એપ્રિલ સુધી એકઠા થવા દેવાના સરકારના નિર્ણય પર સવાલ નહોતા ઉઠાવ્યા, પરંતુ વિદેશી મીડિયાએ સવાલ ઉઠાવ્યા હતા અને તેને સુપર સ્પ્રેડર ગણાવ્યા હતા.

'વૉશિંગ્ટન પોસ્ટ'એ તેના અગ્રલેખમાં લખ્યું, "કોરોનાના ફેલાવાએ ભારતને 'ભરખી' લીધું છે, છતાં હજુ પણ લોકો ગંગા નદીમાં માસ્ક પહેર્યાં વગર ડૂબકી લગાવે છે."

ટાઇમ મૅગેઝિને લખ્યું, "સોમવારની તસવીરો જોઈને માલૂમ પડે છે કે ગંગાસ્નાન કરવા માટે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ છે, પરંતુ લોકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવી શકાય કે નિયમોનો અમલ કરાવી શકાય એટલી સત્તા પોલીસ પાસે નથી."

ઉત્તરાખંડ પોલીસના મહાનિદેશક સંજય ગુંજ્યાલે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે જો કુંભમેળામાં પોલીસ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરાવવા જાય તો "નાસભાગ જેવી સ્થિતિ"નું નિર્માણ થઈ શકે છે.

https://www.youtube.com/watch?v=KzCI7OeWSLw

ઘાટો પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવું ખૂબ જ મુશ્કેલ બની રહે છે. બીજી તરફ પોલીસનો દાવો છે કે કોવિડ-19ની માર્ગદર્શિકાનો ભંગ કરનારાઓને પકડવા માટે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહી છે.

આ માટે હરિદ્વારમાં 350થી વધુ સીસીટીવી કૅમેરા લગાવવામાં આવ્યા છે. જેમાં 100થી વધુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સૅન્સર લાગેલા છે. આ કૅમેરામાં રેકૉર્ડ થઈ રહેલાં દૃશ્યો પરથી સ્પષ્ટ છે કે લોકો માસ્ક પહેર્યાં વગર આંટા મારે છે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોની હાંસી ઊડી રહી છે.

છેલ્લે 2010માં અહીં મહાકુંભનું આયોજન થયું હતું. છેલ્લા અમુક મહિના દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારોએ અનેક ધાર્મિક સમારંભોને મંજૂરી આપી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

આવા મેળાવડા પર સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવવવામાં આવ્યા હતા. કેટલાક મીડિયાકર્મીઓનું કહેવું છે કે લઘુમતીઓ સામે પૂર્વગ્રહ છતો થાય છે.

અલ-જઝીરાએ તેના રિપોર્ટમાં આશ્ચર્ય વ્યક્ત કરતા નોંધ્યું, શું વડા પ્રધાન નરેન્દ્ર મોદી ધાર્મિક નેતાઓના વિરોધના ડરથી આયોજનોમાં લોકોને એકઠા થતા નથી અટકાવી રહ્યા?

મોટા ભાગનું મીડિયા આ મુદ્દે મૌન છે, પરંતુ હવે અમુક સંપાદકોએ ધીમે-ધીમે આ વિશે સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું છે.


મીડિયા, મુસ્લિમ અને મહિમામંડન

ગુરુવારે ઇન્ડિયા ટુડે જૂથના રાહુલ કંવલે ટ્વિટર પર લખ્યું, "સરકારે કુંભમેળા તથા તેના જેવા અન્ય મોટા મેળાવડા પર પ્રતિબંધ લાદવો જોઈએ. રાજકીય પક્ષોની રેલીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે. કોરોનાના કેસ જે ઝડપે વધી રહ્યા છે, તેને જોતા આ પ્રકારના મેળાવડા ....... હારાકિરી સમાન છે. આવી મૂર્ખતાને ભગવાન પણ માફ ન કરે. મત કરતાં જીવન વધુ કિંમતી છે."

વરિષ્ઠ પત્રકાર અભિસાર શર્માના કહેવા પ્રમાણે, પત્રકારોના વલણમાં થોડું પરિવર્તન આવ્યું છે, કારણ કે હવે તેમનામાંથી અમુકના ઘરના બારણે કોરોનાએ ટકોરા દીધા છે.

બિહાર અને ઉત્તર પ્રદેશમાં આરોગ્યમાળખું ધ્વસ્ત થઈ રહ્યું છે અને તેને નજરે જોઈ રહ્યા છે.

મેઇન સ્ટ્રિમ મીડિયામાં કુંભના કવરેજ મુદ્દે તેઓ કહે છે કે અહીં સાંપ્રદાયિક ચશ્માંથી ચીજો દેખાડવા અને કહેવામાં આવી રહી છે.

અભિસાર શર્મા કહે છે, "નિઝામુદ્દીનમાં તબલિગી જમાતના લોકો એકઠા થયા તે પહેલાં દિલ્હીમાં બે ઘટના ઘટી હતી. સીએએ વિરુદ્ધ શાહીનબાગમાં પ્રદર્શન થઈ રહ્યાં હતાં અને તે પછી દિલ્હીમાં હુલ્લડ ફાટી નીકળ્યાં હતાં."

"શાહીનબાગનાં પ્રદર્શન અને દિલ્હીમાં થયેલા હુલ્લડમાં સત્તાધારી પક્ષના એજન્ડાને જ દર્શાવવામાં આવતો. ભાજપના પ્રોપેગૅન્ડા મશીનરીએ મુસ્લિમોના સામાજિક બહિષ્કારનો ઍજન્ડા હાથ ધર્યો હતો."

તબલિગી જમાતને મામલે તેના પ્રોપેગૅન્ડાની પોલ ખુલ્લી ગઈ. વાસ્તવમાં ભારતના મેઇન સ્ટ્રિમ મીડિયા તથા ભાજપની પ્રોપેગૅન્ડા મશીનરી વચ્ચે ખાસ ફેર નથી રહ્યો.

કુંભના મામલે બૅકગ્રાઉન્ડમાં હિન્દુત્વ છે, જે ભાજપને અનુકૂળ છે. કુંભ કોવિડનું સુપર સ્પ્રેડર બની ગયું છે.

આમ છતાં મીડિયા સત્તાધારીપક્ષને સવાલ નથી પૂછી રહ્યું. હું શરત લગાવીને કહી શકું કે જો રમઝાન દરમિયાન કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું તો તેઓ આ મુદ્દાને ઉછાળશે. કુંભના મુદ્દે સવાલ ઉઠાવે તો ભાજપના એજન્ડાને આંચ ન આવે?

તેઓ કહે છે કે આ રમતનાં અનેક પાસાં છે. મીડિયામાં જે પૂર્વગ્રહ જોવા મળી રહ્યો છે, તે પણ એનું જ પરિણામ છે. વાસ્તવમાં તેના માટે અમુક અંશે મીડિયા ન્યૂઝરૂમમાં ડાઇવર્સિટીનો અભાવ સંબંધિત છે.

અભિસાર કહે છે, "ન્યૂઝરૂમમાં કામ કરનારા મોટા ભાગના પત્રકાર ઉચ્ચ જાતિના છે. એક રીતે ભાજપની વિચારધારા સાથે તેમની સહમતી છે. પત્રકારોમાં ભય પણ છે. ભાજપ અનેક રીતે દબાણ ઊભું કરે છે."

"આ મીડિયા રેડિયો રવાન્ડાની જેમ કામ કરે છે અને જર્મનીના ગેસ્ટાપો જેવું છે."

ગત વર્ષે લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે તબલિગી જમાતે તેના અનુયાયીઓને નિઝામુદ્દીનના મરકઝમાં સામેલ થવાની મંજૂરી આપીને 'તાલિબાની ગુનો' કર્યો હતો.

જ્યારે દેશમાં કોરોનાનું સંક્રમણ ફેલાયેલું હોય ત્યારે તબલિગી જમાત તેના અનુયાયીઓને દેશભરમાં ફરવા માટે પ્રોત્સાહિત કરે તે ગુનાહિત બાબત છે. જોકે કુંભના મુદ્દે આ વલણ બદલાયેલું છે. આ મુદ્દે ચુપકીદી સેવાઈ રહી છે અને બચાવમાં નિવેદન પણ અપાઈ રહ્યાં છે.


'મીડિયા કુંભ તથા તબલિગી મામલે દોષિત'

ન્યૂઝ પૉર્ટલ 'સ્વરાજ્ય'ના સિનિયર એડિટર સ્વાતિ ગોયલ શર્મા કહે છે, "જુઓ, ભારતમાં અનેક ધર્મ છે. તેમની વચ્ચે એક રીતે પ્રતિસ્પર્ધા પણ છે. 'ભીડ'ની સમસ્યા માટે કોઈ એક જ ધાર્મિક સમુદાયને દોષિત ઠેરવવો મૂર્ખતા છે."

"માત્ર કુંભમાં જ ભીડ એકઠી નથી થઈ રહી. વૈશાખી નિમિતે ગુરુદ્વારાઓમાં પણ ભીડ જોવા મળી રહી છે અને રમઝાન પર મસ્જિદોમાં પણ લોકો એકઠા થઈ રહ્યા છે. દરેક સ્થળે હજારો લોકોની ભીડ એકઠી થઈ રહી છે અને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગ વગર લોકો એકઠા થઈ રહ્યા છે."

શર્મા કહે છે, "તમામ પ્રકારનાં આયોજનો પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવો જોઈએ અથવા તો તેની સંપૂર્ણપણે મંજૂરી આપી દેવી જોઈએ. નહીંતર પક્ષપાતના આરોપ લાગશે. આને કારણે સાંપ્રદાયિક તણાવ પેદા થઈ શકે છે."

"આ વર્ષે મોટા ભાગના લોકોએ હોળીનો તહેવાર ઘરે જ ઉજવ્યો હતો. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક રિપોર્ટ મુજબ મુંબઈ મહાનગરપાલિકાના વડાએ હોળીના ખાનગી કે સાર્વજનિક આયોજનોને મંજૂરી ન આપી અને કહ્યું કે શબ-એ-બારાત ઊજવી શકાય છે. આશા છે કે લોકો તેને મોટા પાયે નહીં ઊજવે. એ સમયે સશિયલ મીડિયા પર લોકોએ તેની ભારે ટીકા કરી હતી."

https://www.youtube.com/watch?v=PXQt-yE0Jr0

શર્માના મતે આંતરરાષ્ટ્રીય મીડિયા કુંભ વિશે એવા પ્રકારના જ સમાચાર આપી રહ્યું છે, જેવા તબલિગી જમાતના સમયે આવતા હતા.

તેઓ કહે છે કે "ગૂગલ પર કુંભ" ટાઇપ કરો અને ન્યૂઝના સેક્શનમાં જશો એટલે તમને મોટા ભાગના સમાચાર કોરોનાના ભયને લગતા જોવા મળશે. આંતરરાષ્ટ્રીય મીડિયા "કોરોનાના ફેલાવાની વચ્ચે ભારતના હિંદુ તહેવારમાં ભારે જમાવડો" જેવી હેડલાઇન સાથે સમાચાર છાપે છે.

ગોયલ કહે છે કે ગત વર્ષે જે રીતે તબલિગી જમાતને કોરોના ફેલાવવા માટે દોષિત ઠેરવવામાં આવતી હતી, એવી જ રીતે મીડિયાનો એક વર્ગ આ વર્ષે કુંભ વિશે વલણ ધરાવી રહ્યો છે. મીડિયોનો એક વર્ગ કુંભના મેળાવડાને સુપ્રીમ સ્પ્રેડર દર્શાવીને એકતરફી આરોપ લગાવી રહ્યો છે.

શર્મા ઉમેરે છે, "ગત શુક્રવારે ઉત્તર પ્રદેશના બરેલી ખાતે ગાઝિયાબાદના એક શખ્સ વિરુદ્ધ જંગી રેલી કાઢવામાં આવી હતી. તેણે કથિત રીતે મહમદ પેગંબરની ટીકા કરતા નિવેદન આપ્યાં હતાં. સરકારે જુલૂસ ન કાઢવા અપીલ કરી હતી."

"આમ છતાં જુલૂસ કાઢવામાં આવ્યું હતું અને તેમાં આસપાસના જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. હવે જો ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસ વધી જાય તો તમે કઈ ભીડને જવાબદાર ઠેરવશો?"


'મીડિયા બોલે છે પણ..'

મીડિયા વોચડૉગ 'ધ હૂટ'ના સેવંતી નાયનન કહે છે, "મીડિયાની બીજી લહેરની અવગણના કરીને કુંભના મેળાવડા અંગે જે કંઈ લખવામાં કે બોલવામાં આવી રહ્યું છે, તેના પરથી સ્પષ્ટ છે કે તેમાં ગત વર્ષે તબલિગી જમાતની મરકઝ સમયે જોવા મળી હતી એવી ધાર નથી."

"સાંપ્રદાયિકતાને ઉશ્કેરે તેવું કશું ટ્વિટર પર વહેતું નથી થઈ રહ્યું. આવું એટલા માટે થઈ રહ્યું છે કે ગત વર્ષે સીએએ અને દિલ્હીનાં હુલ્લડોને કારણે માહોલ ખૂબ જ તંગ હતો. અને ભાજપના કેટલાક વાચાળ નેતાઓએ શાહીનબાગના પ્રદર્શનકારીઓ અને સીએએના વિરોધીઓ સામે સતત અભિયાન ચાલુ રાખ્યું હતું."

"પરંતુ આ વખતે કોઈ પણ સાવધાની વગર યોજાઈ રહેલા કુંભમેળા વિશે કોઈ રાજનેતા કે રાજકીયપક્ષ ગત વર્ષે સીએએના દેખાવકારોની સામે આવ્યા હતા, તેમ બહાર નથી આવ્યા."

હા, હવે અમુક મેઇન સ્ટ્રિમ મીડિયાના એન્કરોએ 'પવિત્ર સ્નાન' પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું છે.

'ટાઇમ્સ નાઉ'નાં નાવિકા કુમારે આ જમાવડા વિશે કહ્યું કે હાલમાં ભારત 'ગંભીર પરિસ્થિતિઓ'નો સામનો કરી રહ્યું છે. કુમારે સરકારની મંજૂરીથી આયોજિત ધાર્મિક સમારંભો તથા રાજકીય રેલીઓની વાત કહી.

જોકે એનડીટીવી (ન્યૂ દિલ્હી ટેલિવિઝન)એ સ્પષ્ટપણે મત વ્યક્ત કર્યો. તેણે કહ્યું કે જો બોર્ડની પરીક્ષાઓ ટાળવામાં આવતી હોય તો કોરોનાની બીજી લહેરની વચ્ચે કુંભમાં લાખો લોકોને એકત્ર થવાની મંજૂરી કઈ રીતે આપી શકાય?

ખાસ કરીને એવા સમયે કે જ્યારે દુનિયાભરના વિશ્લેષકો કહી રહ્યા છે કે કોરોનાની બીજી લહેર એ પહેલી લહેર કરતાં પણ વધુ ખતરનાક છે.

એનડીટીવીના એન્કર સુશીલ બહુગુણાએ કહ્યું, "બોર્ડની પરીક્ષા ટાળવાનો નિર્ણય સારો છે, પરંતુ કુંભમેળા વિશે કોઈ નિર્ણય કેમ નથી લેવાઈ રહ્યો, ત્યાં લાખો લોકો એકઠા થાય છે."


હિંદુ-મુસ્લિમનાં ચશ્માં અને મીડિયા

મીડિયા વિવેચક તથા માખનલાલ ચતુર્વેદી યુનિવર્સિટીના પ્રોફેસર મુકેશ કુમારના કહેવા પ્રમાણે, મીડિયાનું ભગવાકરણ થઈ ગયું છે. તેને ઝડપભેર ફેલાઈ રહેલા કોરોના વાઇસના ચેપ અંગે પ્રવર્તમાન ગંભીર સ્થિતિની કોઈ ચિંતા નથી. તેમની ચિંતા માત્ર સત્તાધારી પક્ષના એજન્ડાને ફોલો કરવાની છે."

તેઓ કહે છે, "મીડિયા દરેક ચીજોને માત્ર હિંદુ-મુસ્લિમનાં ચશ્માંથી દેખાડે છે. તબલિગી જમાતનો મામલો આવ્યો, ત્યારે હિંસા જેવી સ્થિતિ ઊભી કરી દીધી હતી. છેલ્લા કેટલાક મહિના દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમમાં જમાવડો જોવા મળ્યો હતો."

"એ સમયે ચશ્માં બદલાઈ જાય છે. મુસ્લિમો વિરુદ્ધ મીડિયામાં હંમેશાંથી પૂર્વગ્રહ રહ્યો છે. આ પહેલાં નેશનલ મીડિયામાં કેટલાક નિયમ-કાયદા હતા. પરંતુ હવે એવું નથી. લાગે છે કે હિટલરના શાસનકાળ દરમિયાન જર્મનીમાં રહીએ છીએ."

અભિસાર શર્મા કહે છે, "જેને ગોદી મીડિયા કહેવામાં આવે છે, તેની શાખ ઊતરી ગઈ છે. લોકો પાસે સમાચાર માટેના વૈકલ્પિક સ્રોત છે. લોકો વિશ્વાસપાત્ર સમાચારો માટે વૈકલ્પિક મીડિયા તરફ ઝોક કરી રહ્યા છે."

શર્મા કહે છે, "સામાન્ય લોકો સાથે વાત કરતા માલૂમ પડી જાય છે કે આ બરબાદીનો મેળો છે. તેમને પણ આ બાબતની સમજ છે. તેમની વાતોમાં તર્ક છે. આમ છતાં કેટલાક લોકો 'ભક્ત' છે. આવા જ લોકો કુંભના જમાવડાનું સમર્થન કરે છે. પરંતુ સોશિયલ મીડિયા અને ડિજિટલ મીડિયા જનતાને સત્ય દેખાડી રહ્યું છે."


પ્રસારમાધ્યમોમાં પરિવર્તનનો પ્રવાહ

https://www.youtube.com/watch?v=x9ut_Dhdlok

સમાચારોમાં તૂ-તૂ મૈં-મૈં ચાલુ છે. 'પવિત્રસ્નાન' તથા 'શ્રદ્ધાળુ' મુદ્દે એકબીજાને સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. હવે કદાચ મીડિયાના વલણમાં પણ થોડું પરિવર્તન દેખાઈ રહ્યું છે.

અંતે 'ટાઇમ્સ નાઉ'એ #StopSuperSpreader હૈશટૅગ ચાલુ કરીને આ જમાવડા વિશે પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ છે.

જોકે અન્ય લોકો માટે 'માનવબૉમ્બ', 'કોરોના યુદ્ધ' કે 'કોરોના જેહાદ'જેવા શબ્દો વાપરનાર મેઇન સ્ટ્રિમ મીડિયા સાધુઓ માટે આવો કોઈ શબ્દપ્રયોગ કરવાની હિંમત નથી કરી શક્યું. તેના માટે તેઓ હજુ પણ 'તીર્થયાત્રી', 'શ્રદ્ધાળુ' અને 'ભક્ત' જ છે.

મીડિયા દ્વારા કોવિડ-19ની માર્ગદર્શિકાનું પાલન નહીં કરનારાઓ માટે 'કોવિડ-19 પ્રોટોકૉલના લીરા ઊડ્યા' તેવી લાઇન સાથે સમાચાર આપવામાં આવે છે. દિલ્હીમાં ડ્રોઇંગરૂમ સભા દરમિયાન હજુ પણ અનેક લોકો તબલિગીઓ પર આરોપ મૂકે છે.

કોર્ટે કોરોનાનું સંક્રમણ ફેલાવવાના આરોપમાંથી અનેકને મુક્ત કરી દીધા છે અને તબલિગી મુદ્દે મીડિયાના વલણની ટીકા કરી છે, તો પણ આ બધું પૂર્વવત્ જ છે.

બૉમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે તા. 22મી ઑગસ્ટ, 2020ના તબલિગી જમાતના 29 વિદેશી સભ્યો સહિત અનેક સામે દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરી નાખી હતી. અદાલતે તેના ચુકાદામાં પોલીસ, સરકાર અને મીડિયા સામે કડક શબ્દોમાં ટિપ્પણી કરી હતી.

કોર્ટે કહ્યું હતું કે આ મામલે તબલિગી જમાતના લોકોને 'બલિના બકરા' બનાવવામાં આવ્યા હતા. કોર્ટે મીડિયા અંગે પણ કડક ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે વાઇરસના પ્રસાર માટે તબલિગી જમાતને જવાબદાર ઠેરવીને પ્રોપેગૅન્ડા ચલાવવામાં આવ્યો હતો. બેન્ચે વિદેશીઓ માટે 'સકારાત્મક પગલાં' લેવાની વાત પણ કહી હતી.

દિલ્હીનાં એ ઘરોના બીજા રૂમમાં લોકો મરી રહ્યા છે અને ઘણા બીજા રૂમમાં કેટલાક લોકો એ જ ટેલિવિઝન ચેનલોને જોઈ રહ્યા છે, જે જનતા પર દોષારોપણ કરે છે, પરંતુ સરકારને જવાબદાર નથી ઠેરવતા.

નામ ન છાપવાની વિનંતી સાથે વધુ એક પત્રકારે જણાવ્યું, "સત્તાધીશો વિશે સત્ય કહેવું હવે જૂના જમાનાની વાત થઈ ગઈ છે. અહીં તો લોકોનાં મૃત્યુ પણ નથી દેખાતા."https://www.youtube.com/watch?v=z4O_rEv619k

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Corona Virus: How was the media coverage during Tablighi and Aquarius?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X