• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોરોના વાઇરસ : કેટલી બદલાશે ઑફિસ અને કામકાજની પદ્ધતિ?

By BBC News ગુજરાતી
|

માર્ચ-2020માં ભારતમાં પ્રથમ તબક્કાનું લૉકડાઉન લાગુ થયું, ત્યારથી પૂર્વી શાહ ઘરેથી જ કામ કરે છે. જનસંપર્કના વ્યવસાયમાં કામ કરતા પૂર્વી બે બાળકોનાં માતા છે. તેઓ વ્યક્તિગત અને વ્યવસાયિક જીવન વચ્ચે સંતુલન સાધવા પ્રયાસરત રહે છે.

"ઘરેથી કામ કરવાનું મુશ્કેલ હોય છે, પરંતુ મને લાગે છે કે હવે હું ટેવાઈ ગઈ છું."

શાહે પોતાના ઘરના એક ખૂણામાં નાનકડી ઑફિસ બનાવી લીધી છે, જ્યાં અલાયદું ડેસ્ક, પ્રિન્ટર અને ઇન્ટરનેટ કનૅક્શન છે.

પૂર્વી કહે છે કે સ્થિતિ થોડી વધુ સામાન્ય થશે એટલે તેઓ કૉ-વર્કિંગ સ્પેસમાંથી કામ કરવાનું શરૂ કરી દેશે.

"ખૂબ જ દૂર હોવાથી હું ફરી ઑફિસે નહીં જઉં, સાથે જ હું ઘરેથી પણ કામ કરવા નથી માગતી. વધુ સારી રીતે કામકાજ કરવા જગ્યા બદલવાની જરૂર છે."


ઘરેથી કામકાજ

https://www.youtube.com/watch?v=RszXqsngJcQ

બ્રાન્ડ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા હરીશ બીજુરના કહે છે, "મોટી ઑફિસો નાની થવા લાગી છે. લોકો પ્યૂન જેવા લોકોની મદદ વિના ચલાવતા શીખી રહ્યા છે, જે અનેક લોકોના ઇગોમાં મોટું પરિવર્તન લાવશે."

લૉકડાઉનને કારણે લોકો ઘરમાં રહેવા મજબૂર બની ગયા છે.

હરીશ કહે છે, "હવે લોકોએ વ્યક્તિગત વપરાશ માટે અને કામકાજ માટે એમ બે મોબાઇલ રાખવા પડશે. લોકોને મોટાં ઘરની જરૂર પડશે, જેમાં ઑફિસકામ માટેની અલગ જગ્યા હશે. પ્રિન્ટર તથા અન્ય ઑફિસ સામગ્રીની માગ વધશે અને આ જ આપણું નવું રાબેતા મુજબનું જીવન બની રહેશે."

ગોદરેજ ઇન્ટિરિયોના સમીર જોશીના કહેવા પ્રમાણે, ભારતીય ઘરો નાના હોય છે અને તેમાં ઑફિસ માટેની અલગ જગ્યા જેટલી મોકળાશ નથી હોતી.

તેઓ કહે છે, "અમારી વેબસાઇટ ઉપર ખુરશીને લગતા સર્ચમાં 140 ટકાનો ઉછાળ જોવાયો છે. આ સિવાય વર્કટેબલની માગ પણ વધી છે."

આથી ગોદરેજે તેના હોમ ફર્નિચરની સાથે ફૉલ્ડેબલ ચેર, ફૉલ્ડેબલ ડેસ્ક, કમ્પ્યૂટર ટેબલ તથા સ્ટડી ટેબલનો પ્રચાર વધારી દીધો છે.

નિષ્ણાતોના કહેવા પ્રમાણે, ઘરેથી કામ કરવાની વ્યવસ્થા માત્ર કર્મચારી માટે જ નહીં, પરંતુ ઍમ્પ્યલૉયર માટે પણ પડકારજનક સ્થિતિ ઊભી કરે છે.

સિક્યૉરિટી સર્વિસ કંપની 'સિક્યુરટૅક' ના સહ-સંસ્થાપક પંકિત દેસાઈના કહેવા પ્રમાણે :

"સૌથી મોટો પડકાર એ છે કે કર્મચારી કોઈપણ જાતની દખલની ચિંતા કર્યા વગર સૅન્સિટિવ કામગીરી કરી શકે છે. કોઈનું નિર્દોષ ડોકિયું કે એક જ સિસ્ટમમાંથી ઇન્ટરનેટનું બ્રાઉઝિંગ પણ થતું હોય. જ્યારે તમે બીજા કોઈના ડેટા સાથે કામ કરી રહ્યા હો, ત્યારે તમારે વિશેષ સતર્કતા રાખવી પડે."

ફેસબુક તથા ટી.સી.એસ. (ટાટા કન્સલ્ટન્ટસી સર્વિસ)એ પોતાની ઑફિસમાં 30-50 ટકા કરતાં વધુ સ્ટાફની જરૂર ન પડે તે પ્રકારની યોજના ઉપર કામ કરવાનું શરૂ કરી દીધું છે. એક વખત માળખાકીય સુવિધા ઊભી થઈ જશે એટલે આગામી ત્રણથી પાંચ વર્ષ દરમિયાન નવી વ્યવસ્થા લાગુ કરાશે.

યુનિકૉરર્ન ઇન્ડિયા વૅન્ચર્સના મૅનેજિંગ પાર્ટનર ભાસ્કર મજુમદારના મતે, "આવનારા સમયમાં કર્મચારી ચાહે ગમે તે હોદા ઉપર કામ કરતો હોય તેને અઠવાડિયામાં માત્ર એક કે બે વખત ઑફિસે આવવા માટે કહેવામાં આવશે અને તે મુજબ, તેને વળતર ચુકવાશે."

ફિસમાં મૂળભૂત પરિવર્તન

ઘરેથી કામ કરવાની ઘરેડ પડી જશે એટલે કંપનીઓ કાર્યસ્થળે સ્ટાફની સલામતી માટે મૂળભૂત માળખાકીય ફેરફાર કરવાનું શરૂ કરી દેશે. કમસે કમ ટૂંકાગાળા માટે 'લાઇન ઑફ સાઇટ'ને લાગુ કરશે. મતલબ કે બે કર્મચારી એકબીજાને આંખમાં આંખ નાખીને જોઈ શકે એટલા નજીક બેસાડવાની વ્યવસ્થા નહીં હોય.

નવી વ્યવસ્થા પ્રવર્તમાન પ્રલાલિથી તદ્દન ભિન્ન હશે. હાલ લોકો વધુ નજીકથી સાથે મળીને કામ કરે તે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. જોકે હજુ પણ હળીમળીને કામ કરવાની જરૂર તો પડશે, પરંતુ રૂબરૂમાં સાથે મળીને બેસવાને બદલે ડિજિટલ માધ્યમો થકી આ જરૂરિયાતને પૂરી કરવામાં આવશે.

ઑફિસોમાં કૉલોબ્રેશન તથા વીડિયો કૉન્ફરન્સ માટે વધુ જગ્યા ફાળવવી પડશે. છ ફૂટના સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમને કારણે ઑફિસ આવનારાઓની સંખ્યા વધશે. સહેલાઈથી સાફ કરી શકાય અને ડિસઇન્ફૅક્ટ કરી શકાય, તેવા ગ્લાસની માગ વધશે. આ સિવાય ઍન્ટિ-બૅક્ટેરિયલ કૉટિંગવાળી સામગ્રીની માગ વધશે.

કૃષિક્ષેત્ર

દેશમાં કૃષિક્ષેત્રે લગભગ 50 ટકા લોકો રોજગાર મેળવે છે અને દેશના કુલ ઘરેલું ઉત્પાદન (ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્શન) માં 17 ટકા હિસ્સો ધરાવે છે. આ ક્ષેત્રમાં કાયમી પરિવર્તન આવે તેવી શક્યતા છે.

ખેડૂતોએ ખાતર જેવી વસ્તુઓ મેળવવા માટે અને માટીની ગુણવતા માટે ટેકનૉલૉજીનો ઉપયોગ કરવા લાગ્યા છે.

કૃષિ કંપની ઉન્નતિના સહ-સ્થાપક અમિત સિંહાના કહેવા પ્રમાણે, "છેલ્લા ત્રણેક વર્ષથી ખેડૂતોમાં ટેકનૉલૉજીનો વપરાશ વધ્યો હતો, પરંતુ મહામારીને કારણે આ પરિવર્તન ઝડપી બન્યું છે."

ભારતના ખેડૂતોને આધુનિક ટેકનૉલૉજી પરવડે તેમ નથી અને તેનો વપરાશ કરતા પણ નથી આવડતું. આવી સ્થિતિમાં ઍગ્રિટેક કંપનીઓ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. તેઓ ખેડૂત તથા અન્ય જરૂરિયાત પૂરી પાડનારાઓને જોડે છે.

દાખલા તરીકે કોઈ ખેડૂત ટ્રેક્ટર ભાડે આપી શકે છે અથવા તો વીડિયો કોલ મારફત નિષ્ણાત પાસેથી સલાહ-સૂચન મેળવી શકે છે.

વરસાદની આગાહી વિશે જાણવા માટે કે ખાતરની ગુણવતાને ચકાસવા માટેના સાધનો ભાડે લઈ શકે છે. ટ્રેકરને ભાડે આપીને જરૂર મુજબ તેને વપરાશમાં લઈ શકે છે.

નિષ્ણાતો માને છે કે ભવિષ્યમાં કૃષિક્ષેત્રે ટેકનૉલૉજીનો વપરાશ વધશે. ખેડૂતો તથા મધ્યમવર્ગને લાગે છે કે માણસ સાથે કામ કરવા કરતાં મશીન તથા પ્રૌદ્યોગિકી સાથે કામ કરવું વધુ સલામત છે.

મહામારી પૂર્વે ખેડૂતો ટેકનૉલૉજીને અપનાવી રહ્યા હતા, પરંતુ તે મોટાભાગે સગવડ આધારિત હતું, હવે તેમને પ્રૌદ્યોગિકીનું મહત્ત્વ સમજાયું છે. સસ્તા મોબાઇલ ડેટા પ્લાન તથા સ્માર્ટફોને સમગ્ર પ્રક્રિયામાં ઉદ્દીપકની ભૂમિકા ભજવી છે.

નોકરીમાં પરિવર્તન

વિશ્વભરમાં કંપનીઓ નવાં-નવાં બિઝનેસ મૉડલ અપનાવી રહી છે. કોવિડ પછીના વિશ્વમાં અમુક નોકરીઓની જરૂર નહીં રહે, તેથી નવી નોકરીઓ પેદા કરવાની જરૂર ઊભી થશે.

વર્ષ 2017ના મૅકિંસે ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટના એક અનુમાન પ્રમાણે, ઑટોમેશનને કારણે વર્ષ 2030 સુધીમાં વિશ્વના કુલ વર્કફૉર્સમાંથી 14 ટકાએ કાં તો નવું કૌશલ્ય શીખવું પડશે અથવા તો નવો વ્યવસાય અપનાવવો પડશે. મહામારીને કારણે પ્રશ્ન વધુ પડકારજનક બની ગયો છે.

નિષ્ણાતો માને છે કે ફ્રિલાન્સ કામગીરીને જોવાનો નજરિયો બદલાઈ જશે. ટૂંકાગાળાના કરારઆધારિત કામ આપવાનું ચલણ વધશે.

'શૅફ ઑન કૉલ' જેવી સવલતો વધશે, કારણ કે લોકો રેસ્ટોરાંમાં જવાનું ટાળશે, પરંતુ બહારનું ખાવાની ચટપટી ટાળી નહીં શકે. એટલે તેઓ શૅફને પોતાના કિચનમાં સલામત વાતાવરણમાં જમવાનું બનાવવા માટે બોલાવશે.

મહામારીને કારણે સલૂન, હાઉસકિપિંગ, ફિઝિકલ થૅરાપી, ઍથ્લેટિક ટ્રેનર, કૅશિયર, ઍક્ટર, કૉરિયોગ્રાફર અને મૅનિક્યૉર કરનારાઓને અસલામત માનવા લાગ્યા છે એટલે પરિવર્તન આવી રહ્યું છે.

અનેક પ્રકારના કામો ડિજિટલ બની ગયા છે. યોગ, ડાન્સ તથા મ્યુઝિક ક્લાસના ટીચર અલગ-અલગ પ્રકારના ઑનલાઇન વિકલ્પો ઉપરાંત ક્લાસના વીડિયો લાઇવ પ્રસારણ દ્વારા પોતાના ગ્રાહકો સુધી પહોંચવા માટે પ્રયાસરત છે.

કેટલાક માનવ સંશાધન (હ્યુમન રિસૉર્સ, HR) નિષ્ણાતોના મતે, આગામી સમયમાં ક્લાઉડ કમ્પ્યૂટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, બ્લૉકચેઇન, સાઇબર સિક્યૉરિટી ક્ષેત્રે વધુ ડેટા એન્જિનિયર્સ, ડેટા એનાલિસ્ટ્સ તથા ડેટા સાયન્ટિસ્ટની જરૂર ઊભી થશે.

વધુ દબાણ હેઠળ પણ કામ કરી શકે તે માટે ઇમોશનલ ઇન્ટેલિજન્સની ઉપર ભાર મૂકવામાં આવશે.

રૉબોટિક્સ તથા ઑટોમેશન

વર્ષ 2011થી ભારત રૉબોટ્સ ઉપર કામ કરી રહ્યું છે અને મહામારીને કારણે આ ક્ષેત્રે થનાર સંશોધનને જરૂરી બળ મળ્યું છે. હોટલ, મૉલ, હૉસ્પિટલ અને ઘરમાં બારી સાફ કરવી કે લોન કાપવી જેવા રોજબરોજના કામો કરી આપતાં રૉબોટની માગ વધી છે.

મિલાગ્રૉ રૉબોટ્સના સ્થાપક રાજીવ કરવલના કહેવા પ્રમાણે, "આવા રૉબોટ્સની માગમાં એકથી બે હજાર ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. હવે હાઈ-વૅલ્યૂ જૉબ માણસો કરશે અને બારી સાફ કરવા જેવા કામ રૉબોટ્સ કરશે."

તેમના લેટેસ્ટ મૉડલ મિલાગ્રો આઈમેપ 9 તથા હ્યુમનૉઇડ ઈ.એલ.એફ.નો નવી દિલ્હીની ઍઇમ્સ (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિઝ)માં ફ્લોરને ડિસઇન્ફૅક્ટ કરવા માટે થાય છે. તેમણે ફૉર્ટિસ, અપોલો તથા મૅક્સને પણ રૉબોટ્સ પૂરા પાડ્યા છે.

કેટલીક કંપનીઓએ તેમની સમગ્ર ઉત્પાદનપ્રક્રિયાને ઑટોમૅટિક કરવાની તજવીજ હાથ ધરી છે, જેથી કરીને મૅન્યૂફૅક્ચરિંગનું મૂળભૂત કામ કરનાર કર્મચારી વધુ ચોક્કસાઈપૂર્વક કામ કરી શકે અને નાના-નાના કામ મશીન કરે.

રિયલ એસ્ટેટ બ્રોકર પ્રૉપર્ટી દેખાડવા માટે ડ્રોન કૅમેરાનો ઉપયોગ કરવા લાગ્યા છે.

સર્વેલન્સ

ભારતમાં અગાઉ એવી માન્યતા હતી કે કર્મચારી ઘરેથી કામ કરે તો તે પૂરી દક્ષતાથી કામ કરી શકે. મોટાભાગના મૅનેજર માનતા હતા કે કામને બરાબર રીતે કરવા માટે કર્મચારીએ કલાકો સુધી ઑફિસમાં બેસવું પડે.

અનુ-કોવિડકાળમાં મૅનેજર તથા તેની ટીમ વચ્ચેના વિશ્વાસની પણ કસોટી થશે. રિસર્ચ ફર્મ 'ગાર્ટનર'ના એક રિપોર્ટ મુજબ, 74 ટકા CFO (ચીફ ફાયનાન્સિયલ ઓફિસર)ને લાગે છે કે મહામારીને કારણે અમુક કર્મચારીઓને ઘરેથી કામ કરવા દેવાની ફરજ પડી હતી, તેઓ કોરોનાના અંત પછી પણ ઘરેથી કામ કરવાનું ચાલુ રાખશે.

કર્મચારી ઉપર નજર રાખવા માટે કંપનીઓ મોબાઇલ ડિવાઇસ મૅનેજમૅન્ટ (MDM) જેવા સોફ્ટવૅરનો ઉપયોગ કરી રહી છે.

સાયબરસિક્યૉરિટી કંપનીના સી.ઈ.ઓ. (ચીફ ઍક્ઝિક્યુટિવ ઓફિસર) વિનોદ સેન્થિલે 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ને જણાવ્યું, "આ એવી પ્રિ-બિલ્ટ ટ્રૅકિંગ વ્યવસ્થા કે જેની મદદથી ડેટા મેળવી શકાય છે, લૅપટોપ સ્ક્રિન ઍક્સેસ કરી શકાય છે અને ગુપ્ત માહિતીને દૂરથી જ મિટાવી દઈ શકાય છે."

સાયબર સિક્યૉરિટી કંપની ક્રૉસઓવરએ એવા સોફ્ટવૅરની બાબતમાં નિપુણતા ધરાવે છે, જે મૅનેજરને કર્મચારીની કિ-બોર્ડ ઉપરની કામગરીથી ઍપ્લિકેશનના વપરાશ સહિતની બધી માહિતી મોકલી આપે છે. દર 10 મિનિટે રિપોર્ટ જનરેટ થા છે, જેમાં કર્મચારીની પ્રવૃત્તિનો વેબકૅમ ફોટો પણ હોય છે.

વર્કઍનાલિટિક્સ, ડેસ્ટ્રૅક, ક્યૂમરામ, આઈમૉનિટ તથા ટૅરામાઇન્ડ જેવી કંપનીઓ પાસે પણ આવા સોફ્ટવૅરની માગ વધી છે.

નામ ન આપવા માગતા એક આઈ.ટી. (ઇન્ફર્મેશન ટેકનૉલૉજી) પ્રોફેશનલે બી.બી.સી.ને જણાવ્યું : "મેં કેટલી વખત વૉશરૂમ બ્રેક લીધો, તેના વિશે પણ મારા મૅનેજરને ખબર હોય છે. મને આ બાબત અસહજ કરી દે છે. આ થોડું વધારે પડતું જ કહેવાય."

કેટલીક કંપનીઓએ તેના કર્મચારીઓને કામ કરતી વેળાએ વૅબકૅમેરા ચાલુ રાખવાના નિર્દેશ આપ્યા છે, જે વ્યક્તિની પ્રાઇવસીમાં દખલ સમાન છે.

પણ મોટાભાગના કર્મચારીઓએ, ચાહે તેઓ ગમે તે ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય, તેમણે સ્વીકારી લીધું છે કે આવનારા સમયમાં આ વ્યવસ્થા 'નવું ચલણ' હશે.

સ્ટોરી - નિધિ રાય, ઍડિટિંગ - નિકિતા મંધાની, ઇલૉસ્ટ્રેશન નિકિતા દેશપાંડેhttps://www.youtube.com/watch?v=BMePMYJWbfI

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Coronavirus: How much will the office and working method change?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more